તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:કોરોનાના ડરે એપ્રિલમાં 120 વીલ થયા, અગાઉ એક માસમાં 40 થતા હતા

સુરત2 મહિનો પહેલાલેખક: સલીમ શેખ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિવારના મોભીના મૃત્યુ બાદ મિલકતના વિવાદ અને ઝઘડાંઓ વધે નહીં તે માટે વસિયતનામું કરાવવા લોકો દોડતા થયા
  • 40થી 45 વર્ષના યુવાનોની પણ વીલ કરાવવા ઇન્કવાયરી વધી
  • સ્વસ્થ સિનિયર સિટીઝન પણ વીલ કરાવતા થયા

કોરોનાને કારણે કાયદાકીય જાગૃતિ આવી છે. કોરોનાના ડરે એપ્રિલમાં 120 વીલ થયા હતા, પહેલા આ વીલ એક માસમાં 40 જ થતા હતા. કોરોનામાં સ્વાસ્થ્યની સાથે મિલકત વહેંચણી પ્રત્યે પણ વધુ સજાગ બન્યા છે. કોરોના થઈ ગયો અને કંઇ અજુગતું થઈ ગયું તો મિલકત માટે પારિવારિક ઝઘડાં શરૂ ન થઇ જાય. એટલે જ હાલ વકીલોની ઓફિસો પર વીલની ઇન્કવાયરી વધી ગઈ છે. કોરોનાના ડરને કારણે ‘વીલ’ પ્રત્યે એટલાં ગંભીર બન્યા છે કે જાતે તૈયાર કરેલી વીલમાં પણ કોરોનાનો ઉલ્લેખ કરી રહ્યા છે.

વીલમાં તેઓ જણાવે છે કે ‘હાલ હું સ્વસ્થ છું, પરંતુ ગમે ત્યારે જો કોરોના થઈ ગયો તો મારી પછી કુંટુંબના લોકો મિલકતના ઝઘડામાં ન પડી જાય. એડવોકેટ ઝકી શેખ કહે છે કોરોનાના કાળમાં વીલની ઇન્કવાયરી વધી ગઈ છે. ખાસ સિનિયર સિટીઝન જ નહીં પરંતુ 40 વર્ષના યુવાનો પણ વીલ કરાવી રહ્યા છે. અગાઉથી કૌટુંબિક ઝઘડાં ચાલે તેઓ હયાતિમાં સેટલ કરવા માગી રહ્યા છે.

વર્ષે માંડ 5થી 6 વીલ બનાવતા વકીલો મહિને બે વસીયત તૈયાર કરે છે, હોસ્પિટલમાંથી પણ દર્દીના કોલ

બિમાર પતિએ પત્નીના નામની વીલ કરાવી
​​​​​​​એડવોકેટ પ્રિતિ જોષી કહે છે કે સામાન્ય દિવસો કરતાં હાલ વીલ વધુ થઈ રહ્યા છે. કેમકે લોકોને જીવનનો કોઈ ભરોસો લાગતો નથી. અમારે ત્યાં એક વ્યકિત કે જે બિમાર હતા, તેઓએ તાત્કાલિક વીલ બનાવવા કહ્યું હતું, અને તેમની મરજી મુજબની વીલ બનાવ્યું હતું, જેમાં પત્નીના નામે મિલકત લખાવી હતી. તેમને સંતાન હતા. પરિવારમાં ભવિષ્યમાં કોઇ વિખવાદ ન થાય એટલે આમ કર્યું હતું.

વીલની ઇન્કવાયરી પણ 50 ટકા વધી
​​​​​​​વકીલોને ત્યાં કોરોનાની સ્થિતિ પહેલા મહિનામાં 40થી 50 વીલ થતા હતા, જોકે, કોરોનામાં એપ્રિલમાં જ 120થી વધુ વીલ થઈ ગયા છે. ઇન્કવાયરી પણ 50 ટકા વધી છે.અંદાજે 135 કરોડનું વીલ હતું, વ્યક્તિએ જાતે પણ વીલ બનાવી શકે છે પણ તે રેકર્ડ પર આવતું નથી. ઉપરાંત મોટાભાગનાં સીવીલ પ્રેક્ટિસ કરતા વકીલ વીલ કરતા હોઇ કોરોના કાળમાં વીલનો ફિગર 120થી થોડો વધુ પણ હોય શકે છે.

40+ની ઉંમરના લોકો વધુ આવે છે
એડવોકેટ મનીષ મહેતા કહે છે કે અગાઉ કરતાં ઇન્કવાયરી અને વીલની કરાવનારાઓની સંખ્યા વધી ગઈ છે. એ માત્ર કોરોનાના લીધે છે. લોકો સાવચેતીના ભાગરૂપે પણ આવું કરી રહ્યા છે. રસપ્રદ એ છે કે અગાઉ 70થી વધુની ઉંમરના લોકો વધુ આવતા હતા, હવે 40થી વધુની ઉંમરના યુવાનો પણ વીલ કરાવવા આવી રહ્યા છે. કેમકે હાલ કોરોનામાં યુવાનો પણ ભોગ બની રહ્યા છે.

વર્ષે બનતા કુલ વીલ હવે ત્રણ માસમાં જ બને છે
લોકો વીલ પ્રત્યે સજાગ થયા છે. અમે જે વર્ષે 20થી 25 વીલ બનાવતા હતા, તેની જગ્યાએ ત્રણ મહિનામાં બનાવી છે. અમારે ત્યાં ત્રણ વડીલ તો એવા હતા જેઓ વેક્સિન લગાવીને સીધા આવ્યા હતા અને કહ્યું કે વીલ બનાવી લેવી છે. - ઝમીર શેખ, વકીલ

હાલ ક્રિમિનલ વકીલને પણ વધુ ઇન્કવાયરી
​​​​​​​ અમારી ક્રિમિનલ પ્રેક્ટિસ છે. છતાં હાલ વીલની ઇન્કવાયરી આવી રહી છે. 40 વર્ષ સુધીના યુવાનોના કોલ વધુ આવી રહ્યા છે. પત્ની અને બાળકોના નામે મિલકત કરાવવા ઇચ્છે છે. અમે આવી ઇન્કવાયરી સિવિલના મિત્રોને ફોરવર્ડ કરી રહ્યા છીએ.- વિરલ મહેતા, એડવોકેટ

​​​​​​​કૌટુંબિક ઝઘડાં ચાલતા હોવાથી વીલ બનાવ્યું
​​​​​​​1. 70 વર્ષીય સિનિયર સિટીઝન કે જેમના નામે એક સમયે ત્રણ ડાઇંગ મીલ હતી, તેઓના કૌટુંબિક ઝઘડાં ચાલી રહ્યા છે. તેમના વિસ્તારમાં કોરોના વધુ ફેલાયો હોય તેઓએ તાજેતરમાં જ વીલ કરાવી.

2. 65 વર્ષીય સિનિયર સિટીઝન એકદમ સ્વસ્થ છે. પરંતુ સમાચારો જોઇ ને કે વાંચીને તેઓ ડઘાઈ ગયા, રોજ વધતાં કેસથી વકીલને ફોન કરીને પોતાના હાથથી એક સાદી ચિઠ્ઠી લખી જેમાં શરિઅત મુજબની મિલકતની વહેંચણી કરી દેવા વકીલને જણાવ્યંુ.

અન્ય સમાચારો પણ છે...