તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:કોરોનાની બિમારી મારા માટે અલ્પવિરામ હતું, પૂર્ણવિરામ નહીઃ કોરોનાને હરાવી ડોક્ટર પુન: પોતાની ફરજ પર હાજર થયા

સુરત10 મહિનો પહેલા
કોરોનાને હરાવનાર ડોક્ટર મયુર કલસરરિયા
 • સરહદ પર લડતા સૈનિકો ઈજાગ્રસ્ત થાય તો તેઓ લડવાનું છોડી દેતાં નથી: ડો.મયુર કલસરિયા
 • ડો. મયુરની સમયસૂચકતા અને કાળજીએ પરિવારના નવ સભ્યોને કોરોનાથી બચાવ્યાં
 • 9મીએ હોમ ક્વોરન્ટીન પૂર્ણ થયું અને 10મી મેના રોજ ફરજ પર પરત લાગી ગયા

આજે કોરોનાની સામે સમગ્ર દેશ ઝઝુમી રહ્યો છે, ત્યારે કોરોના વાઈરસની સામે ડોકટર સહિત અનેક કોરોના વોરિયર્સ દિવસરાત એક કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. પોતાની ફરજ દરમિયાન ક્યારેક ડોકટરોને પણ કોરોનાનો ચેપ લાગતો હોય છે, પરંતુ દર્દીઓની સારવાર માટે અડગ રહેતા ડોક્ટરો જીવના જોખમે પણ ફરજ બજાવવાનું ચૂકતા નથી. જેની રગે-રગમાં ખુમારી વ્યાપી છે એવા સુરતના એક 28 વર્ષીય જાંબાઝ યુવા ડોકટર મયુર લાખાભાઈ કલસરિયા, એમ.ડી. (ઈમરજન્સી મેડિસીન) ને તા.16મી એપ્રિલના રોજ નવી સિવીલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. 10 દિવસની સારવાર બાદ સાજા થઈને ડિસ્ચાર્જ થયેલાં ડો. મયુર કલસરિયાનો હોમ ક્વોરન્ટીન પિરીયડ ૯મી એ પૂર્ણ થતાં જ બીજા જ દિવસે તા.10મી મે ના રોજ તેઓ પુન: કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા માટે હાજર થઈ ગયા છે. કોરોનાને મ્હાત આપીને તેઓ હવે ફરી એક વાર પોતાના દર્દીઓની સેવામાં લાગી ગયા છે. દેશની તબીબી આલમ ઉપરાંત આહિર સમાજ માટે પણ ગૌરવ લેવા સમાન ઘટના છે.

દર્દીઓની સેવા-સારવાર દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો

મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામના વતની અને સુરતના પૂણા સારોલી સ્થિત નેચરવેલી રેસિડેન્સીમાં રહેતાં ડો.મયુર કલસરિયા છેલ્લાં સાડા ત્રણ વર્ષથી સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સિનીયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. હાલ કોરોના વાયરસની વિકટ પરિસ્થિતિમાં તેમને ઈમરજન્સી કેઝ્યુઅલ્ટી સેન્ટરમાં નિયુક્ત કરાયા હતા. જ્યાં તેમને દર્દીઓની સેવા-સારવાર દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલનો તબીબી સ્ટાફ અને તેમના માતાપિતા, પરિવારજનો સૌ ચિંતામાં મૂકાયા હતા.

છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ

તેમના પરિવારના નવ વ્યકિતઓને પણ તા.21મી એપ્રિલ સુધી ફેસિલિટી હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા. સદ્દનસીબે ડો. મયુરની સમયસૂચકતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનને કારણે કુટુંબીજનોને કોરોનાનો ચેપ લાગ્યો ન હતો. 10 દિવસની સારવાર બાદ તા.25મી એપ્રિલના રોજ ડો.મયુરનો રિપોર્ટ નેગેટિવ આવતાં આખરે તેઓ કોરોના સામેનો જંગ જીતી ગયા હતા.

