કોરોના ઈફેક્ટ:કોરોનાને લીધે ખેલાડીઓની પ્રેક્ટિસ છૂટી, કેટલાક નદીમાં સ્વિમિંગ કરી રહ્યા છે તો ઘણાએ રમત છોડી

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વિમિંગ પૂલ બંધ હોવાથી દર વર્ષે 35 થી 40 નેશનલ મેડલ મેળવતા સુરતને છેલ્લી 2 સિઝનમાં એકપણ મેડલ નહીં

કોરોનાને લીધે છેલ્લા 1 વર્ષથી સ્વિમિંગ પૂલ બંધ છે. જેના કારણે સૌથી વધારે નુકશાન ખેલાડીઓ અને એ પ્રોફેશન સાથે જોડાયેલા લોકોને થયું છે. નેશનલ કક્ષાએ સુરતના ખેલાડીઓ સૌથી વધારે મેડલ સ્વિમિંગ, સાઇકલિંગ અને ટેક્વોન્ડોમાં મેળવે છે. ખેલ મહાકુંભમાં દર વર્ષે 120થી વધારે મેડલ માત્ર સ્વિમિંગમાં સુરતને મળે છે. રાષ્ટ્રીય કક્ષાએ2016થી 2019 દરમિયાન સુરતે 110થી વધુ મેડલ મેળવ્યા છે. સુરત રાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે 35થી 40 મેડલ મેળવે છે. એસોસિએશનનું કહેવું છે કે, સ્વિમિંગ પૂલ બંધ હોવાથી પ્રેક્ટિસના અભાવે ઘણા બધા ખેલાડીઓએ સ્વિમિંગ છોડી સ્ટડી કે બીજી રમતો પર ફોકસ કરી રહ્યા છે. શહેરમાં 140થી વધુ ખેલાડીઓ છે જેઓ સ્પર્ધાત્મક સ્વિમિંગ કરે છે.

સમય લાગશે પણ ખેલાડીઓ તૈયાર થઈ જશે
સુરતના આંતરરાષ્ટ્રીય ખેલાડી અંસુલ કોઠારીએ જણાવ્યું હતું કે, બધી જ જગ્યાએ આવી જ સ્થિતિ છે. જ્યારે પણ સ્વિમિંગ પૂલ શરૂ થશે ખેલાડીઓને વધારે મહેનત કરવી પડશે. થોડી તરલીફ આવશે પણ મહેનત કરીને એ કવર થઈ જશે. ઇન્જરી બાદ પણ કેટલાક ખેલાડીઓ 1-2 વર્ષે કમબેક કરે છે.

સ્થિતિ સુધરે તો રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ
સુરત જિલ્લા એક્વેટિક એસો.ના મંત્રી નવનીત સેલરે જણાવ્યું હતું કે, સ્વિમિંગ પૂલ બંધ થવાથી સૌથી વધારે નુકશાન ખેલાડીઓ અને રમતને થઈ છે. સ્વિમિંગમાં ફિટનેસ અને વેઇટ મેઇન્ટેઇન કરવું સૌથી અગત્યનું હોય છે. રાષ્ટ્રીય કક્ષાએ 4-5 સેકન્ડનો ગેપ પૂરો કરવા એક ખેલાડીને સતત 6 મહિના સુધી પ્રેક્ટિસ કરવી પડે છે. ગેપ તો દૂરની વાત પૂલ બંધ થઈ જવાથી ખેલાડીઓ પોતાની ક્ષમતા પ્રમાણે પણ પ્રદર્શન કરી શકે તેવું નથી. પહેલા 140થી વધુ ખેલાડીઓ સ્પર્ધાત્મક સ્વિમિંગ કરતા હતા પણ હવે તો ઘણા બધા ખેલાડીઓ આ ગેમ છોડી રહ્યા છે. કેમ કે, આ વર્ષે પણ સ્વિમિંગ પૂલ જલ્દીથી કાર્યરત થશે એવી આશા ખૂબ જ ઓછી છે. સ્થિતિ સુધરે ત્યારે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ છે એમના માટે સરકારે અલગથી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. કોવિડની પરિસ્થિતિમાં પણ ઘણા બધા રાજ્યોમાં આ રીતે ખેલાડીઓને પ્રેક્ટિસની તકો અપાઈ જ રહી છે.

2 વર્ષથી ખેલાડીઓ નેશનલ નથી રમ્યા
સુ.જિ.એક્વેટિક એસો.ના પ્રમુખ ગણેશ સેલરે જણાવ્યું હતું કે, સુરત દર વર્ષે 35-40 મેડલ મેળવે છે. સ્વિમિંગ પૂલ બંધ હોવાથી કેટલાક ખેલાડીઓએ તાપીમા પ્રેક્ટિસ શરૂ કરી હતી પણ હાલ એ પણ બંધ છે. નદીમાં બહાવ હોય છે દિશા પણ નક્કી નથી હોથી. તાપીમાં સ્વિમિંગ અને સ્પર્ધાત્મક પ્રેક્ટિસ બન્ને અલગ છે. ભવિષ્યમાં સ્થિતિ સુધરે એવી આશા રાખીએ છીએ. ઘણા તો એવા ખેલાડીઓ પણ છે જેમનું કદાચ આ કોવિડ પછી કરિયર પણ પૂરુ થઈ જશે. છેલ્લા બે વર્ષમાં આપણે એકપણ નેશનલ સ્વિમિંગમાં રમવા નથી ગયા.

ખાનગી ઇન્સ્ટ્રક્ટર ધવલ સેલરે જણાવ્યું હતું કે, સ્વિમિંગ પૂલો પર બંધ થતા ક્લબ,સોસાયટી અને ખાનગી પૂલો સાથે જોડાયેલા 150થી 200 ઇન્સ્ટ્રક્ટર, લાઇફ ગાર્ડ તેમજ અન્ય લોકો સરવે, છુટક મજદૂરી, પરચુરણનો ધંધો તેમજ માછીમારી કરી ગુજરાન ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...