ભાસ્કર વિશેષ:કોરોના ઘટતાં કાપડની માંગ બમણી થઈ, રોજનાં 125 ટ્રક પાર્સલો સામે અઠવાડિયાથી 200 ટ્રક પાર્સલોની ડિલિવરી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેર અને GSTમાં 7 ટકાનો વધારો થતાં વેપાર પર બ્રેક લાગી હતી

કોરોના હળવો થતાં સરકારે પ્રતિબંધો હટાવતાં તેની સીધી અસરરૂપે દેશભરમાં ટેક્ષટાઈલની માંગ બમણી થઈ ગઈ છે. એક સપ્તાહ પહેલાં 125 જેટલી ટ્રકમાં પાર્સલો જતા હતા જે હવે એક અઠવાડિયાથી 200થી વધુ ટ્રકમાં જઈ રહ્યા છે.ગત વર્ષ દરમિયાન ટેક્સટાઈલ માર્કેટમાં મંદીનું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ દિવાળી દરમિયાન અચાનક જ ટેક્સટાઈલની માંગમાં વધારો થતાં માર્કેટમાં તેજી જોવા મળી રહી હતી. પરંતુ દિવાળી બાદ ફરી કોરોનાની ત્રીજી લહેર આવતાં ટેક્સટાઈલ માર્કેટના બિઝનેસ પર બ્રેક લાગી હતી.

બીજી તરફ સરકાર દ્વારા જીએસટીના દર 5 ટકાથી વધારીને 12 ટકા કર્યા હતા જેની અસર પણ બિઝનેસ પર થઈ હતી. છેલ્લાં 6 મહિનામાં તેજી-મંદીના ઉતાર-ચઢાવ બાદ હાલમાં ફરી ટેક્સટાઈલ માર્કેટમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. એક અઠવાડિયા પહેલાં સુરત શહેરમાંથી દેશનાં અલગ અલગ રાજ્યોમાં 125 ટ્રકમાં પાર્સલો જઈ રહ્યા હતાં. પરંતુ તેમાં હાલ વધારો થયો છે. છેલ્લા એક વીકથી શહેરમાંથી રોજ 225 ટ્રકમાં ટેક્સટાઈલના પાર્સલો ડિલિવર થઈ રહ્યાં છે. ત્યાર બાદ ફરી હોળી પછી તહેવારોની સિઝન અને લગ્નસરા શરૂ થશે. જેથી માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળશે તેવો શહેરના વેપારીઓ મત વ્યક્ત કરી રહ્યાં છે.

પ્રતિબંધો હટાવાતાં દેશભરનાં બજારોમાં ખરીદીનો ધમધમાટ
ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલે કહે છે કે, ‘કોરોનામાં સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતાં. જે હવે કોરોના હળવો થતાં હવે પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે ટેક્સટાઈલની માંગમાં વધારો થયો છે. છેલ્લા વીકમાં માંગ ખૂબ જ વધી છે.’

યુપીની ચૂંટણી પૂરી થતાં ઈંધણના ભાવ વધી શકે
ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારડા કહે છે કે, ‘લગ્નસરાને લઈને ખરીદી નીકળી છે. વેપારીઓ રમજાનની પણ ખરીદી પણ શરૂ કરી હોવાથી ડિમાન્ડ વધી છે. વળી, યુપીની ચૂંટણી પૂરી થતાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થવાની દહેશતને કારણે ટેક્સટાઈલ અને ટ્રાન્સપોર્ટેશન વધવાની શક્યતા હોવાથી વેપારીઓ ડબલ માલ મંગાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...