સુરતના અમરોલીમાં પોલીસકર્મીની સરાહનિય કામગીરી સામે આવી છે. અમરોલીમા BRTS બસ સ્ટોપ પર લગાવવામાં આવેલી ગ્રીલના સળિયા વચ્ચે રમતાં બાળકનું માથું ફસાઈ ગયું હતું. જેથી ગભરાયેલા વાલી સહિતના લોકોએ બાળકને ગ્રીલના સળિયા વચ્ચેથી બહાર કાઢવા જહેમત હાથ ધરી હતી. આ દરમિયાન ફરજ પર જઈ રહેલા અમરોલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ ભાલૈયાના ધ્યાને આવતાં તેમણે ઘટના સ્થળે પહોંચી સૂઝબૂઝથી બાળકનું માથું બહાર કાઢ્યું હતું. જેથી બાળકના વાલીઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
માતાની નજર હટતાં બાળક ફસાયું
મળતી માહિતી મુજબ સુરતના અમરોલી બીઆરટીએસ સ્ટેન્ડ પર એક પરિવારનું બાળક રમી રહ્યું હતું. આ દરમ્યાન માતાની નજર હટતાં જ રમતા બાળકનું માથું ડોક સુધી સળિયાની વચ્ચે ફસાઈ ગયું હતું. આ ઘટનાને લઈને ત્યાં હાજર લોકો પણ ચોકી ઉઠ્યા હતા. હાજર લોકોએ બાળકનું રેસ્ક્યુ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ સફળ રહ્યા ના હતા. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ ભાલૈયાનું ધ્યાન જતાં તેઓ બસ સ્ટેશન પર દોડી આવ્યા હતાં. સાથે જ બાળકને રેસ્ક્યૂ કરવાના પ્રયત્ન કર્યા હતાં.
લોકોએ હાશકારો અનુભવ્યો
બાળક પણ પીડાથી તડપી રહ્યું હતું. લોકો બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. પરંતુ તેઓ સફળ થયા નહોતા. જેથી પોલીસકર્મી નિકુલસિંહ ભાલૈયાએ લોકોની મદદ લઈને બાળકનું હેમખેમ રેસ્ક્યુ કર્યું હતું. બાળકનું રેસ્ક્યુ થઇ જતા ત્યાં હાજર લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને પોલીસની કામગીરીને બિરદાવી પણ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.