સુરત પાલિકા દ્વારા આયોજીત ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુરૂવારે રાજકોટ અને ગાંધીનગર ટીમ વચ્ચે રમાયેલી મેચ ફિક્સ વેતન પર નોકરી કરી રહેલાં 2 ખેલાડીના લીધે વિવાદ થયો હતો.
ભીમપોરના પીઠાવાલા ગ્રાઉન્ડ પર રાજકોટની બેટિંગના 2 ઓવર પૂરી થયા બાદ ફિલ્ડિંગ કરી રહેલી ગાંધીનગરની ટીમમાંથી 2 ખેલાડી નિયમની વિરૂદ્ધ રમી રહ્યાં હોવાનો વાંધો રજૂ થતાં આયોજન કમિટીએ મેચ રોકાવી હતી. આ મુદ્દે સતત કલાક સુધી ગજગ્રાહ ચાલ્યો હતો. જોકે ગાંધીનગર ટીમે પહેલાંથી ખેલાડીઓની યાદી સબમીટ કર્યા બાદ ખોટી રીતે તકરાર ઊભી કરાઇ હોવાની ફરિયાદ કરી મેદાન પર ઉતરેલા 2 ખેલાડી વગર મેચ રમવા ઇન્કાર કર્યો હતો. જેથી રાજકોટ ટીમને વિજેતા જાહેર કરાઇ હતી.
રાજકોટ પાલિકાની ટીમ ટોસ જીતી બેટિંગ કરતી હતી. ગાંધીનગર પાલિકાની ટીમ ફિલ્ડિંગમાં હતી. 2 ઓવરમાં 11 રન થયાં હતાં. ત્રીજી ઓવર શરૂ થાય તે પહેલાં જ સુરત પાલિકાની આયોજન ટીમે મેચ અધવચ્ચે અટકાવી ગાંધીનગર ટીમના 2 ખેલાડી ફિક્સ વેતન પર નોકરી કરતા હોવાનું જણાવી વર્ષ-2012ના ક્રિકેટ ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતું હોવાનું જાહેર કર્યું હતું. સુરત પાલિકાની આયોજન સમિતિએ મેદાન પર ખુલાસો માંગ્યો હતો. રાજકોટ પાલિકા કમિશનરની ટીમ દ્વારા પણ આ અંગે નિયમનું પાલન કરવા તૈયારી બતાવતા મેચ ખોરંભે ચઢી હતી.
ફિક્સ વેતન કર્મીઓ માત્ર ફિલ્ડિંગ કરી શકે
રાજકોટ પાલિકાની ટીમના કમલેશ જોષીએ જણાવ્યું કે, પ્રતિસ્પર્ધી ટીમમાં 2 ખેલાડી ફિક્સ વેતન ધોરણના કર્મીઓ હોવાથી નિયમ પ્રમાણે તે મેચ રમવા પાત્ર થઇ શકે નહીં. તેમ છતાં મેચ શરૂ થઇ ગઇ હોવાથી ફિક્સ વેતન વાળા કર્મીઓ પાસે માત્ર ફિલ્ડિંગ કરાવવા અને બેટિંગ કે બોલિંગ ન કરી શકે તેવો આગ્રહ કરાયો હતો. જોકે તે વાત પણ માનવામાં આવી ન હતી.
સારું રમતા ખેલાડીઓને નિયમ બતાવવામાં આવ્યાં
ગાંધીનગર પાલિકાની ટીમના ભાવિન ત્રિવેદીએ જણાવ્યું કે, ગ્રાઉન્ડ પર ચાલુ મેચમાં ક્વેરી કઢાઈ હતી. જે ખેલાડીઓને નિયમ બતાવીને રમવાની ના પાડવામાં આવી હતી. તે ખેલાડીઓ ખુબ સારૂ રમે છે. આ ટીમ પહેલાથી નક્કી હતી પછી નિયમ બતાવી તેમને કેમ કાઢવામાં આવ્યાં? તે સવાલ મહત્વનો છે.
સતત કલાક સુધી ચાલેલી ચર્ચાનો ઉકેલ ન આવ્યો
સુરત પાલિકાના અધિકારીએ કહ્યું કે, નિયમ પ્રમાણે તાલીમાર્થી કર્મીઓને ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમવા ન દેવાના મુદ્દે કલાક સુધી વાટાઘાટો ચાલી હતી. કોઇ ઉકેલ ન આવતા ગાંધીનગર ટીમને હારેલી જાહેર કરી રાજકોટ ટીમને વિજેતા જાહેર કરી મેચને પૂર્ણ કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.