હીરામાં મંદીના વાતાવરણ વચ્ચે ડાયમંડ ફેક્ટરીઓ માટે મશીનરી બનાવતી કંપનીએ 200 હીરા પેઢી પર કોપીરાઈટનો કેસ કરતા હીરા માર્કેટમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. મંદીના વાતાવરણમાં હીરા પેઢીઓના કામને અસર ન થાય તે માટે હવે ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરી વચલો રસ્તો કાઢશે.
સુરતના હીરા ઉદ્યોગમાં દિવસે દિવસે પ્રગતિ થઈ રહી છે. કટ એન્ડ પોલિશ્ડમાં આજે મશીનરીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. મશીનરીમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંનેનો ઉપયોગ થતો હોય છે. ઝડપથી અને ચોક્કસાઈ પૂર્વક કામ કરવા માટે હવે નાની હીરા પેઢીઓ પણ દુનિયા સાથે કદમ મીલાવી ટેક્નોલોજી સહિત મશીનરીઓ વસાવતી થઈ છે. બીજી તરફ છેલ્લાં દોઢ મહિનાથી શહેરના હીરા ઉદ્યોગ પર માઠી અસર બેઠી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે શહેરમાં રો-મટીરીયલ્સની શોર્ટ સપ્લાય જોવા મળી રહી છે.
નાની મોટી સહિત મોટા ભાગની હીરા પેઢીઓ ડચકાં ખાઈ રહી છે. ત્યારે હીરા પેઢીઓ માટે મશીનરી બનાવતી કંપનીએ શહેરની 200થી વધારે હીરા પેઢીઓ પર કોપીરાઈટનો કેસ કર્યો છે. એક તો હીરાના કારખાનાઓમાં કામ ઓછું છે બીજી તરફ મશીનરી બનાવતી કંપનીએ કોપીરાઈટનો કેસ કરીને 200 હીરા પેઢીઓમાં કાર્યરત મશીનરીઓ સીલ કરાવી દીધી છે.
જેને લઈને રોજગારીને અસર પડવાની સંભાવના છે. જેથી ડાયમંડ એસોસિએશન હવે તમામ હીરા પેઢીઓ સાથે બેઠક કરી વચલો રસ્તો કાઢશે. જેના માટે આગામી સોમવારના રોજ 200 હીરા પેઢીના આગેવાનો સાથે મીટિંગ કરશે, ત્યાર બાદ આગળની રણનીતિ તૈયાર કરાશે.
કામધંધો બંધ થતા રોજગારીને અસર
હાલ હીરા માર્કેટની પરિસ્થિતી ખુબ જ ખરાબ છે, ત્યારે મંદીના માર વચ્ચે મશીનરી સિલ થઈ જવાથી કામ બંધ થતાં રોજગારી પર અસર પડશે. એટલા માટે ડાયમંડ અસોસિએશન તમામ 200 કંપનીને એક જ મંચ પર લાવી વચ્ચેનો રસ્તો કાઢશે.’ - દામજી માવાણી, મંત્રી, ડાયમંડ એસોસિએશન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.