ઓમિક્રોનની દહેશતને પગલે મોલ-મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ તથા લગ્ન વાડીઓમાં બે ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપવાના નિયમને અમલી બનાવ્યા બાદ પાલિકાના આરોગ્ય વિભાગે હવે ગાઇડલાઇનનું પાલન કરાવવામાં બેવડાં ધોરણો અપનાવ્યા છે. ખાનગી પાર્ટી પ્લોટ તેમજ લગ્ન વાડીમાં આવનારા મહેમાનોના વેક્સિન સર્ટિફિકેટ ચકાસવાની જવાબદારી સંચાલકોની રહે છે.
જો કે પાલિકાના કોમ્યુનિટી હોલ કે એસએમસી પાર્ટી પ્લોટ પર આવતા મહેમાનોના વેક્સિન સર્ટિફિકેટ ચકાસવાની જવાબદારી પણ ભાડે રાખનારના માથે ઢોળી દેવાઇ છે. સાથે જ જો લગ્ન પ્રસંગમાં હાજર રહેનારા મહેમાન પોઝિટિવ આવશે તો ભાડે રાખનાર સામે કાર્યવાહીની પણ તૈયારી દર્શાવાઇ છે. આ અલાયદા નિયમને પગલે પાલિકાના હોલ કે પાર્ટી પ્લોટ ભાડે રાખનારાઓમાં રોષ જોવા મળ્યો હતો.
ખાનગી પાર્ટી પ્લોટ પર પ્રસંગમાં આવનારા મહેમાનોએ રસીના બન્ને ડોઝ લીધા છે કે નહીં? તેની ચકાસણીમાં બેદરકારી દાખવવામાં આવશે અને જો કોઇ મહેમાન વેક્સિન લીધા વગરનો મળશે તો પાલિકાએ હોલ તથા પાર્ટી પ્લોટ બંધ કરી દેવાની સંચાલકોને ચીમકી આપી હતી. જ્યારે પાલિકાના કોમ્યુનિટી હોલ અને એસએમસી પાર્ટી પ્લોટ પર મહેમાનોના રસી પ્રમાણપત્રની ચકાસણી કરવાની જવાબદારીમાંથી પાલિકા હોલના સંચાલકોએ હાથ ખંખેરી લીધા છે. પાલિકાએ દર્શાવેલા બેવડા વલણના લીધે પ્રસંગ માટે પાલિકાના કોમ્યુનિટી હોલ તથા પ્લોટ ભાડે રાખનારાઓમાં અસંતોષ ફેલાયો છે.
છેલ્લા 10 દિવસમાં જ 90 હજારનું ટેસ્ટિંગ કરાયાં
ઓમિક્રોનની દહેશતને પગલે સિવિલ-સ્મીમેરમાં 140 બેડના અલાયદા ઓમિક્રોન વોર્ડ શરૂ કરનાર પાલિકાએ છેલ્લા 10 દિવસમાં જ 90 હજાર ટેસ્ટિંગ કર્યાં છે. આ સંખ્યા દિવાળી પહેલાં 3 હજાર હતી. જે વધારીને દૈનિક 9 હજાર ટેસ્ટિંગ કરાઇ છે. એટલું જ નહીં પણ શહેરના પ્રવેશ દ્વારો પર રોજ 2500 મુસાફરોનું ટેસ્ટિંગ કરાઇ રહ્યું હતું.
આરોગ્ય વિભાગે કહ્યું કે, એરપોર્ટ પર મોટા ભાગના પ્રવાસીઓ 72 કલાકની મર્યાદા વાળા RTPCR ટેસ્ટિંગ રિપોર્ટ લઇને પણ આવી રહ્યાં છે. તે સિવાયના મુસાફરોનું ઓમિક્રોનની દહેશતને પગલે સઘન ચેકિંગના ભાગરૂપે રોજ 300 મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે. ગુરૂવારે જ શહેરમાં 25,527નું રસીકરણ કરાયું હતું. ગુરૂવારે રાજ્યમાં સૌથી વધુ સુરતમાં વેક્સિનેશન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.