ઘરેલુ હિંસા કે દહેજના કાયદાનો દુરુપયોગ કરનારી સ્ત્રીઓ માટે લાલબત્તીરૂપ ચુકાદો કોર્ટે આપ્યો છે. જેમાં પરિણીતાએ પતિ ઉપરાંત સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને નણંદ એક છત નીચે રહેતા ન હોવા છતાં તમામને કેસમાં જોડી દીધા હતા. જો કે, કોર્ટમાં દલીલો દરમિયાન આવી અરજી ઘરેલુ હિંસાની વ્યાખ્યામાં જ આવતી ન હોવાનું જણાવીને કોર્ટે અરજી નામંજૂર કરી દીધી હતી. પતિ તરફે એડવોકેટ પ્રીતિ જોષીની દલીલ હતી કે લગ્નને 32 વર્ષ વિતી ગયા છે. આટલાં વર્ષો બાદ કેમ અરજી કરાઈ તેનો કોઇ યોગ્ય ખુલાસો રજૂ કરવામાં આવ્યો નથી.
કેસની વિગત મુજબ, વરાછા રહેતા અમિષા અને અંકત (નામ બદલ્યાં છે)ના લગ્ન વર્ષ 1988માં થયા હતા. લગ્ન બાદ નજીકના સંબંધીઓ સાથે અરજદાર પરિણીતાનો ઝઘડો થતો રહેતો હતો. ઉપરાંત પતિ સાથે પણ સતત તકરાર રહેતી હતી અને અરજદાર પોતાની રીતે જ જીવન જીવતા હતા. છેક 2020માં અરજદારે કોર્ટમાં ઘરેલુ હિંસાના કાયદા અંતર્ગત અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં હાજર રહેલા સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને દિયર-દેરાણીએ જણાવ્યું કે અરજી કાયદામાં આપેલી જોગવાઇઓ વિરુધ્ધની છે અને ટકવાપાત્ર નથી.
પતિ-પત્ની એકલા જ રહેતા હતા
આ કેસમાં કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે જેમને આ કેસમાં જોડવામાં આવ્યા છે તેમાંથી કોઈ પણ અરજદાર એક છત નીચે રહેતા નતી. બધાં જ અલગ રહે છે. આથી ઘરેલુ હિંસા અંતર્ગત આ અરજી ટકવાપાત્ર જ નથી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આખરે કોર્ટે આ અરજી જ કાઢી નાંખી એક રીતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે ચુકાદામાં શું નોંધ્યું
કોર્ટે નોંધ્યુું હતું કે, આ અરજી ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ આવતી નથી. આ અરજીના ખુલાસા માટે વધુ મુદત ન્યાયના હિતમાં આપવી ન્યાયિક અને ઉચિત જણાતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.