સૈનિકોની જેમ કોરોના સામે લડી રહ્યા છે

ડો. મયુર કલસરિયાએ જણાવ્યું હતું કે, સરહદ પર લડતા સૈનિકો ઈજાગ્રસ્ત થાય તો તેઓ લડવાનું છોડી દેતાં નથી, એમ ડોક્ટરોને કોરોના સામે લડતાં યોદ્ધાઓ રૂપે બિરદાવવામાં આવે છે, ત્યારે કોરોના વોરીયર્સ સરહદે દુશ્મનો સામે બાથ ભીડતાં સૈનિકોની જેમ કોરોના સામે લડી રહ્યા છે. ડોક્ટરો પણ ચેપગ્રસ્ત થઈ શકે છે એ વાસ્તવિકતાને સ્વીકારી અમે દર્દીની સારવાર સિવાય બીજી કોઈ પ્રાથમિકતા નહિ એવા ભાવ સાથે કામ કરીએ છીએ. આવા સમયે કોરોનાનો ચેપ લાગવો એ મારા માટે અલ્પવિરામ હતું, પૂર્ણવિરામ નહિ એમ ડો. કલસરિયા ગર્વથી કહે છે.

દર્દીઓને સારા કરવા પર મારૂ સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરીશ

ડો. મયુર કલસરિયાએ જણાવ્યું હતું કે, તેમણે કોરોના સામેની લડાઈ જીત્યાં પછી મારા આત્મવિશ્વાસમાં ખુબ વધારો થયો છે. મારા ઇષ્ટદેવે કોરોના દર્દીઓની સેવા કરવા માટે જ મને સ્વસ્થ કર્યો છે, ત્યારે મારૂ પ્રથમ કર્તવ્ય છે કે જે કામ માટે મને ફરજનિયુક્ત કરવામાં આવ્યો છે, તેને ન્યાય આપવા હું મારી 100 ટકા ક્ષમતાનો ઉપયોગ કરૂ. દર્દીઓ અમારા માટે ભગવાન સ્વરૂપ હોય છે એ ભાવનાને હું ક્યારેય ભૂલ્યો નથી. હું કોરોનામુક્ત બની સંપૂર્ણ સ્વસ્થ થયો છું, જેથી હવે હું દર્દીઓને સારા કરવા પર મારૂ સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરીશ.

પરિવાર કોન્ટેક્ટમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખ્યું

તેમણે કહ્યું કે, મને કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે મેં મક્કમ મનોબળ સાથે મારા સ્ટાફના મિત્રો અને પરિવારને હું જલ્દી સાજો થઈને પાછો દર્દીઓની સેવામાં લાગી જઈશ. એવો વિશ્વાસ આપ્યો હતો. કોરોના બાળકો અને વૃદ્ધો પર જોખમી સાબિત થાય છે, ત્યારે મારા પરિવારમાં કોરોનાનું હાઈ રિસ્ક ધરાવતાં મારી બે વર્ષની દીકરી આદ્યા અને મારા પિતા કે જેમને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે, તેઓ મારા ક્લોઝ કોન્ટેક્ટમાં ન આવે તેનું મેં ખાસ ધ્યાન રાખ્યું હતું. કોરોના થયો એ અગાઉ દર અઠવાડિયે ઘરે આવતો હતો, અને એક લગ રૂમમાં કપડાં ચેન્જ કરી, હોસ્પિટલના મેલા કપડાં જાતે વોશિંગ મશીનમાં મૂકી દેતો હતો. સેલ્ફ પ્રિકોશનના કારણે હું મારા પરિવારને કોરોનાથી બચાવી શકવામાં સફળ રહ્યો છું.

પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ

ડિસ્ચાર્જ થઈ ઘરે આવતા તેમના સ્વાગત કરવા આતુર પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ હતા. સોસાયટીના સભ્યો પણ આનંદિત થઈ ઉઠ્યા હતા. દર્દીઓને સાજા કરતો ડોક્ટર દિકરો ખુદ સાજો સારો થઈને ઘરે આવતાં જનેતાનો આનંદ સમાતો ન હતો. માતા કહે છે કે, અમે દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતા હતા કે અમારો લાલ જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે. પ્રભુએ અમારી પ્રાર્થના સાંભળી અને અમારો મયુર સાજો થઈને ઘરે પરત ફર્યો હતો. ડિસ્ચાર્જ થઈ ઘરે સ્નાન કરીને બાથરૂમની બહાર આવ્યાં ત્યારે તેમની બે વર્ષની દિકરી આદ્યા પિતાને ભેટી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો