ભારત સરકારે 30મી સપ્ટેમ્બર 2022 સુધી કપાસની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપી છે. જેના કારણે સુરતમાં ડચકા ખાતી સ્પિનિંગ મિલોને કોટન યાર્ન 11થી 15 ટકા સસ્તુ પડશે. ભારતમાં કપાસનું ઓછું ઉત્પાદન થયું છે. જેથી કપાસની ગાંસડીના ભાવમાં વધારો થયો હતો. કપાસના ભાવ વધારાને લીધે અનેક સ્પિનિંગ મિલોએ કામ બંધ કર્યું હતું.
કપાસના ભાવમાં વધારો થવાને કારણે ફેબ્રિક્સની સાથે સાથે ગારમેન્ટ,એપેરેલ,મેડઅપ્સ અને ટેકનિકલ ટેક્સટાઇલના એક્સપોર્ટ પર અસર થઈ હતી. દરમિયાન સરકાર દ્વારા ઓસ્ટ્રેલિયાથી ઈમ્પોર્ટ થતાં કોટનને 30 સપ્ટેમ્બર સુધી ડ્યુટી ફ્રી કરતા ડચકા ખાતી સ્પીનિંગ મિલોને કોટન યાર્ન 11 થી 15 ટકા સસ્તું પડશે.
બાંગ્લાદેશ, વિયેટનામને પહેલાથી જ શૂન્ય ડ્યુટી પર વિવિધ દેશોમાંથી કપાસની ખરીદવાની મંજૂરી મળી છે. વર્તમાનમાં કોટનની આયાત પર 5 ટકા કસ્ટમ ડ્યુટી અને 5 ટકા કૃષિ સેસ છે. ટ્રાન્સપોર્ટેશન અને રો-મટીરીયલનો ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ટેક્સટાઇલ ઉદ્યોગકારો કસ્ટમ ડ્યુટી અને કૃષિ સેસમાં છૂટ આપવા માગ કરતા હતાં. જેથી ઘરેલુ બજારમાં કોટન ફેબ્રિક્સ, ગારમેન્ટ સહિતની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
કાપડ મિલોની મુશ્કેલી દૂર થશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની એન્ટી ડંપિંગ એન્ટી સબસિડી ડ્યુટી કમિટીના ચેરમેન મયુર ગોળવાલાએ કહ્યું કે, ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપવા કોટનની આયાત ડ્યૂટી દૂર કરાઇ છે. જેથી નિકાસને ઝડપી વેગ મળી શકે. કોટનના ભાવ નાણાકીય વર્ષ 2021-22માં બમણાંથી વધુ વધતાં કોટન બેઝ ટેક્સટાઇલ મિલોની મુશ્કેલીઓ વધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.