કાર્યવાહી:વેસુમાં કોમન પ્લોટ પર દબાણ કરનારા પિતા-પુત્ર વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેસુમાં શિવકૃપા સોસાયટીમાં સીઓપીની જગ્યામાં દબાણ કરી પાણીનો વેપલો કરતા પિતા-પુત્ર સામે ઉમરા પોલીસે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે. અલથાણના સોહમ ફ્લેટમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજભાઈ ઇશ્વરભાઈ કાબરાવાલા શિવકૃપા સોસાયટીના પ્રમુખ છે. તેઓએ ઉમરા પોલીસમાં પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તનસુખ ડાહ્યાભાઈ પટેલ અને તેના પુત્ર કરણ તનસુખ પટેલ (બંને રહે, કરિશ્મા મહોલ્લો, જુના મગદલ્લા)ની સામે ગુનો નોંધ્યો છે. આરોપી તનસુખ પટેલની માલિકીનો આ સોસાયટીમાં એક પ્લોટ પણ હતો.

જે પ્લોટ તેણે વર્ષ 2020માં બીજાને વેચી દીધો હતો. ત્યાર પછી પણ પિતા-પુત્ર આ જગ્યા પર કબજો કરી ગેરકાયદે પાણીનો વેપલો કરી રહ્યા હતા. દોઢેક વર્ષ પહેલા પણ આ જગ્યાને લઈ વિવાદ થયો હતો. જેમાં મારામારી પણ થઈ હતી. આ મારામારીનો વીડિયો સામે આવ્યો હતો. શિવકૃપા કો.ઓ.લી સોસાયટીમાં સીઓપીની 525.67 ચો.મીટર જગ્યા પૈકી 175 ચો.મીટરમાં કબજો કરી સોસાયટીની મંજૂરીની વિના 1 રૂમ,1 ઓફિસનું કાચું બાંધકામ તેમજ 3 બોરવેલ બનાવી પિતા-પુત્ર પાણીના ટેન્કરોનો વેપાર કરતા હતા. આ સોસાયટીમાં કુલ 52 પ્લોટો છે. જેથી સોસાયટીના પ્રમુખ પોલીસમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...