ભાજપ કાર્યાલય સામે AAP અને BJPના કાર્યકરો વચ્ચે થયેલી બબાલમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિત 16 સામે ઉધના પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો.
સુરત મનપાની મુખ્ય કચેરી પર રવિવારે માર્શલો અને પોલીસ સાથે આમ આદમી પાર્ટીના નગર સેવકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં આમ આદમી પાર્ટીના નગર સેવકોને માર મારવામાં આવ્યો હતો. અને મહિલા નગર સેવકના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં ૧૫થી ૨૦ જેટલા કાર્યકરો અને આગેવાનો સોમવારે બપોરે ઉધના સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ ગઇ હતી.
ભાજપને ગુંડા જ જોઈએ છે?
AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સુરતનો વીડિયો શેર કરી ટ્વીટ કર્યું હતું કે જુઓ. આ લોકો દેશભરમાં ગુંડાગર્દી કરી રહ્યા છે. તમારાં બાળકોને શિક્ષા કે રોજગાર નહીં મળે. ભાજપને ગુંડા-લફંગા જ જોઈએ છે.
ભાજપના કાર્યકરોએ ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા
ભાજપ કાર્યાલય પર આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે રોક્યા હતો. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાને માર મરાયો અને ગોપાલ ઇટાલિયા સાથે ટપલીદાવ થયો હતો. ભાજપ કાર્યાલય પર વિરોધપ્રદર્શન કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો. આ વિરોધપ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
આપના કાર્યકરો અમારા કાર્યાલય પર હુમલો કરવા માટે આવ્યા હતાઃ ભાજપ
યુવા ભાજપ પ્રમુખ ભાવિન ટોપીવાલાએ કહ્યું હતું કે, રાષ્ટ્રની સેવા કરવા માટેનું અમારું કાર્યાલય અમારા માટે કેન્દ્ર બિંદુ છે. અમારા કેન્દ્ર બિંદુ પર કોઈ હુમલો કરવામાં આવે તે ચલાવી લેવામાં આવશે નહીં. અમે કોઈને નડતા નથી પરંતુ અમને કોઈ નડે છે તેને અમે છોડીશું પણ નહીં. તો એક કોર્પોરેટરે કહ્યું હતું, અમે અમારા કાર્યાલય પર બેઠા હતા પરંતુ વિરોધ પ્રદર્શનના નામે આપના કાર્યકરો અમારા કાર્યાલય પર હુમલો કરવા માટે આવ્યા હતા. પોલીસનું કોર્ડન તોડીને તેઓ તેમની સાથે આવેલા કેટલાક અસામાજિક તત્વો સાથે ધસી આવ્યા હતા અને અમારા કેટલાક કાર્યકરો સાથે ઝપાઝપી કરી હતી.
AAPના નેતાઓ રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા
સુરત ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દેખાવો કરવા આવવાના છે એવી જાહેરાત બાદ ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકરો પણ કાર્યાલયમાં ભેગા થયા હતા. આપેલા સમય કરતાં એક કલાક પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો રેલી સ્વરૂપે આવ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર જ મૂકેલી પોલીસવાનમાં તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. જોકે કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસની પકડમાંથી છૂટીને ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ભાજપ કાર્યાલય પર ઊભેલા ભાજપના કાર્યકરો તેમની સામે ધસી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.