સ્કૂલોમાં કંટ્રોલરૂમ:શિક્ષકો ઓનલાઇન ભણાવે છે કે નહીં તેની તપાસ કરવા સ્કૂલોમાં કંટ્રોલરૂમ બનાવાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોમવારથી શૈક્ષણિક સત્ર શરૂ પણ 219 સ્કૂલના વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી
  • સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ માટે ડીઇઓએ ટીમો બનાવી, 100 ટકા હાજરી ફરજિયાત

આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. જો કે, એક મહિનાનું વેકેશન પૂર્ણ થઇ ગયું હોવા છતાં 219 સ્કૂલના વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી. સ્કૂલમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીની 100 ટકા હાજરી ફરજિયાત રાખવામાં આવી છે તેમજ શિક્ષકો ઓનલાઇન ભણાવે છે કે નહીં તેની તપાસ માટે સ્કૂલોમાં કંટ્રોલરૂમ પણ બનાવવામાં આવ્યા છે.

સોમવારથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને સ્કૂલોમાં બોલાવવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ નિયમનું પાલન થઇ રહ્યું છે કે નહીં તેની તપાસ માટે ડીઇઓએ ટીમો બનાવી છે, જે સ્કૂલોમાં જઇને સરપ્રાઇઝ ચેકિંગ કરશે. જો કોઇ પણ સ્કૂલ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. આ સાથે કર્મચારીઓએ પણ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

અભ્યાસ બાદ કસરત, રિપીટેડ વીડિયો જેવા વિકલ્પ સ્કૂલોએ ઉમેર્યા
ઓનલાઇન એજ્યુકેશન બાદ કસરત કરાવાશે

કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક ડો. સંજય મહેતાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન એજ્યુકેશન સમયે વિદ્યાર્થીઓને શારીરિક સમસ્યા આવતી હોય છે. જે નિવારવા માટે ઓનલાઇન એજ્યુકેશન બાદ ફરજિયાત કસરત કરાવાશે.

સરકારી પૈસા બગડે છે, વાલીઓનો ખર્ચ વધે છે
પાઠ્યપુસ્તક મંડળ વેકેશન પડતાં પુસ્તકો પહોંચાડતું નથી. જેના લીધે વિદ્યાર્થીઓ બહારથી પુસ્તકો ખરીદી લે છે. જેથી સરકારી પૈસા બગડે છે તેમજ વાલીઓનો પણ ખર્ચ વધે છે. > - ઉમેશ પંચાલ, વાલી મંડળ

ઓનલાઇન સમજ ન પડે તો એપથી ફરી ભણી શકશે
વશિષ્ટ વિદ્યાલયના રવિ ડાવરીયાએ જણાવ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને ઓનલાઇન અભ્યાસમાં કેટલાક ટોપિક સમજાતા નથી. આવા વિદ્યાર્થીઓ એપથી વીડિયો જોઇ ફરી ભણે શકે છે.

350 કોલેજમાં આજથી ઓનલાઇન અભ્યાસ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 350 કોલેજમાં પણ આજથી ઓનલાઇન એજ્યુકેશન અપાશે. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અરવિંદ ધડૂકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને કોઈ પણ કારણથી કોલેજ પર બોલાવવાની ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશેે. જેથી તે બાબતનું કોલેજોએ ધ્યાન રાખવું. કોલેજોએ ઓનલાઇન એજ્યુકેશન આપવા સહિતની કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...