નવી સિવિલમાં BPL કાર્ડધારક દર્દીના સબંધી પાસે રૂપિયાની માંગણી કરાતા વિવાદ થયો હતો.ઓર્થોપેડિક વિભાગના તબીબે નર્મદાના યુવકના ઓપરેશનના ઇમ્પ્લાન્ટ માટે રૂપિયા માંગ્યા હોવાની ફરિયાદ કરી પરિવારે હોબાળો મચાવ્યો હતો. ભગનીયાવડગામના 42 વર્ષિય જગદીશ વસાવાને 15મીએ અકસ્માત થતા ડાબા પગ અને થાપામાં ઇજા થઇ હતી.
જગદીશ વસાવાને નવી સિવિલના ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કર્યા હતા. બાદમાં ડોક્ટર દ્વારા તેમની સર્જરી કરાઇ હતી. દર્દીના પરિવારના અરૂણાબેને સિવિલના તબીબી અધિક્ષકને લેખિતમાં ફરિયાદ કરી હતી કે બીપીએલ કાર્ડ હોવા છતાં ઓર્થોપેડિક વોર્ડના ડોક્ટર દ્વારા સિટી સ્કેન અને ઇમ્પ્લાન્ટના રૂપિયા માંગવામાં આવ્યા હતા. પૈસા ન હોવાથી સિટી સ્કેનના પૈસા આપ્યા ન હતા.20મીએ ઓપરેશન કર્યાનું કહીને ડોક્ટરે 500 રૂપિયા લીધા હતા બાકીના 3000 માંગતા હતા, અને સાંજ સુધીમાં પૈસા નહી આપે તો ઓપરેશન કરીને નાખેલો સળિયો કાઢી નાખીશ એવું કહ્યું હતુ.
આ મામલે ઓર્થો.ના ડોકટરે જણાવ્યું હતું કે સિવિલનું ઇમ્પ્લાન્ટ દર્દીમાં નાખ્યું હતું.નવા રેસીડેન્ટ ડોકટરે ખબર ન હતી કે તે ઇમ્પ્લાન્ટ સિવિલનું છે. ગેરસમજ થઇ હતી બહારથી ઇમ્પ્લાન્ટ થયાનં સમજી પૈસા લીધા હશે. પૈસા દર્દીને પરત કરી દેવાશે.વધારાના પૈસા ડોકટરે માંગ્યા નથી.
તપાસ કમિટી બનાવી છે,બે દિવસમાં રિપોર્ટ રજૂ કરાશે
આ મામલે હકીકત જાણવા માટે તપાસ કમિટિની રચના કરી છે.જુદાજુદા વિભાગના ત્રણ પ્રોફેસરો દ્વારા તપાસ કરીને બે દિવસમાં રિપોર્ટ રજુ કરશે. જેમાં કસુરવાર હશે તો પગલા લેવાશે. - ડો.ગણેશ ગોવકરે, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.