કોરોના વાઈરસ:અનલોક બાદ દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, છેલ્લા 35 દિવસમાં વિસ્ફોટ થયો

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 31 મે બાદ સુરત જિલ્લામાં કોરોનાના કેસમાં પોણા ત્રણ ગણો વધારો
  • દક્ષિણ ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લો જ હાલ કોરોના મુક્ત થયેલો છે

દક્ષિણ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. 31 મે સુધી લોકડાઉન બાદ જાહેર કરાયેલા અનલોકમાં કેસનો સતત વધારો થયો છે. જેમાં સૌથી વધુ કેસમાં વધારો સુરત જિલ્લામાં થયો છે. સુરત જિલ્લામાં હાલ 6496 કેસ નોંધાયેલા છે. જ્યારે નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે.

સુરતમાં કોરોનાના કેસમાં પોણા ત્રણ ગણો વધારો
સુરત જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 6496 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 249 થઈ ગયો છે. 31 મે સુધીમાં સુરતમાં 1725 કેસ જ હતા. અનલોક બાદ કેસમાં 4771 કેસનો વધારો થયો છે. જેથી 31 મે બાદ પોણા ત્રણ ગણા વધારો નોંધાયો છે. જ્યારે કોરોનાના દર્દીના મોતમાં પણ વધારો થયો છે. 31 મે સુધીમાં સુરત જિલ્લામાં 72 મોત હતા. જે અઢી ગણા વધારા સાથે હાલ સુરત જિલ્લામાં 249 મોત થયેલા છે.

વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં કેસનો વધારો
1 જૂનથી જાહેર થયેલા અનલોક બાદ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. વલસાડમાં 31 મે સુધીમાં 42 કેસ હતા. ત્યારબાદ 174 કેસના વધારા સાથે હાલ 216 કેસ થયા છે. આ સાથે મોતમાં પણ 4ના વધારા સાથે આંક 5 થયો છે. નવસારી જિલ્લામાં 31 મે સુધીમાં 25 કેસ હતા. જેમાં 120 કેસના વધારા સાથે આંક 145 પર પહોંચ્યો છે. આ સાથે અનલોક બાદ બે મોત પણ થયા છે.તાપી જિલ્લામાં 31 મે સુધીમાં 6 કેસ હતા જેમાં 15ના વધારા સાથે આંક 21 પર પહોંચ્યો છે. ડાંગ જિલ્લામાં અનલોક પહેલા બે અને અનલોક બાદ બે કેસ નોંધાયા હતા. જે પૈકી તમામ રિકવર થઈ ઘરે પહોંચી ગયા છે. જેથી દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર ડાંગ જિલ્લો જ કોરોના મુક્ત છે.

અન્ય સમાચારો પણ છે...