તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Corona Update LIVE Surat:રાંદેરમાં કોરોના લોકલ ટ્રાન્સમિટ થયો, જેણે વૃદ્ધને ચેપગ્રસ્ત કર્યા તે ખુલ્લો ફરી રહ્યો છે, હવે આખા વિસ્તારને ડિસઇન્ફેક્ટ કરાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરો ઓનલાઈન જોડાયા
  • લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ
  • ટ્રાવેલ હિસ્ટરી ન હોવાથી કોનો ચેપ લાગ્યો તે જાણવું મુશ્કેલ
  • વૃદ્ધ ગ્રાહકોના નામ પણ જાણતા ન હોવાથી રાંદેરમાં સરવે કરાશે
  • શહેર જિલ્લામાં કુલ 83 શંકાસ્પદ કેસો સામે આવ્યા
  • 71 નેગેટિવ અને ચાર વ્યક્તિના રિપોર્ટ પેન્ડિંગ છે
  • વડોદ ગામમાં પથ્થરમારા બાદ પોલીસ-RAFનું ફ્લેગ માર્ચ

સુરતઃ શહેરમાં સોમવારે કોરોનાનો વધુ એક પોઝિટિવ દર્દી સામે આવ્યો છે.રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધને  શંકાસ્પદ લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ વૃદ્ધની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. રાંદેર વિસ્તારમાં કોઈ કોરોના કેરિયર ગ્રાહક બનીને તેમના સંપર્કમાં આવ્યો હશે અને ચેપ લગાડીને જતો રહ્યો છે. હવે ચિંતાની વાત એ છે કે આ કોરોના કેરિયર શહેરમાં ખુલ્લો ફરી રહ્યો છે. લોન્ડ્રીમાં કોણ આવ્યું અને કોણ ગયું તેનો પણ કોઈ હિસાબ કિતાબ નથી, જેનો ડર હતો તે જ થયું અને હવે કોરોના કોમ્યુનિટીમાં ફેલાઈ ગયો છે. 

6 લોકોના રિપોર્ટ પેન્ડિંગ
રાંદેરના 67 વર્ષીય વૃદ્ધ લોન્ડ્રી ચલાવે છે. થોડા દિવસથી તેમને શરદી, ખાંસી, તાવ હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લઇ રિપોર્ટ કરાયો હતો. જે સોમવારે પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે સોમવારે ઉધનાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તેના 32 વર્ષીય મિત્ર તેમજ વરાછા વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલના લેબ ટેક્નિશિયન તરીકે કામ કરતા 23 વર્ષીય યુવક સહિત કોરોનાના વધુ 11 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જ્યારે રવિવારે સામે આવેલા શંકાસ્પદો પૈકીના પેન્ડિંગ 3 સહિત 9નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 94 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી 9નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીઓ પૈકી 1નું મોત થયું છે જ્યારે 1 દર્દી રીકવર થતા રજા આપી દેવાઈ છે. જ્યારે 80નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલ 6નો રિપોર્ટ પેન્ડિંગ છે.

વૃદ્ધનો પરિવાર કહે છે કોરોના નથી, ન્યુમોનિયા હતો
રાંદેરમાં એક 67 વર્ષીય વૃધ્ધનો કેસ પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર પંથકમાં એક ચર્ચા એ છેડાઈ છે કે તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં આ રોગ તેમને લાગ્યો છે. અલબત્ત, પરિવારના સભ્યો હજી કહી રહ્યા છે કે તેમને કોરોના નથી, ન્યૂમોનિયા હતો. નજીકના એક સંબંધીએ માહિતી આપતા કહ્યુ કે વૃધ્ધ દંપતિ સાથે જ રહે છે  બંને એકલા જ જીવન ગુજારતા છે અને તેમની રાંદેરમાં જ લોન્ડ્રીની દુકાન છે. તેઓ છેલ્લાં દસ-બાર દિવસથી ન્યૂમોનિયાની ફરિયાદને લઇને બિમાર હતા અને ખાનગી હોસ્પિટલમાં દાખલ પણ હતા. પાલિકા સૂત્રો કહે છે કે આ કેસમાં સૌથી વધુ લોકોને કોરેન્ટાઇન કરવામાં આવે એવી સંભાવના દેખાઈ રહી છે. વૃધ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં આ ચેપ લાગ્યો છે. આ દરમિયાન તેઓ કોને મળ્યા, કોઈ ધાર્મિક સ્થળમાં ગયા કે કેમ અને કયા ડોકટરોએ તેમની સારવાર કરી તે તમામની લિસ્ટ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત જો લોન્ડ્રીની દુકાન જ્યારે ચાલુ હતી ત્યારે કોણ-કોણ કપડાં લેવા ગયુ કે આવ્યુ તેની પણ ચકાસણી થનાર છે.

