સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પક્ષઘાતની(લકવો) તકલીફ સાથે ટ્રોમા સેન્ટરમાં સારવાર લેવા આવેલા દર્દીને ડોક્ટર દ્વારા સારવાર નહીં થાય તેવું જણાવીને દર્દીની સારવાર અટકાવી દેવામાં આવી હતી. દર્દીની સારવાર સિવિલ ડોક્ટર અને રેસીડેન્ટ ડોક્ટર વચ્ચે છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલા વિવાદને કારણે અટકી હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે હોસ્પિટલના મેનેજમેન્ટ અને રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે ચાલતા વિવાદને લઈને દર્દીઓ પીસાઈ રહ્યા છે. દર્દીની હાલત ક્રિટીકલ છે છતાં તેની સારવાર પરેશ ઝાંઝમેરા નામના ડોક્ટરે અટકાવી હોવાને લઈને ડોક્ટરોની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
સિવિલના ડોકટર અને રેસીડેન્ટ ડોક્ટર વચ્ચેના વિવાદમાં દર્દી પિસાયા
સુરતની સિવિલ હોસ્પિટલ સતત વિવાદોના વંટોળ વચ્ચે ફસાતી રહે છે. ત્યારે વધુ એક વિવાદ નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને CMO વચ્ચે ચાલતી આંતરિક લડાઈમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યે રમણ વસાવા નામનું પેશન્ટ પક્ષઘાતની તકલીફથી સારવાર લેવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં આવ્યું હતું. ત્યારે સીએમઓ દ્વારા આ દર્દીને મેડિસિન વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. પરંતુ ન્યુરો ફિઝિશિયન ( રેસીડેન્ટ) ડોક્ટર પરેશ ઝાંઝમેરા દ્વારા દર્દીની સારવાર નહીં કરવામાં આવે તેવું કહીને દર્દીની સારવાર અટકાવી દીધી હતી અને ત્યારબાદ સીએમઓ સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો હતો.
સિવિલમાં પક્ષઘાતની બીમારીના દર્દીની સારવાર ન કરાઈ
રમણ વસાવા નામનું જે દર્દી છે તે ક્રિટીકલ અવસ્થામાં હોવા છતાં પણ એક કલાક સુધી આ દર્દીની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવતી નથી. જેનું મુખ્ય કારણ સિવિલ હોસ્પિટલના CMO અને રેસીડેન્ટ ડોક્ટરો વચ્ચે જે આંતરિક લડાઈ ચાલી રહી છે. ડોક્ટરોની આ આંતરિક લડાઈમાં દર્દીઓને સારવાર વગર જ કલાકો સુધી હોસ્પિટલમાં બેસી રહેવું પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ચાલતી આ લડાઈનો અંત ક્યારે આવશે અને ક્યારે દર્દીઓને સારવાર સરખી રીતે મળશે તે જોવાનું રહ્યું.
આવતીકાલથી સિવિલમાં CMO હડતાલ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી
મહત્વની વાત છે કે સિવિલ હોસ્પિટલમાં જે રેસિડેન્ટ તબીબો ફરજ બજાવી રહ્યા છે તે અવારનવાર સીએમઓ સાથે આ પ્રકારનું ઘર્ષણ કરતા જ રહે છે.ત્યારે સિવિલમાં CMO ડો શીતલ ખેરડીયા દ્વારા આ બાબતે રેસિડેન્ટ તબિયત સામે લેખિતમાં ફરિયાદ પણ અગાઉ કરવામાં આવી છે. ત્યારે હવે રેસિડેન્ટ ડોક્ટર અને CMO વચ્ચે તેનો અંત ક્યારે આવશે તે જોવાનું રહ્યું. આ ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં ફરજ બજાવતા CMO દ્વારા હડતાલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એટલે હોસ્પિટલ દ્વારા જો કોઈ નીવેડો આ મામલે લાવવામાં નહીં આવે તો આવતીકાલથી CMO હડતાલ પર જશે.
ડોકટરોની આંતરિક પ્રશ્નોનું નિરાકરણ લાવી દેવામાં આવશે : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
સિવિલમાં ડોક્ટરોની આંતરિક વિવાદને લઈ સિવિલ સુપ્રીતન્ડેન્ટ ગણેશ ગોવેકર પણ આજે રોમા સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે ડોક્ટરના આંતરિક પ્રશ્નોનું નિરાકરણ લાવી દેવામાં આવશે. સિવિલના સીએમઓ શીતલ ખેરડીયા દ્વારા જે પત્રની વાત કરવામાં આવે છે તેઓ મને કોઈ પત્ર મળ્યો જ નથી. આવતીકાલથી કોઈપણ ડોક્ટરની હડતાલ થશે નહીં. અને જે પણ જવાબદાર હશે તેના પર એક્શન લઈ કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.