સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસ મથકની હદમાં આવતા કાંઠા વિસ્તારના ગામોમાં ચાલતા દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પોલીસ દ્વારા રેડ કરી 58 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં 18 પુરુષ અને 49 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો હતો.
દારૂની ભટ્ટીઓનો નાશ
ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે લાલ આંખ કરી હતી. ઓલપાડ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં ઓલપાડ પોલીસ મથકની હદમાં આવતા ટુંડા, લવાછા, સાયણ, દેલાડ, ગોથાણ, કમરોલી, જીણોદ, કરંજ, પારડી, ઝાંખરી, ગોલા, ઓરમા, તળાદ વગેરે ગામોમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી.
ગ્રામ્ય પોલીસએ સપાટો બોલાવ્યો
પોલીસે આ બનાવમાં 58 કેસો કર્યા છે. જેમાં 18 પુરુષ અને 49 મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 2200 લિટર દેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ દેશી દારૂ બનાવવા માટેનો 300 કિલોગ્રામ ગોળ પણ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો હતો.
હજારો લિટર દારૂનો નાશ કર્યો
આમ પોલીસે ત્રણ દિવસની કાર્યવાહી દરમ્યાન દેશી દારૂ તથા 14,100 લિટર દેશી દારૂ બનાવવા માટેનું ગોળ પાણીનું રસાયણ તથા ગોળ મળી કુલ 42 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.