કોરોના અંગે આંકડાકિય માહિતી

  • 5231 લોકો કોરંન્ટાઈન હેઠળ છે
  • થ્રી ટી પોલિસી ટ્રેકિંગ, ટેસ્ટીંગ, ટ્રીટમેન્ટ 3801 લોકોએ એપ ડાઉનલોડ કરી છે
  • 14 લાખ 33 હજારનું કોરોના એકાઉન્ટમાં દાન મળ્યું છે

રાંદેરના દર્દીના સંપર્કમાં આવેલા તબીબ સહિત 5ને ક્વોરન્ટાઇન કરાયા
રાંદેરના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. આરોગ્ય વિભાગે  વૃદ્ધ અને તેમના સંપર્કમાં આવેલા પત્ની, સાળો, ભત્રીજો તેમજ પ્રાઈવેટ ડોક્ટર અને તેમના સ્ટાફ સહિત 5 ને કોરોન્ટાઇન કરી દીધા છે. જ્યારે આ વૃદ્ધ લોન્ડ્રી ચલાવતા હોવાના કારણે અનેક ગ્રાહકો પણ તેમના સંપર્કમાં આવ્યા હોવાથી આરોગ્ય વિભાગના તબીબોએ તેમના નામો પૂછ્યા હતા. પરંતુ તેઓ નામ જાણતા ન હોવાથી પાલિકા દ્વારા વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે. જેથી સંપર્કમાં આવેલાઓ સુધી પહોંચી શકાય.

કોરોના ઇફેક્ટ: ગરીબો સુધી મદદ પહોંચાડવા માટે કમિટીઓ બની
કોરોના ઇફેક્ટને લઈને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા માટે કોટ વિસ્તાર, ઉન, લિંબાયત અને રાંદેર વિસ્તારમાં કેટલીક કમિટિઓ બનાવવામાં આવી છે અને આ તમામ કમિટિઓ એકબીજાના સંકલનમાં રહીને જે વિસ્તારમાં જરૂરિયાત હોય ત્યાં જરૂરી સામગ્રી પહોંચાડશે. નોંધનીય છે કે કેટલાંક વિસ્તારમાં એવી ફરિયાદ ઉઠી હતી કે અમુક વિસ્તારમાં જ જરૂરિયાત મંદોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. આવી ફરિયાદોના ઉકેલ લાવવા માટે આ કમિટિઓ બનાવવામાં આવી છે.

અશક્ત દર્દીઓ માટે સિવિલથી ઘરે જવા 4 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઇ
જે દર્દીઓ ચાલી ન શકતા હોય તેમના માટે સિવિલથી ઘરે જવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા શરૂ કરાઇ છે. આ માટે અલગથી ચાર એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. લૉકડાઉન દરમિયાન સામાન્ય રીતે દર્દીને વધુ તકલીફ હોય તેવા સંજોગોમાં 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લવાતા હતા. પરંતુ સારવાર બાદ ઘરે જવા હાલાકીનો સામનો કરવો પડતો હતો. તેવી જ રીતે સિવિલમાં દાખલ હોય અને દર્દીને રજા અપાઇ હોય પણ દર્દી ચાલી શકે તેમ ન હોય તેવા દર્દીઓ પરેશાન થતા હતા. જેના પગલે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા આવા દર્દીઓને ઘરે પહોંચાડવા માટે પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

હોમ ક્વોરન્ટાઇનમાં રહેનારા એપ પર રિવ્યુ ન આપે તો દૈનિક 25 હજારનો દંડ
હોમ કોરેન્ટાઇનમાં રખાયેલા વ્યક્તિ પોતાનો રિવ્યુ એપ પર આપવાનો છે. જો રિવ્યુ નહીં આપે અથવા તો નક્કી કરેલા વિસ્તારમાં ન રહે તો તેમની પાસે દૈનિક 25 હજારનો દંડ વસુલ કરવા પાલિકા કમિશનરે સૂચના આપી છે. શંકાસ્પદ વ્યકતિ પાસે સ્માર્ટ ફોન ના હોય અને એપ્લિકેશન અપલોડ કરી શકે તેમ ન હોય તો પાલિકાના ખર્ચે ફોન આપી તેમની પાસેથી દંડ વસુલાશે. આવશે. પાલિકા કોરાના સામે લડવા તમામ તકેદારીના પગલા લઇ રહી છે. આ પ્રકારની કડક કામગીરી શરૂ કરાઇ રહી છે. પાલિકા કમિશનરે હોમ કોરોેન્ટાઇનનો સમય પૂર્ણ થવા છતાં તેને વધારાના  સાત દિવસ કોરોન્ટાઇનમાં રાખવા આદેશ કર્યા છે.

