સુરત:કતારગામ-વરાછામાં ઝડપથી કોરોના સંક્રમણ ફેલાયું, શહેરમાં વધુ 159 હોટસ્પોટ જાહેર

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરાછા વિસ્તારની 52 અને કતારગામ વિસ્તારની 50 જેટલી જગ્યા હોટસ્પોટ જાહેર
  • કતારગામ, વરાછા, રાંદેર વિસ્તારોમાં સંક્રમણ ઘણું જ વધતા તકેદારી લેવા અપીલ

શહેરમાં કોરોના સંક્રમણ ગંભીર પરિસ્થિતિ વટાવી રહ્યું છે. ત્યારે મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વધુ 159 હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ પ્રજાજોગ સંદેશો આપવાની નોબત આવી છે. કતારગામ, વરાછા, રાંદેર વિસ્તારોમાં સંક્રમણ ઘણું જ વધ્યું હોય તમામ તકેદારી લેવા અને ઘરે ટોળે વળી બર્થ ડે સહિતના સેલિબ્રેશનનો હવે ચલાવી નહીં લેવાશે અને કોરોનાને માત્ર શરદી-ખાંસી-તાવ ગણી સંક્રમણ ને આગળ નહીં ધપાવવા અપીલ કરી છે.

હોટસ્પોટમાં કતારગામ અને વરાછાની વધુ જગ્યા
વરાછા વિસ્તારના 52 અને કતારગામ વિસ્તારના 50 જેટલી જગ્યાને હોટસ્પોટ જાહેર કરવામાં આવી છે. સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 6756 થઈ ગઈ છે. આ સાથે કોરોનાનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 259 થઈ ગયો છે. જેમાં સૌથી વધુ કતાગામ ઝોન વિસ્તારમાંથી 1522 કેસ મળી આવ્યા છે. જ્યારે વરાછા એ અને બીની ગણતરી કરવામાં આવે તો 1239 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. તેના કારણે કતારગામ અને વરાછા વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે. કારણ કે આ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોમાં કોરોનાનુ સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે. તેની સાથે રત્નકલાકારો અને ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરનારાઓમાં પણ કોરોનાના કેસ વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. 

કતારગામ અને વરાછા વિસ્તારમાં વધુ કાળજી લેવા અપીલ
મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને કતારગામનો સંપૂર્ણ વિસ્તાર, વરાછા-એ નો અશ્વિનીકુમાર અને અન્ય તમામ વિસ્તારો, વરાછા-બી ના મોટા વરાછા-સરથાણા અને પુણા ગામના વિસ્તારો સંપૂર્ણપણે કોરોનાથી ખૂબ વધારે સંક્રમિત થયા છે. આ વિસ્તારોમાં રહેતા લોકો ખૂબ કાળજી લેવી જોઈએ. એની સાથે સાથે રાંદેર વિસ્તારના પાલ, અડાજણ અને પાલનપુર પાટિયા અને છાપરાભાઠા ના કેટલાક વિસ્તારોમાં કેસો ખૂબ વધારે જોવા મળી રહ્યાં છે. તેથી દરેક શહેરીજનો માસ્ક વગર બહાર નહી નીકળે અને ખાસ કરીને આ વિસ્તારોમાં જે લોકો રહે છે એ લોકોને સંપૂર્ણપણે માસ્ક સાથે સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગ અને હાથ ધોવાનું વારંવાર રાખશો. ઘરેથી બહાર નીકળો છો તો માસ્ક અચૂક પહેરો અને જ્યારે પાછા ઘરે આવશો ત્યારે હાથ સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે 20 મિનીટથી ઉપર ધોવાનું રહેશે, બધા નાગરિકો પોતાના જે ફરજ છે એ અદા કરવી ખૂબ જ અનિવાર્ય છે. ટોળે ભેગા થવું નહીં, કોઈ પણ રીતે અંદરખાને પણ બર્થ ડે સેલિબ્રેશન અથવા એવા પ્રકારના થતાં આયોજન એ ખુબ ગંભીર બાબતો છે. અને લોકો ઘરની અંદર જે સેલિબ્રેશન કરે છે એ કોઈ પણ રીતે ચલાવી શકાય તેમ નથી. કોરોનાને માત્ર શરદી, ખાંસી, તાવ તરીકે લઈને એ સંક્રમણ આગળ નહીં ધપાવીએ.