તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટમાં ચર્ચા:હોસ્પિટલોની તપાસ માટે પાલિકાએ ખાનગી ડોક્ટરો જ મુકી દેતાં વિવાદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં હોસ્પિટલોની લૂંટ સામે બનેલી કમિટી મુદ્દે કોર્ટમાં ચર્ચા
  • ગ્રાહક કોર્ટમાં સમિતિ સબંધિત 300થી વધુ ફરિયાદો નોંધાઈ

કોરોના કાળમાં શહેર તેમજ બહારના સેંકડો દર્દીઓને લૂંંટનારી પ્રાઇવેટ હોસ્પિટલો સામે પગલાં ભરવા માટે મહાપાલિકાએ બનાવેલી તપાસ સમિતિ જ અણિયારા પ્રશ્નો વચ્ચે ઘેરાઈ ગઈ છે. ગ્રાહક કોર્ટમાં પ્રેક્ટિસ કરનારા વર્ગ વચ્ચે એવી ચર્ચાની એરણે છે કે, પાલિકાની તપાસ કમિટિમાં અડધાથી ઉપર તો પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોડાયેલાં ડોકટરો છે ત્યારે શું તેઓ પોતાના જ સર્કલના તબીબો સામે કડક રિપોર્ટ બનાવી લોકોને ન્યાય અપાવી શકશે? નોંધનીય છે કે અત્યાર સુધી સમિતિ સબંધિત 300થી વધુ ફરિયાદો ગ્રાહક કોર્ટમાં નોંધાઈ છે. જેમાં ખાનગી હોસ્પિટલોએ દર્દીને પેટ ભરીને લૂટ્યા હોવાના અનેક કિસ્સા છે.

સમિતિમાં ખરેખર કોને સ્થાન આપવંુ તેની પણ ચર્ચા
તપાસ કમિટિના સભ્યો પૈકી અડધા તો ડોકટરો છે. આથી સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ કમિટિમાં નિવૃત્ત ન્યાયાધિશ, ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે પ્રેકિટસ કરતા એડવોકેટ, સી.એ. અને મહિલા અગ્રણીનો કેમ સમાવેશ કરાયો નથી.

જવાબદાર કોણ તે આ સમિતિ કેવી રીતે નિર્ણય લેશે?
સમગ્ર કેસમાં વીમા કંપનીએ જે લોકોના દાવા નકાર્યા છે તે ગ્રાહક કોર્ટ ગુણદોષના આધારે નક્કી કરશે કે તે સાચું છે કે ખોટું. સારવારમાં લોકો પ્રાઇવેટ હોસ્પિટલોના હાથે લૂંંટાયા છે અ્ને પાલિકાના પેકેજ કરતાં વધુ રૂપિયા પડાવાયા છે તેવા કેસોમાં વીમા કંપની જવાબદાર કે હોસ્પિટલ જવાબદાર એ પાલિકાની સમિતિ કેવી રીતે નક્કી કરશે. કેમકે અનેક દાવા એમ કહીને રદ કરાયા છે કે આ તો સરકારી દર કરતાં વધુનું બિલ છે.

મહાપાલિકાની સમિતિને 100થી વધુ ફરિયાદો મળી
આ અંગે મહાપાલિકાને 100 જેટલી ફરિયાદો મળી છે. પાલિકાની તપાસ કમિટીની આવતા શુક્રવારે મિટિંગ મળશે. ત્યારબાદ હોસ્પિટલો સામે કેવા પગલાં લેવા તે મુદ્દે નિર્ણય કરાશે. હજી પણ કોઈએ હોસ્પિટલ સામે ફરિયાદ કરવી હોય તો મુઘલીસરાઈ ખાતે આવેલી એસએમસીની ઓફિસમાં એમઓએચ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...