કોરોના: 116  કોર્પોરેટરની ગ્રાંટમાંથી આરોગ્યનાં સાધન ખરીદવામાં આવશ
સુરત પાલિકાના ઇતિહાસમાં સોમવારે પહેલીવાર ઓનલાઇન મળેલી સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના તમામ 116 નગરસેવકોની વણવપરાયેલી ગ્રાંટમાંથી કોરાના સામે લડવા સાધન-સામગ્રીની ખરીદી કરવાના કામને મંજૂરી અપાઇ હતી. તાકીદના કામ તરીકે સ્ટેન્ડિંગ ચેરમેન અનિલ ગોપલાણીએ આ કામ રજૂ કર્યું હતું. જે સર્વાનુમતે મંજૂર કરાયું હતું. 17 મિનિટ ચાલેલી સામાન્ય સભામાં મુખ્ય કચેરી પર મેયર જગદીશ પટેલ, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન વિરોધ પક્ષના નેતા શાસક પક્ષના નેતા અને ડેપ્યુટી કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.

વિદેશથી સુરત આવેલા 647 યાત્રીઓ ગાયબ, પાલિકાને જાણ કરવા અપીલ
વિદેશથી સુરતમાં આવેલા 647 યાત્રીઓ એવા છે કે જેઓ આજદિન સુધી સુરત મહાનગર પાલિકાના સંપર્કમાં આવ્યા નથી. ક્યાં તો તેઓ બહારગામ છે અથવા સુરતમાં હોવા છતાં પોતાના ઘરે નથી અને પાલિકાને વિદેશથી આવ્યા હોવાની જાણ કરી રહ્યા નથી. જેથી આ તમામ લોકો પાલિકાને જાણ કરી મેડીકલ તપાસ કરાવે તે ખૂબ જ જરૂરી છે અને 21 દિવસ ફરજિયાત હોમ ક્વોરનટાઇનમાં રહે તે માટે તંત્રે અપીલ કરી છે. આ તમામના નામ, સરનામા, મોબાઇલ નંબર આગામી 3 દિવસ સુધી મીડિયા, એફએમ સહિતના માધ્યમથી જાહેર કરવામાં આવશે. જેથી શહેરીજનોને આ વ્યકતિઓની માહિતી હોઇ તો ટોલ ફ્રી નંબર 1800 123 8000 પર તાત્કાલિક સંપર્ક કરે. આ ઉપરાંત શંકાસ્પદ વ્યકતિઓ કે જેમણે પોતાનું સેલ્ફ ડીકલેરેશન આપવામાં મોડું કર્યું છે, તેમની પાસે દંડ વસુલવા કમિશનરે સૂચના આપતા કાર્યવાહી કરાઈ છે.

RKT માર્કેટના કર્મીને ટ્રેનમાં ચેપ લાગ્યો હતો
આ અગાઉ પણ શહેરમાં રાંદેરના વૃદ્ધ પહેલાં એક કિસ્સો રિંગરોડ ખાતે આવેલી રાધા ક્રિષ્ના ટેક્સટાઇલ માર્કેટમાં પણ બન્યો હતો. આરકેટી માર્કેટની એક દૂકાનમાં કામ કરતાં વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેની હિસ્ટ્રી વિદેશ પ્રવાસ તો ન હતી પરંતુ તેમની હિસ્ટ્રી મહાનગર પાલિકાએ તપાસી તો ટ્રેનમાં મુસાફરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે રાંદેરના શખ્સમાં તો કોઈ પણ પ્રવાસની હિસ્ટ્રી સુદ્ધા નહી હોય લોકલ સંક્રમણ થતાં કોરોનાગ્રસ્ત બન્યા છે. તેથી રાંદેરના સમગ્ર વિસ્તારમાં ડિસ-ઈન્ફેકશનની કામગીરી પાલિકાના વેક્ટર બોર્ન ડિસીઝ (વીબીડીસી) વિભાગ ફાયરે મળીને હાથ ધરવાની શરૂઆત કરી દીધી છે.જેના પગલે સમગ્ર વિસ્તારમાં સંક્રમણ નહીં ફેલાય.
પોલીસ અને RAFની ફ્લેગ માર્ચ
લોકડાઉનને લઈને શ્રમજીવીઓ હિજરત પણ કરી રહ્યા છે. જેમાં પાંડેસરાના વડોદગામથી પોતાના વતન યુપી જવા પગપાળા નીકળેલા 800થી 1000 લોકોને પોલીસે અટકાવ્યા હતાં. જેથી પથ્થરમારો થતા વાતાવરણ તંગ થઈ ગયું હતું. આજ સવારથી પોલીસ અને આરએએફ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. હાલ સંપૂર્ણ પરિસ્થિતી કાબૂમાં છે.

