સુરતના સુવાલી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલી ટાંકી નજીક રહેતા દંપતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પાડોશી દ્વારા રૂમનો દરવાજો ખખડાવ્યા બાદ પણ ખોલવામાં આવતા અંદર તપાસ કરી હતી. પતિનો મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો અને પત્ની જમીન પર પડેલી હોવાનું જોવા મળ્યું હતું. પાડોશી દ્વારા પોલીસને ફોન કરી જાણ કરાતા હજીરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. હાલ તો પતિએ જ પત્નીની હત્યા કરી આપઘાત કરી લીધો હોવાની આંશકા સેવવામાં આવી રહી છે.
પાડોશીએ તપાસ કરતા બે મૃતદેહ મળ્યા
કંપનીમાં હેલ્પર તરીકે કામે જતા અનિલ સાહુ અને તેની પત્ની ભારતી સાહુનો મૃતદેહ તેમના ઘરમાં મળી આવ્યો હતો. નોકરીનો સમય હોવાને કારણે તેના પાડોશી તેને બોલાવી રહ્યો હતો પરંતુ અનિલ સાહુએ ઘરનો દરવાજો ન ખોલતા પાડોશીએ દરવાજો ખોલી દીધો હતો. અગમ્ય કારણસર પતિ અનિલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. તેની પત્ની ભારતી મૃતદેહ જમીન ઉપર જ પડેલો હતો જેના પરથી તારણ કાઢવામાં આવી રહ્યું છે કે પહેલા પત્નીને માર્યા બાદ પતિએ આપઘાત કરી લીધો હશે.
લગ્નને એક વર્ષ પણ થયું નથી
મૃતકના ભાઇ સુનીલ સાહુએ જણાવ્યું કે છત્તીસગઢથી તેના ભાઈ અને ભાભી રોજીરોટી માટે અહીં સુરત સુવાલી ખાતે આવ્યા હતા. સેલ કંપનીમાં હેલ્પર તરીકે કામે જોડાયા હતા. હજી તો તેમના લગ્નને એક વર્ષ જેટલો પણ સમય નથી થયો છતાં પણ તેના ભાઈએ કયા કારણે આ પ્રકારનું પગલું ભર્યું છે તે અંગે અમે પરિવારના લોકો પણ સમજી શકતા નથી. ભાઈ સાથે નિયમિત રીતે વાતચીત થતી રહેતી હતી પરંતુ તેઓ આ પ્રકારનું પગલું ભરશે તેઓ અમને કોઈ અંદાજ ન હતો. આ ઘટના વિશે અમને જાણ થતાં અમે પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે અને અમારા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પતિ-પત્ની બંને મજૂરી કામ કરતા હતા
હજીરા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ દવે દ્વારા જણાવાયું છે કે છત્તીસગઢના રહેવાસી પતિ-પત્ની આ રૂમમાં એકલા રહેતા હતા. પતિ-પત્ની બંને મજૂરી કામ પર જતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અહીં જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે બંનેના મૃતદેહ જોવા મળ્યા હતા. તેમના પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દેવાયા બાદ આસપાસના અને તેમના પરિવારના લોકોના નિવેદનો લેવાના શરૂ કરાયા છે. આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા તપાસ શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.