નવો કીમિયો:ઉધારી નહીં ચૂકવનારા કાપડ વેપારીઓની સોસાયટીઓમાં લેણદારો ચા-પાર્ટી કરશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફસાયેલાં પેમેન્ટ કઢાવવા માટે ટેક્સટાઇલ વેપારીઓ મક્કમ બન્યા

ફસાયેલા પેમેન્ટને કઢાવવા સુરતના ટેક્સટાઈલના વેપારીઓ ગાંધીગીરીનો રસ્તો અપનાવશે. જે વેપારીએ પેમેન્ટ ન ચૂક્વ્યું હોય તેના ઘરે જઈને વેપારીઓ બેસી જશે અને બિલ્ડિંગના સેક્રેટરીને બોલાવી ચા-પાણી કરશે. શહેરમાં દર વર્ષે અંદાજે 250 કરોડથી વધારેના ચીટિંગના કેસો બની રહ્યાં છે. વેપારીઓ ચીટિંગનો ભોગ ન બને અને કેસો ઘટે તે માટે વેપારી સંસ્થાઓ દ્વારા સ્પેશિયલ ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન અને સીટનું ગઠન કરવા માટેની માંગણી પણ કરાઈ રહી છે. વેપારીઓએ એટલા માટે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો છે જેથી ચીટિંગ કરનાર વેપારી પોતાની સોસાયટીના સભ્યો સામે શરમમાં મુકાઈ જાય અને પેમેન્ટ આપવા માટે મજબૂર બને.

વ્યાપાર પ્રગતિ સંઘ વેપારીઓની આ સમસ્યાનું સમાધાન લાવવા માટે દર રવિવારે મીટિંગનું આયોજન કરે છે. જેમાં રોજે રોજ ચીટિંગના કેસો વધારે આવતા હોવાથી હવે ચીટર વેપારીઓને સબક શીખવવા માટે આ તરકીબ અપનાવાઈ છે. વ્યાપાર પ્રગતિ સંઘના જણાવ્યા પ્રમાણે વેપારીઓ ચીટિંગ કરનારા વેપારીઓના ઘરે પોતાના બાળકો અને પરિવારને લઈને ચા-પાણી પિવા માટે જશે. એ સાથે જ તેઓ ચીટિંગ કરનાર વેપારીની સોસાયટીના પાર્કિંગમાં જઈ સોસાયટીના સેક્રેટરી અને પ્રમુખ સાથે પણ ચા-પાણી કરશે. તે ઉપરાતં ચીટિંગ કરનાર વેપારીની દુકાનમાં ભોગ બનેલો વેપારી સતત ત્રણ દિવસ સુધી પોતાના કર્મચારીને ટિફિન અને પાણીની વ્યવસ્થા કરીને કામ કરવા માટે મોકલશે.

શરમમાં આવી વેપારીઓ ફરી ચીટિંગ નહીં કરે
વ્યાપારી પ્રગતિ સંધના કહેવા પ્રમાણે ચીટિંગ કરનારા વેપારીઓને શરમમાં મુકવામાં આવશે તો તેઓ ચૂકવણી કરી દેશે. હાલ ચીટિંગનો ભોગ બનેલા વેપારીઓ સુરતમાં જ આ કીમિયો અજમાવશે. પોતાના પરિવાર અને સોસાયટીમાં ઇજ્જત ન જાય તે માટે ચીટિંગ કરનારા વેપારીઓ પેમેન્ટ તો ચૂકવશે સાથે-સાથે ચીટિંગ કરવાનું પણ બંધ કરી દેશે.

ઈજ્જત જવાની બીકે પેમેન્ટ છૂટવા પણ લાગ્યું
વ્યાપાર પ્રગતિ સંઘે હજુ સુધી એક પણ સોસાયટીમાં આવી ચા-પાર્ટીનું આયોજન કર્યું નથી. પરંતુ દેવાદારોની સોસાયટીમાં આવી પાર્ટીનું આયોજન થશે તેવી ફક્ત જાહેરાત કરવામાં આવી છે. આ આજાહેરાત થયા બાદથી ઘણા બધા લેણદારોના પેમેન્ટ છૂટવા લાગ્યા હોવાનું વેપારી સંઘના સંજય જગનાનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...