દક્ષિણ ગુજરાત:કોરોના મુક્ત થયેલા તાપી, નવસારીમાં લોકડાઉન 4.0માં કેસનો વધારો, વલસાડમાં આંક 28 પર પહોંચ્યો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ ગુજરાતમાં હાલ માત્ર ડાંગ જિલ્લો જ કોરોના મુક્ત છે
  • દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે

દિવસે ને દિવસે દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસનો વધારો થઈ રહ્યો છે. જેમાં તાપી અને નવસારી જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો હતો. જોકે, લોકડાઉન 4.0 બાદ તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ તાપી જિલ્લામાં 6, નવસારી જિલ્લામાં 18 અને વલસાડ જિલ્લામાં 28 કેસ નોંધાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરત જિલ્લામાં 1442 નોંધાયા છે.

તાપી જિલ્લો કોરોના મુક્ત થયા બાદ ત્રણ કેસનો વધારો

તાપી જિલ્લામાં ત્રણ લોકડાઉન સુધીમાં ત્રણ કેસ નોંધાયા હતા. જે તમામ રિકવર થઈ જતા કોરોના મુક્ત થયા હતા. દરમિયાન લોકડાઉન 4.0 બાદ કેસમાં ત્રણ કેસનો વધારો થયો છે. હાલ તાપી જિલ્લામાં વધુ નોંધાયેલા ત્રણ કેસના પગલે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સોનગઢમાં વધુ બે કેસ નોંધાતા મિસ્ત્રીફળીયું અને તેને નજીક આવેલા દક્ષિણ ફળીયાના કુલ 335 મકાનો અને 1500ની વસ્તીને હોમ ક્વોરન્ટીન રહેવા હુકમ કરવામાં આવ્યો છે.

નવસારી જિલ્લો કોરોના મુક્ત થયા બાદ 10 કેસનો વધારો

ત્રણ લોકડાઉન સુધીમાં નવસારી જિલ્લામાં 8 કેસ નોંધાયા હતા. 16મીમે એ કડોલીના યુવાનને કોવિડ-19 હોસ્પિટલમાંથી રજા અપાતા જિલ્લો ‘કોરોનામુક્ત’ બન્યો હતો, જોકે પુન: 3 જ દિવસમાં 19મી મથી પુન: જિલ્લો કોરોનાયુક્ત બની ગયો છે. લોકડાઉન 4.0માં વધુ 10 કેસ નોંધાતા જિલ્લાના અત્યારસુધીના કોરોના પોઝિટિવ કેસ 18 થયા છે. નવસારી જિલ્લાનો છેલ્લો 8મો કોરોના પોઝિટિવ કેસ કડોલી ગામમાં 7મી મે એ બહાર આવ્યો હતો. સતત 11 દિવસ નવો કેસ જિલ્લામાં આવ્યો ન હતો. 12માં દિવસથી નવા કેસ પુન: નોંધાયા છે. લોકાડઉન 4.0માં છૂટછાટને લઈને મુંબઈથી આવેલા લોકોના કોરોના પોઝિટિવ સામે આવી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં લોકડાઉન 4.0માં 22 કેસનો વધારો

ત્રણ લોકડાઉન સુધીમાં વલસાડ જિલ્લામાં 6 કેસ જ હતા. જેમાંથી પાંચ રિકવર થઈ જતા એક જ કેસ એક્ટિવ હતો. દરમિયાન લોકડાઉન ચારના શુભારંભ સાથે જ વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોમાં વધારો થયો છે. લોકડાઉન 4.0માં વધુ 22 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 28 ઉપર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજથી કોરોના પોઝિટિવ આવતા દર્દીઓના નામ જાહેર કરવાનું બંધ કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે, દર્દીઓના સંબંધીઓને નામ જાહેર થતા ભારે સહન કરવું પડ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે.

ડાંગ જિલ્લો કોરોના મુક્ત

ડાંગ જિલ્લામાં કોરોનાની 23 એપ્રિલના રોજ એન્ટ્રી થઈ હતી. ત્યારબાદ 28 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ વધુ બે કેસ નોંધાયા હતા. જેથી ડાંગ જિલ્લામાં માત્ર 3 કેસ જ નોંધાયા છે. જ્યારે આ તમામ દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પરત ફરતા 12 મેના રોજ ડાંગ જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો હતો. હાલ ડાંગ જિલ્લામાં એક પણ કેસ એક્ટિવ નથી.

અન્ય સમાચારો પણ છે...