પોઝિટિવ દર્દીના નામ-સરનામા જાહેર કરાશે
પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, તમામ પોઝિટિવ દર્દીના નામ, સરનામા મીડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. જેથી કે આ વ્યકતિના કોઇ સંપર્કમાં આવ્યા હોય તો તે લોકો ટોલ ફ્રી નંબર 1800 123 8000 ઉપર પોતાની માહિતી આપે. જેથી તેમના હેલ્થની તપાસ થઇ શકે.

બે દિવસના પેન્ડિંગ રિપોર્ટમાંથી 14ના નેગેટિવ આવ્યા
શહેરમાં વધુ 12 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં નાનપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મહાવીર હોસ્પિટલના કર્મચારી, યુએઈનો પ્રવાસ કરી 21મીએ સુરત આવેલા ઉધનાના 26 વર્ષીય યુવક, પુણેનો પ્રવાસ કરી સુરત આવેલા સિટીલાઈટના 24 વર્ષીય યુવક, મહારાષ્ટ્રનો પ્રવાસ કરી આવેલા પાંડેસરાના 26 વર્ષીય યુવક, ઉલ્લાસ નગરનો પ્રવાસ કરી આવેલા ડિંડોલીના 37 વર્ષીય યુવક, વલસાડનો પ્રવાસ કરી આવેલા નાનપુરાના 67 વર્ષીય વૃદ્ધ, જોધપુર થી પરત આવેલી પર્વત પાટીયાની 26 વર્ષીય મહિલા અને કોઈ પણ પ્રવાસ કર્યો ન હોય તેવા અડાજણના 30 વર્ષીય યુવક, કતારગામના 40 વર્ષિય યુવક, અમરોલીના 75 વર્ષીય વૃદ્ધ, વરાછાના 17 વર્ષીય કિશોર અને વરાછાના 5 વર્ષીય બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને દાખલ કરાયા છે અને તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી મહાવીરના 38 વર્ષીય કર્મચારી, સિટીલાઈટના 24 વર્ષીય યુવક અને પાંડેસરાના 26 વર્ષીય યુવક, અડાજણના 30 વર્ષીય યુવક, ડીંડોલીના 37 વર્ષીય યુવક, વરાછાના 17 વર્ષીય કિશોર, નાનપુરાની 67 વર્ષીય વૃદ્ધા તેમજ પર્વત પાટીયાની 26 વર્ષીય મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ઉપરાંત શનિવારે સામે આવેલા શંકાસ્પદો પૈકીના પેન્ડિંગ 6 વ્યક્તિના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 83 શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જેમાંથી 9 પોઝિટિવ સામે આવ્યા છે. જે પૈકી 1 દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે 71 નેગેટિવ અને 5ના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું

ટ્રેન અને પ્લેનમાં સાથે મુસાફરી કરનારાઓની શોધખોળ
ઉધનાનો યુવક યુએઈથી ગત 21મીએ પ્લેનમાં વડોદરા પહોંચ્યો હતો. ત્યારબાદ ટ્રેનમાં સુરત આવ્યો હતો. જ્યાં તે પરિવારના 4 સભ્યોના સંપર્કમાં આવ્યો હતો. પરિવારના સભ્યોને ક્વોરોન્ટાઇન કરી લેવાયા છે. જ્યારે પ્લેન અને ટ્રેનમાં સાથે મુસાફરી કરનારાઓને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

49 લાખનો હેલ્થ સર્વે પૂર્ણ થઇ ગયો
પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આજથી તમામ પોઝિટીવ દર્દીના નામ, સરનામા મીડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. જેથી કે આ વ્યક્તિના કોઇ સંપર્કમાં આવ્યા હોય તો તે લોકો ટોલ ફ્રી નંબર 1800 123 8000 ઉપર પોતાની માહિતી આપે. જેથી તેમના હેલ્થની તપાસ થઇ શકે. આ ઉપરાંત અત્યાર સુધીમાં શહેરમાં 50.77 લાખના ડોર ટુ ડોર સર્વે સામે 49 લાખનો સર્વે પૂર્ણ થઇ ગયો છે. ડોર ટુ ડોર સર્વેમાં સુરત ગુજરાતમાં પ્રથમ નંબરે છે. આજે 1050 સહિત અત્યાર સુધીમાં 8 હજારથી વધુ સ્થળોએ ડીસ ઇન્ફેકશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

3600 લોકોનું મોબાઇલ એપથી મોનિટરીંગ
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ઉધના, સચીન, ડીંડોલી, ભેસ્તાન, પાંડેસરા, વેડરોડ, અમરોલી, લિંબાયત ઘણા સંખ્યામાં લેબરો રહે છે, એ લોકો ભોજનથી વંચિત નહીં રહી જાય તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સહાય માટે આગળ આવે. હાલમાં 60 સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદો માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 4700 લોકો ક્વોરનટાઇન હેઠળ છે, જે પૈકી 3600 લોકોનું મોબાઇલ એપથી મોનિટરીંગ થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...