બાળકોમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે 1થી 9 ધોરણના વર્ગો ઓનલાઇન કરવા આદેશ કર્યો હોવા છતાં સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ સ્કૂલે ધો. 9ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવતાં વિવાદ સર્જાયો છે. સરકારના આદેશ વચ્ચે ઓલપાડના નરથાણ ગામની સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ સ્કૂલના સંચાલકોએ ધોરણ 9ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલવાનું ચાલુ રાખ્યું હતું.
સંચાલકોના આ વલણને કારણે વાલીઓમાં કચવાટ હતો. સોમવાર બાદ મંગળવારે પણ ધો. 9ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાયા હતા. નામ નહીં આપવાની શરતે કેટલાક વાલીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, સ્કૂલમાં સરકારી આદેશની ઐસી તૈસી કરી બાળકોને બોલાવવામાં આવે છે ત્યારે બાળક સંક્રમિત થાય તેની જવાબદારી કોની રહેશે. જોકે આ અંગે ડી.ઈ.ઓ સમક્ષ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી નથી. બીજીતરફ સંચાલકોએ બાળકોને અભ્યાસ માટે બોલાવ્યા ન હોવાનું કહી હાથ ઊંચા કર્યા હતા.
બાળકોને પુસ્તક અને સાહિત્ય માટે બોલાવ્યા હતા
બાળકોનું શિક્ષણ ન બગડે તેનું ધ્યાન રખાય છે. આજે બાળકોને તેમના જરૂરી પુસ્તકો આપવા તેમજ અભ્યાસ માટે સાહિત્ય આપવા માટે બોલાવ્યા હતા. > પરેશ પટેલ શાળા સંચાલક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.