સુરતનાં હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ક્રૂઝ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ (સ્વ.હ)મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 31મી માર્ચે સાંજે સાડા ચાર વાગ્યે હજીરાથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે.
300 મુસાફરો પ્રવાસ કરી શકશે
આ ક્રૂઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. હજીરાથી દીવ જતા અંદાજે 13થી 14 કલાક જેટલો સમય લાગે છે. આ ક્રૂઝમાં 300 મુસાફરો પ્રવાસ કરી શકશે. સાથે જ તેમાં 16 જેટલી કેબિનો પણ આવેલી છે.
અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે
આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. ત્યારબાદ શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે. આ ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ચાર મહિના પહેલા પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ઘોઘા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. જેમાં માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનોએ આ સેવાનો લાભ લીધો છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રૂઝ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.