રાહત:સુરતમાં મે મહિનામાં કોરોનાના 49 ટકા કેસ અને મોતમાં 49 ટકાનો ઘટાડો, રિકવરીમાં 52 ટકાનો વધારો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવ કેસનો આંક 1,39,232 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2047 અને કુલ 1,32,153 દર્દી રિકવર થયા

શહેરમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી થતાં મોતમાં પણ ઘટાડો નોંધાયો છે. મે મહિનાના છેલ્લા 25 દિવસમાં 24139 કેસ નોંધાયા છે, જ્યારે 286નાં સત્તાવાર મોત જાહેર કરવામાં આવ્યાં છે. આ સાથે 40,668 દર્દી રિકવર થયા છે, જેથી એપ્રિલ મહિનાથી કેસ અને મોતમાં 49 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે રિકવરીમાં 52 ટકાનો વધારો નોંધાયો છે.

મે મહિનામાં છેલ્લા 25 દિવસમાં કેસમાં ઘટાડો
સુરત શહેર જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણ સૌથી વધુ રહ્યું હતું. એક મહિનામાં સૌથી વધુ 49,898 કેસ નોંધાયા હતા. આ સાથે 585 કોરોના દર્દી મોતને ભેટ્યા હતા, જ્યારે માત્ર 21231 દર્દી જ રિકવર થયા હતા. મે મહિનામાં છેલ્લા 25 દિવસમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે મોતમાં પણ ઘટાડો થયો છે, જ્યારે રિકવરીમાં વધારો થયો છે.

સિવિલ-સ્મિમેરમાં 79 ટકા બેડ ખાલી
સિવિલ અને સ્મિમેરમાં ગત રોજ નવા કેસ ઘટીને 226 નોંધાયા છે અને 79 ટકા બેડ ખાલી પડ્યાં છે. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1,39,232 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2047 થયો છે. ગત રોજ શહેરમાંથી 306 અને જિલ્લામાંથી 207 મળી 513 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યારસુધીમાં શહેર જિલ્લામાં 132153 દર્દી કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 5032 નોંધાયા છે.

રિકવરી રેટ 95 ટકા પર પહોંચ્યો
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે સુરતનો રિકવરી રેટ 77 ટકાથી 95 ટકાએ પહોંચ્યો છે. 104ના કોલમાં પણ ધરખમ ઘટાડો થયો છે. એપ્રિલની 24 તારીખે રોજના 41 કોલ આવતા હતા, જે મેની 21મી તારીખે ઘટીને 7 થઇ ગયા છે. એ જ રીતે 108ના કોલની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. એપ્રિલમાં દૈનિક 154 કોલ મળતા હતા, જે મે મહિનામાં 44 થઇ ગયા છે. કેસમાં પણ સતત ઘટાડો થયો છે.