સુરતના કતારગામ ઝોનમાં છેલ્લા ઘણા સમયથી લારી પર શાકભાજી તેમજ અન્ય ચીજ વસ્તુઓ વેચતા લારીવાળાઓને મનપાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઢોર માર મરાયો છે. રીતસરના આતંક મચાવતા હોય તે રીતે સિક્યુરિટી ગાર્ડના જવાનો લારીવાળાઓ પર બેફામ રીતે દંડા વાળી કરી હતી. જેને લઈને વિવાદ સર્જાયો છે. મનપાના ચીફ સિક્યુરિટી ઓફિસર દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
સમયાંતરે સતત ઘર્ષણ થતા રહે છે
સુરતના દબાણ ખાતા અને લારીવાળાઓ વચ્ચે સમયાંતરે સતત ઘર્ષણ થતા રહે છે. વારંવાર શાકભાજી વિક્રેતાઓ તેમજ અન્ય ચીજના વિક્રેતાઓ સાથે દબાણ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઝઘડો થતો રહે છે. દબાણ ખાતા દ્વારા લારી ઊંચકી જવાય છે અને ત્યારબાદ થોડા દિવસોમાં પરત આપી દેવામાં આવે છે. લારી પરત આપ્યા બાદ શાકભાજીવાળા ફરી ત્યાં જ ઉભા રહી જાય છે. આ પ્રકારે સતત સિલસિલો યથાવત રહે છે. જ્યારે અધિકારીઓ ઉપર દબાણ આવે છે ત્યારે દબાણ ખાતું જાણે ખૂબ બાહોશ કામગીરી કરી રહી હોય તે રીતે લારીવાળા ઉપર તૂટી પડે છે.
અધિકારીઓની ગેરહાજરીમાં સિક્યુરિટી ગાર્ડનો આતંક
શાકભાજી વિક્રેતા મહેશ પટેલે જણાવ્યું કે અમને જ્યારે જાણ થઈ કે મનપાના અધિકારીઓ અહીં દબાણ દૂર કરવા માટે આવે છે ત્યારે અમે અમારી લારી લઈને ભાગવાનું શરૂ કરી દીધું હતું અને જગ્યા ખાલી કરી દીધી હતી પરંતુ ત્યારબાદ જ્યારે અમે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક જ ત્રણથી ચાર જેટલા સિક્યુરિટી ગાર્ડ આવ્યા હતા. ગાળો આપીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. હજી અમે અમારી કોઈ વાતની ચોખવટ કરીએ તે પહેલાં જ તેઓ બેફામ રીતે અમારા ઉપર દંડા સાથે વરસી પડ્યા હતા.
સિક્યુરિટી ગાર્ડ અંગે તપાસ શરૂ કરાય
ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકે કહ્યું કે આ બાબત અમારા ધ્યાન પર પણ આવી છે અને ત્યાં કોણ અને કેટલા સિક્યુરિટી ગાર્ડ પહોંચ્યા હતા તે બાબતની અમે વિગત મંગાવી રહ્યા છે. કેટલા શાકભાજી વિક્રેતાઓને માર મારવામાં આવ્યા છે. તેની પણ અમે વિગત લઈશું અને જો તેમની કામગીરી ખોટી જણાશે તો તેમની સામે પગલા પણ લઈશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.