ક્રાઇમ:ભૂમાફિયા શૈલેષને કોરોના, મદદગારની ધરપકડ મામલે કોર્ટનો ડીસીબીને ઠપકો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સારવાર બાદ ધરપકડ કરાશે
  • શૈલેષની રાજકારણીઓ સાથેના સંંબંધ પણ ચકાસાશે

લસકાણામાં બિલ્ડરની જમીન પર કબજો કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપી શૈલેષ ભટ્ટને દિલ્હી પોલીસની મદદથી ક્રાઇમબ્રાંચે પકડી પાડી શુક્રવારે બપોરે સુરત લઈ આવી હતી. શનિવારે તેની ધરપકડ કરવા પહેલા નવી સિવિલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે શૈલેષ ભટ્ટને 15 દિવસ માટે નવી સિવિલના કોરોના વોર્ડમાં પોલીસની નિગરાનીમાં એડમિટ કર્યો છે. શૈલેષ ભટ્ટના સંપર્કમાં આવેલા 5થી 7 જેટલા પોલીસકર્મી-ઓફિસરોના પણ કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ કરી છે. ોલીસ સમક્ષ શૈલેષ ભટ્ટએ વકીલને મળવા માટે આવ્યો હોવાની વાત કરી છે. જો કે દિલ્હીમાં શૈલેષ ભટ્ટના એક રાજકારણી સાથે ઘરોબો ધરાવતો હોવાની આશંકા છે અને તેની છત્રછાયામાં તે દિલ્હીમાં રહેતા હોવાની આશંકા છે. શૈલેષની છેલ્લા 10 દિવસની કોલ ડિટેઇલ્સની તપાસ કરવામાં આવે તો તેનું લોકેશનથી માંડીને કોની કોની સાથે વાતો કરી છે તે અંગેની ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. સરથાણાના બિલ્ડર રાજુ દેસાઈને જે વ્યકિતના બંગલામાં ધમકી આપવામાં આવી તે બંગલો વેસુમાં આવેલો છે. બંગલા બાબતે કેટલાક પોલીસકર્મી પણ વાફેક છે. આ બાબતે પોલીસ કમિશનરનો જે સોસાયટીમાં બંગલો આવેલો છે તેના અને આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરાની 3 મહિનાના ફુટેજ કઢાવે તો હકીકતો મળી શકે.

ક્રાઈમબ્રાંચની તપાસ, પોલીસ સાથે ધવલ જૈનનું કનેક્શન
અનિરૂદ્ધસિંહે જે ધવલ જૈનના ઘરે રાજુ દેસાઈને ધમકી આપી હતી તે ધવલ જૈનના પીપલોદના બંગલામાં શનિવારે ક્રાઈમ બ્રાંચે તપાસ કરી હતી. ધવલના બંગલામાં પડ્યા પાથર્યા રહેતા 3 જણાને ક્રાઈમ બ્રાંચ લઈ ગઈ હતી. શૈલેશ ભટ્ટને સુરત લવાયા બાદ ક્રાઈમ બ્રાંચે ધવલના ઘરે તપાસ કરી હતી. જોકે હજી સુધી પુછપરછ કરી નથી. એ પણ મહત્વનું છે કે ક્રાઈમ બ્રાંચના જ એક અધિકારીનો ધવલ જૈન સાથે સારો એવો ઘરોબો છે. એવા સંજોગોમાં ધવલની નિષ્પક્ષ થાય કે નહીં તે જોવાનું છે. આશરે 34 વર્ષનો અમદાવાદનો ધવલ જૈન સુરતમાં એકલો રહે છે. તેનો પરિવાર અમદાવાદ રહે છે. 4 વર્ષથી તે સુરતમાં પોલીસ અધિકારી સાથે મળીને લાઇઝનીંગનું કામ કરતો થયો છે. તેના પહેલા સમીર નામનો એક યુવક લાઇઝનીંગનું કામ કરતો હતો. પરંતુ એક પોલીસ કમિશનરે સમીરની શાન ઠેકાણે લાવતા તેના પછી ધવલે માથું ઉચક્યું હતું. 3 ફોન વાપરતો ધવલ અલગ-અલગ લોકો સાથે અલગ-અલગ ફોનથી વાત કરે છે. જિલ્લાના એક અધિકારીનો પણ ધવલ સાથે સારો એવો ઘરોબો છે. ધવલના ઘરે એક ઓફિસ પણ બનાવી છે.

શૈલેષ કેસઃ જાડેજાની ધરપકડમાં ઉતાવળ
શૈલેષ ભટ્ટ કેસમાં નરેન્દ્રસિંહ જાડેજાની પણ ધરપકડ કરી હતી. તેની સામે 212 એટલે કે આશરો આપવાની કલમ ઉમેરી હતી. વકીલોએ કહ્યુ કે IPC કલમ-212નો ઉમેરો ફરીયાદમાં કરવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે કલમ 212 મૂળ ફરિયાદમાં જણાવેલા ગુનામાં લાગુ પડતી ન હોય તેમ જણાવી રિપોર્ટ નામંજૂર કર્યો હતો. હવે ડીસીબી રિવિઝન કરશે, અથવા આરોપીને છોડવો પડશે. ભાગતા ફરતા એક સામે પણ આજ કલમ લગાવી છે.

અન્ય સમાચારો પણ છે...