સુરતના કતારગામ વાળીનાથ ચોક વિસ્તારમાં મંગળવારે ધોળે દિવસે નોકરીયાત દંપત્તિના બંધ ઘરમાંથી ચોરી કરી હતી. તસ્કરે લોક તોડી રૂ.1.90 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પતિ-પત્ની સવારે નોકરીએ ગયા હતા
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ પાટણના સમીના વતંકુકરાણા ગામના વતની અને સુરતમાં કતારગામ વાળીનાથ ચોક વિહાર કો.ઓ હાઉસીંગ વિભાગ 2 રાધે કોમ્પલેક્ષ ફલેટ નં.102 37 વર્ષીય મનીષકુમાર રણછોડભાઇ પટેલ અડાજણ જુના પોલીસ સ્ટેશન નજીક વિજયાલક્ષ્મી વિલ્સ પટેલ ડેન્ટલ ડેપોમાં માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરે છે. જયારે તેમના પત્ની સોનલબેન પણ અડાજણમાં એન્ડો મેડા સેલ્સ ફાયનાન્સમાં નોકરી કરે છે. ગત મંગળવારે સવારે સાત વાગ્યે એકના કે પુત્ર હેતને એલ.પી.સવાણી રિવેરા સર્કલ સ્થિત સ્કૂલે મૂકી પરત ફર્યા બાદ પતિ-પત્ની સવારે 9 વાગ્યે નોકરીએ જવા નીકળી ગયા હતા.
તિજોરી તોડીને ચોરી
સાંજે સાત વાગ્યે દંપત્તિ ઘરે પરત ફર્યું ત્યારે મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું અને લોકર રૂમમાં મુકેલી તિજોરી તોડી તેમાંથી રૂ.1.60 લાખની મત્તાના સોનાના દાગીના અને રૂ.30 હજારની મત્તાના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.90 લાખની મત્તાની ચોરી થયાની જાણ થઈ હતી. મનીષકુમારે ઘરની બાજુમાં આવેલા બ્રાન્ડ બજારના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો સાંજે 6.15 વાગ્યે વ્હાઇટ પેન્ટ-શર્ટ પહેરેલો 50 થી 55 વર્ષનો પ્રૌઢ મુખ્ય દરવાજાનું લોક તોડી ચોરી કરી જતો નજરે ચઢ્યો હતો. આ અંગે મનીષકુમારે ગતરોજ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.