કાર્યવાહી:મહિલા TRB સાથે બબાલ રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ અડાજણમાં રસ્તા પર રિક્ષા ઊભી રાખી વાત કરતા ટ્રાફિક થયો હતો

અડાજણમાં ટ્રાફિક બાબતે મહિલા ટીઆરબી જવાન સાથે માથાકૂટ કરનારા રિક્ષાચાલક સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અડાજણમાં રીક્ષા ડ્રાયવરે રસ્તામાં રીક્ષા ઉભી રાખીને ટ્રાફિક જામ કરતા મહિલા ટીઆરબીએ તેને રીક્ષા હટાવવા કહ્યું હતું. ત્યારે ડ્રાયવરે ટીઆરબી સાથે માથાકુટ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતા ટીઆરબી સંગીતા સાહેબરાવ ગોસ્વામી શનિવારે અડાજણમાં પાલનપુર જકાતનાકા ચાર રસ્તા પાસે સર્કલ પર ટ્રાફિક નિયમનની ફરજ પર હતા. ત્યારે એક રીક્ષા ડ્રાયવર ત્યાં રીક્ષા લઈને આવ્યો અને રસ્તામાં રિક્ષા ઉભી રાખીને કોઈની સાથે વાત કરવા લાગ્યો હતો. જેના કારણે ત્યાં ટ્રાફિક જામ થવા લાગ્યો હતો.

ટીઆરબી સંગીતા ગોસ્વામીએ રીક્ષા ડ્રાયવરને ત્યાંથી રીક્ષા સાઇડ પર લેવાનું કહેતા ડ્રાયવરે ઉશ્કેરાઈને કહ્યું કે રીક્ષા અહીં જ ઉભી રહેશે. હું અહીંથી રિક્ષા હટાવવાનો નથી.ત્યારબાદ રિક્ષા ચાલક મહિલા ટીઆરબી સંગીતા ગોસ્વામીને ગાળો આપવા લાગ્યો હતો. જેથી ટીઆરબીએ રિક્ષા ડ્રાયવરને પકડી લીધો હતો. રિક્ષા ચાલકનું નામ તુલસી હરીશ સાવલે (રહે. સુંદરમ કોમ્પ્લેક્સ, પાલ રોડ,અડાજણ) છે. સંગીતા ગોસ્વામીએ તુસલી સાવલે વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...