સુરતમાં દુષ્કર્મ કરનાર નરાધમો સામે કોર્ટ દ્વારા આકરા પાણીએ સજા આપવામાં આવી રહી છે. બે વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર નરાધમને કોર્ટે અંતિમશ્વાસ સુધીની કેદની સજા ફટકારી હોવાનો હુકમ કર્યો છે. ગત નવેમ્બરમાં વેસુ વિસ્તારમાં રોડ પર સૂતેલા શ્રમિક પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કરીને ટ્રક ચાલકે દુષ્કર્મ કર્યું હતું. જેમાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ધરપકડ કરી એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી દેવાતા કોર્ટ દ્વારા વધુ એક સુનાવણી કરીને આજે ગણતરીના 100 દિવસમાં સજા ફટકારી છે.જ્યારે પીડિતાના પરિવારને 9 લાખનું વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
બળાત્કારીઓ પર સુરત કોર્ટનો કસાતો સકંજો
નાની બાળકીઓ ઉપર સુરતમાં છેલ્લા મહિનાઓમાં થયેલા બળાત્કારને લઇ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટ એક પછી એક દાખલારૂપ સજાઓ તમામને ફટકારી રહી છે. હજુ ગયા અઠવાડિયે જ કતારગામમાં સાડા છ વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરના કેસમાં કોર્ટે નરાધમને ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારે આજે કોર્ટ દ્વારા વધુ એક નરાધમની સામે સજા ફટકારી. સુરદીપ બાલકિશન નામના નરાધમને કોટે અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. ત્યારે જે રીતે બળાત્કારીઓને એક પછી એક સુરત કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી રહી છે. તેને લઈ બળાત્કારીઓ સામે કોર્ટ દ્વારા સકંજો કસવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
100 દિવસની અંદર કોર્ટે સજા ફટકારી
આજે સુરત સેશન કોર્ટ દ્વારા સુરદીપ બાલકિશને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારાયા બાદ આ કેસના તપાસ કરતાં ડીસીપી સાગર બાગમારેએ જણાવ્યું હતું કે, સુરત કોર્ટ દ્વારા આજે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. વેસુ વિસ્તારમાં રોડ પર સૂતેલી બાળકીનું મધરાત્રે ડમ્પર ચાલક દ્વારા અપહરણ કરીને અવાવરું જગ્યાએ લઈ જવામાં આવી હતી. અને ત્યારબાદ બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક ટ્રક ચાલક સુરદીપ બાલકિશનની ધરપકડ કરી લેવામાં આવી હતી. અઠવાડિયાની અંદર પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવા આવી હતી. ત્યારે કોર્ટ દ્વારા આ કેસમાં માત્ર 100 દિવસની અંદર ચુકાદો સંભળાવી દેવામાં આવ્યો છે. સુરત સેશન કોર્ટ દ્વારા આજે બળાત્કારી સુરદીપ બાલકિશનને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે.
બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
સુરતના વેસુ-સિટીલાઈટ વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે શ્રમિક પરિવાર રોડ પર સૂતો હતો. દરમિયાન મોડી રાત્રે પરિવાર સૂઈ રહ્યો હતો ત્યારે રોડ પરથી પસાર થઈ રહેલા ડમ્પર ચાલક સુરદીપ બાલકિશન દુષ્કર્મના ઇરાદે બે વર્ષની બાળકીનું અપહરણ કરી ઉપાડી ગયો હતો. નરાધમ બાળકીને ઉપાડી મગદલ્લા નજીકની ખુલ્લી અવાવરૂં જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હતું.
કેવી રીતે થઈ હતી પરિવારને જાણ
નરાધમ સુરદીપ બાલકિશન બાળકીનું રસ્તા પરથી અપહરણ કરી લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેની બાજુમાં સૂઈ રહેલી તેની મોટી બહેનની ઊંઘ ઉડી ગઈ હતી. તેણે તેની નાની બહેનને કોઈ ઉપાડી જતા જોઈ બૂમાબૂમ કરી દીધી હતી અને માતાપિતાને જગાડી દીધાં હતાં. મજૂર-શ્રમિક દંપતીએ પોતાની માસૂમ બાળકીને બચાવવા રોડ પર દોડાદોડી કરી હતી. માસૂમ દીકરીને ઉપાડી લઈ જનાર નરાધમ સુરદીપ બાલકિશનનો દોડીને પીછો પણ કર્યો હતો, પરંતુ તેની સુધી પહોંચાયએ પહેલાં જ નરાધમ બાળકીને લઈને ભાગી ગયો હતો. માસૂમ બાળકીનું અપહરણ થઈ જતાં પરિવાર બેબાકળો બની ગયો હતો અને મોડી રાત્રિએ મદદની આશ માટે અટવાઈ રહ્યું હતું.
મહિલા પોલીસની સતર્કતાથી બાળકી મળી આવી
દરમિયાન વેસુ પોલીસ મથકની પેટ્રોલિંગ કરતી PCR વાન ત્યાંથી પસાર થઈ હતી. PCRમાં પેટ્રોલિંગ કરતાં મહિલા હેડ કોન્સ્ટેબલે શ્રમિક પરિવારને સાંભળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક તેમણે કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. મહિલા પોલીસ-કોન્સ્ટેબલ અને પોલીસ કંટ્રોલરૂમની સતર્કતાને લઇ પોલીસ અપહરણ કરાયેલી બાળકી સુધી પહોંચી ગઈ હતી. અને ડમ્પર મૂકીને ઘટના સ્થળેથી ભાગી છુટેલ નરાધમ સુરદીપ બાલકિશનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.
બાળકીનું ઓપરેશન કરાવવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ હતી
પોલીસ દ્વારા બાળકીને સૂમસામ જગ્યાએથી શોધી કાઢ્યા બાદ તેને તાત્કાલિક સારવાર અને મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ મોકલી હતી. જ્યાં તબીબ દ્વારા બાળકીનું પરીક્ષણ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે બાળકીને તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવી સ્થિતિ નિર્માણ પામી હતી. નરાધમે બાળકીનું અપહરણ કરી લીધા બાદ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાળકીના ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પણ પહોંચાડી હતી.
નરાધમ સામે પોક્સો એક્ટ હેઠળ કેસ
પોલીસે એસ.કે નગર પાસેથી દુષ્કર્મ કરનાર આરોપી અને બાળકીને શોધી કાઢી મહિલા કોન્સ્ટેબલે તાત્કાલિક બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. આરોપી સુરદીપ બાલકિશનની ધરપકડ કરી હતી. જ્યાં તેની તપાસ કરતા જણાવવા મળ્યું હતું કે તે મૂળ દેવરીયા યુપીનો રહેવાસી છે અને ડ્રાઇવિંગનું કામ કરી રહ્યો છે. નરાધમ આરોપી સામે પોલીસે આઈપીસી કલમ 363, 365, 376 અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા આજે સો દિવસની અંદર નરાધમને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા સંભળાવતો હુકમ કર્યો છે.જ્યારે પીડિતાના પરિવારને 9 લાખનું વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.