સોશિયલ મીડિયામાં વાઈરલ મેસેજ:STMમાં લીઝના 4 લાખ, ભાજપને પાર્ટી ફંડના 1 લાખ આપવાના મેસેજથી વિવાદ

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઇરલ થયેલો મેસેજ - Divya Bhaskar
વાઇરલ થયેલો મેસેજ

સુરત ટેક્સટાઈલ માર્કેટ (એસટીએમ) ફરી વિવાદમાં આવી છે. માર્કેટના ગ્રુપમાં કરાયેલો મેસેજ કોંગ્રેસે વાયરલ કરતા નવો વિવાદ છેડાયો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, લીઝ માટે 4 લાખનો ચેક સુરત ટેક્સટાઈલ માર્કેટના નામે આપવાનો અને 1 લાખ રૂપિયાનો ચેક ભારતીય જનતા પાર્ટીના નામે આપવો. જો કે, આ બાબતે સુરત ટેક્સટાઈલ માર્કેટના પ્રમુખ, ડિરેક્ટર કહી રહ્યા છે કે, અમે ભારતીય જનતા પાર્ટીના ફંડ માટે ચેક માંગ્યો જ નથી. ભાજપે પણ કહ્યું કે, આ વાત ખોટી છે.

સુરત પાલિકા દ્વારા આપવામાં આવેલી 24435 ચોરસ મીટર જમીન પર સુરત ટેક્સટાઈલ માર્કેટ કો.ઓપરેટીવ સોસાયટી દ્વારા કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 1968માં એક ચોરસ મીટર દીઠ 2.5 રૂપિયા તરીકે જમીન લીઝ પર આપવામાં આવી હતી. જે વર્ષ 2018માં પૂરી થતા જંત્રીના ભાવ પ્રમાણે 127 કરોડ રૂપિયા પ્રિમિયમ ભરવા કહેવાયું હતું. પાલિકાના નિર્ણય પછી 31 માર્ચ સુધીમાં 4 હપ્તા ભરવા જણાવ્યું હતું.

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં 1033 દુકાનો છે. જે મુજબ દરેક દુકાન માલિકે પાસે 5 લાખ આપવાના હતાં. પરંતુ વિવાદ ત્યારે થયો કે જ્યારે સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને મેસેજ કરાયો કે, 4 લાખનો ચેક સુરત ટેક્સટાઈલ માર્કેટના નામે અને 1 લાખનો ચેક ભારતીય જનતા પાર્ટીના નામે આપવાનો છે.

આ અંગે સુરત ટેક્સટાઈલ માર્કેટના ડિરેક્ટર નરેન્દ્ર સાબુએ કહ્યું, વાયરલ મેસેજ ખોટો છે. ભાજપના નામે એક પણ રૂપિયો માંગવામાં આવ્યો નથી. કોઈ વ્યક્તિ દ્વારા ખોટી રીતે મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે.

મેસેજના આધારે 28 વેપારીએ તો 1-1 લાખનો ચેક આપી પણ દીધો!
લીઝ વર્ષ 2018માં પૂરી થઈ છે. અમે 50 વર્ષ માટે લીઝ પર આપવા કહ્યું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેના લાભ માટે 100 વર્ષની લીઝ આપી દીધી છે. જેના કારણે કોર્પોરેશનને નુકસાન જશે. જ્યારે 1968માં કોંગ્રેસની સરકાર હતી તેણે 50 વર્ષની લીઝ આપી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટી ફંડ ખુલ્લે આમ માંગવામાં આવે છે તે ફરતા થયેલા આ મેસેજ પરથી ખબર પડે છે. જો મેસેજ ખોટો હોય તો બીજેપી તે વ્યક્તિ સામે ફરિયાદ કેમ કરતી નથી. 28 વેપારીઓએ બીજેપીના નામે 1-1 લાખ રૂપિયાનો ચેક પણ આપી દીધો હોવાની વાત સામે આવી છે.- અસલમ સાયકલવાલા, માજી કોર્પોરેટર, કોંગ્રેસ

ભાજપને પાર્ટી ફંડ આપવાની વાત બિલકુલ ખોટી છે
માર્કેટના લીઝ લેખે 5 લાખ જ ભરવા માટે માંગ્યા છે. આ ઈશ્યુ 2018નો છે. માર્કેટે લીઝ તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને 50 કરોડ રૂપિયા ભરવાના છે. ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપવાની વાત બિલકુલ ખોટી છે.- ફૂલચંદ રાઠોડ, ભૂતપૂર્વ પ્રમુખ, સુરત ટેક્સટાઈલ માર્કેટ

જેના નંબરથી મેસેજ ફરતો થયો તે કહે કે, મે નથી કર્યો
સોશિયલ મીડિયામાં જે મેસેજ ફરી રહ્યા છે તે વાત ખોટા છે. જે વ્યક્તિએ મેસેજ કર્યો છે તેની સાથે વાત કરી છે. તે વ્યક્તિ કહે છે કે, મે આવો મેસેજ કર્યો નથીa. 5 લાખની ડિમાન્ડ કરી છે તે લીઝ માટેના છે. એટલે ભાજપને પાર્ટી ફંડ આપવાની વાત ખોટી છે.- હર્બન્સલાલ અરોરા, પ્રમુખ, સુરત ટેક્સટાઈલ માર્કેટ

ખોટો મેસેજ ફરતો કરનાર સામે કાર્યવાહી કરીશું
બીજેપીને પાર્ટી ફંડ આપવા માટેના મેસેજ ફરી રહ્યા છે. પરંતુ તે વાતમાં બિલકુલ સત્ય નથી. જે વ્યક્તિએ આ ખોટા મેસેજ વાયરલ કર્યા છે તેની સામે એક્શન લેવા માટેનો પણ વિચાર કરી રહ્યાં છીએ. - નિરંજન ઝાંઝમેરા, શહેર ભાજપ પ્રમુખ, સુરત

અન્ય સમાચારો પણ છે...