'આત્મહત્યા કરતા બચાવ્યા':સુરતમાં દંપતીએ પોલીસના ચરણ સ્પર્શ કર્યા, વ્યાજખોરોના ચુંગલમાંથી છોડાવતા રડતાં-રડતાં પોલીસનો આભાર માન્યો

સુરત22 દિવસ પહેલા

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા રાજ્યમાં પોલીસને લોક દરબાર કરવા માટેના સૂચનો આપ્યા છે. ત્યારે સુરતમાં યોજાયેલા લોક દરબારમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જહાંગીરપુરા ખાતે યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં વ્યાજના વીષચક્રમાં ફસાયેલા દંપતીએ રડતી આંખે પોલીસનો આભાર માન્યો હતો. પોલીસની આ કામગીરીના કારણે અગાઉ આપઘાત કરવા ગયેલા દંપતી પોલીસ દ્વારા બચાવી લેવામાં આવ્યું હતું અને વ્યાજના વિષચક્રમાંથી આ દંપતી બહાર કાઢવામાં આવ્યું હતું. જે દંપતીએ લોક દરબાર બાદ એડિશનલ સીપીને અશ્રુભીની આંખે ચરણ સ્પર્શ કરી આભાર વ્યક્ત કર્યો હતો.

લોકોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરવાનું અભિયાન
સુરતના જહાંગીરપુરા સ્થિત સંસ્કારધામ હોલ ખાતે એડિશનલ સીપી કે.એન.ડામોર અને ડીસીપી ઝોન-5ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વ્યાજખોરોના માનસિક ત્રાસનો ભોગ બનેલા લોકો આગળ આવે તે માટે લોક દરબાર કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અપીલ કરાઈ હતી. તો બીજી તરફ વ્યાજખોરીનો ગેરકાયદે ધંધો કરી લોકોનું લોહી ચૂસતા તત્વો સામે કાર્યવાહી કરી લોકોને વ્યાજના વિષચક્રમાંથી પોલીસ દ્વારા હાલ મુક્ત કરાવવામાં આવી રહ્યા છે.

મહિલા પોતાની વ્યથા વર્ણવતા રડી પડી.
મહિલા પોતાની વ્યથા વર્ણવતા રડી પડી.

લોક સંવાદમાં દંપત્તિ પોલીસ સમક્ષ રડી પડ્યું
વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળી અગાઉ આપઘાત કરવા ગયેલા દંપતીને બચાવી પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સરાહના કરવામાં આવી હતી. વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરાવતા કાર્યક્રમમાં હાજર દંપતી લોક સંવાદ બાદ એડિશન સીપીના ચરણોમાં નતમસ્તક થઈ ગયા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો. ચાલુ લોક સંવાદમાં પણ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલ મહિલાએ અશ્રુભીની આંખે રડતા રડતા પોલીસનો આભાર પ્રગટ કરતા પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

દંપતીએ પોલીસનો આભાર માન્યો.
દંપતીએ પોલીસનો આભાર માન્યો.

પોલીસે વ્યાજના નિયમની લોક સંવાદમાં સમજ આપી
આ લોક દરબાર કાર્યક્રમમાં નાના-નાના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ સહિત વ્યાજના વિષચક્રમાંથી બહાર આવેલ લોકો હાજર રહ્યા હતા. વ્યાજખોરો દ્વારા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ઊંચું વ્યાજ વસૂલી આપવામાં આવતાં માનસિક ત્રાસ સામે ફરિયાદ કરવા લોકો આગળ આવે તેવી અપીલ આ લોક સંવાદ કાર્યક્રમમાં એડિશનલ સીપી દ્વારા કરવામાં આવી હતી. સાથે જ સરકારની યોજનાઓનો લાભ લેવા માટે બેંકના અધિકારી તેમજ પાલિકા તરફથી સ્ટ્રીટ વેંડર્સ માટે આપવામાં આવતી લોન અંગેની સમજણ પણ અધિકારીઓ દ્વારા લોક દરબાર કાર્યક્રમમાં આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો.
પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો.

વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો પોલીસનો સંપર્ક કરવા સમજ આપી
આ અંગે એડિશન સીપી કે.એન.ડામોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,કોઈ પણ વ્યક્તિને જો આ પ્રકારની ફરિયાદ હોય અથવા વ્યાજખોરો દ્વારા ઊંચું વ્યાજ વસૂલી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તો તુરંત જ સ્થાનિક પોલીસ અથવા અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. પોલીસ હરહંમેશ આ માટે ફરિયાદ લેવા તત્પર રહેશે.કોઈ પણ વ્યક્તિએ આ બાબતે બિલકુલ પણ ડરવાની જરૂર નથી. પોલીસ આ મામાલને ખૂબ જ ગંભીરતા પૂર્વક લઈ કાર્યવાહી કરી રહી છે.

પોલીસના લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
પોલીસના લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

વ્યાજના વિષચક્રમાં ફસાતા આત્મહત્યાથી પોલીસે બચાવ્યા
વ્યાજના વિશચક્રમાં ફસાયેલા રમેશ ઓઝાએ જણાવ્યું હતું કે તેની પત્નીએ એક વ્યાજખોર પાસેથી વ્યાજપેટે પૈસા લીધા હતા.જેની મુદ્દલ સહિતની રકમ ચૂકવી દીધા છતાં ત્રણ ગણી રકમ આ દંપતી પાસેથી વસુલવામાં આવી રહી હતી.વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી પઠાણી ઉઘરાણીને લઈ હંમેશા ભયમાં રહેતા આ દંપતીએ પોતાના સબંધીઓ અને ગામની મહામૂલી મિલકત વેચીને પણ વધારાની રકમની ભરપાઈ કરી રહ્યા હતા.છતાં વ્યાજનું વ્યાજ વસુલવામાં આવતા અંતે આપઘાત કરવા ગયા હતા. ત્યારે પોલીસે બચાવી વ્યાજના વિષચક્રમાંથી બહાર કાઢ્યા હતા.જે બદલ આજે પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.ખરેખર પોલીસની વ્યાજખોરોની સામેની મુહિમ આવા પરિવાર માટે હાલ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.જે ખરેખર સરાહનીય છે.

અન્ય સમાચારો પણ છે...