મોડેમોડે સુરત પાલિકાની વર્ષ 2022ની ડાયરી પ્રસિદ્ધ થઇ છે. આ ડાયરીમાં પહેલીવાર શાસકપક્ષ નેતા સાથે વિપક્ષી નેતાના ફોટા છાપવામાં આવ્યા છે. જો કે, ડાયરીને ભગવો રંગ અપાતા વિવાદ થયો છે. ડાયરીનું કવરપેજ તો કેસરિયા રંગનું છે પરંતુ ડાયરીના દરેક પાના ઉપર વિવિધ વિગતો દર્શાવતી માહિતીને ભગવો રંગ અપાયો છે.
પાલિકાની ડાયરીમાં રાષ્ટ્રીય પાર્ટીઓના નામોની યાદી પ્રસિધ્ધ કરાઈ છે. પરંતુ આ વર્ષે આ યાદીમાં સુરત પાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટી છે તેનું નામ જ નથી. આ મુદ્દે ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, આ માટે કલેકટર જવાબદાર છે. કલેકટરમાંથી લિસ્ટ અપાય છે. કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારીની કચેરીમાંથી અપાતા નામો ડાયરીમાં પ્રસિધ્ધ કરાય છે. જેમાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોમાં 6 પાર્ટીના નામ અપાયા છે. પરંતુ પાલિકામાં વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે તો ડાયરીમાં આપ પાર્ટીનું નામ હોવું જોઇએ તેને લઇ રાજકારણ ગરમાયું છે.
ડાયરી નવા વર્ષની શરૂઆતમાં જ આપવાની હોય છે. પરંતુ આપના નગરસેવકો ભાજપમાં જોડાવાની અને ત્યારબાદ ભાજપમાંથી બે નગરસેવકો ફરી આપમાં જોડાવાના ઘટનાક્રમને લઇ ડાયરીમાંથી તેઓના ફોટા બદલવા પડ્યા હતા. જેને લઇ ડાયરી મે માં આવી છે. 120 કાઉન્સિલરને ડાયરી વહેંચવાની શરૂઆત થઈ પણ આપના કોર્પોરેટરોમાં અસંતોષ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.