અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચુકાદો:સુરતના તનવીરને ફાંસીની સજા, 29 જીવતાં બોમ્બ મળ્યાં બાદ ઈન્ડિયન મુજાહિદ્દીન-ભટકલ બંધુઓની લિંક મળી હતી

સુરત5 મહિનો પહેલા
સુરતમાં તનવીરે નક્કી કરેલી 30 જગ્યા પર બોમ્બ મૂકવામાં આવ્યા હતા. ઈનસેટમાં તનવીરની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરતમાં તનવીરે નક્કી કરેલી 30 જગ્યા પર બોમ્બ મૂકવામાં આવ્યા હતા. ઈનસેટમાં તનવીરની ફાઈલ તસવીર.
  • સુરતમાં બોમ્બ પ્લાન્ટ કરનારા બે પૈકી એક દોષી અને ફાંસીની સજા ફટકારાઈ
  • કોમી તોફાનોનો બદલો લેવા માટે બોમ્બ સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં પ્લાન્ટ કર્યા હતા

વર્ષ 2008માં સુરતમાં 29 જીવતાં બોમ્બ મળ્યાં હતા. આતંકવાદીઓએ 1992માં વરાછામાં થયેલાં કોમી તોફાનોનો બદલો લેવા માટે મોટાભાગના બોમ્બ સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં પ્લાન્ટ કર્યા હતા. જેમાં આતંકવાદીઓએ 29માંથી 5 બોમ્બ ઓવરબ્રિજ અને 3 બોમ્બ ઝાડ પર મુક્યા હતા. બોમ્બ પ્લાન્ટ કરનારા 2 સ્થાનિક પૈકી એક મોહંમદ તનવીર પઠાણને દોષી જાહેર કરાયો હતો. જ્યારે એકને કોર્ટે નિર્દોષ મુક્ત કર્યો હતો. તનવીરને આજે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પૂછપરછ દરમિયાન ઝહીર પટેલ સહિત બંનેના ભટકલ બંધુઓ અને ઇન્ડીયન મુજાહીદ્દીન સાથે કનેક્શન મળતા તેનું જ આખુ કાવતરુ હોવાનું સાબિત થતા આ કેસ અમદાવાદ સાથે જોડી અમદાવાદની કોર્ટમાં બંને કેસની પ્રક્રિયા એક સાથે શરૂ કરાઇ હતી.

કોર્ટનો આજનો ચૂકાદો ઐતિહાસિકઃ પાટીલ
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, કોર્ટનો આજનો ચૂકાદો ઐતિહાસિક અને નામદાર કોર્ટે દાખલા રૂપ સજા આપી છે. કેટલાક લોકો દેશની શાંતિને ડોહળવાનો ઈરાદો ધરાવતા લોકોને ચેતવણીરૂપ છે. પ્રધાનમંત્રી મોદીએ જેતે સમયે પોલીસને કહ્યું હતું કે આરોપીને શોધી કાઢો તો દેશની સેવા થશે. આરોપીને લાવવા ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા આપી હતી. આઝમ ગઢ જેવા વિસ્તારમાંથી આરોપી લાવ્યા હતા. નામદાર કોર્ટે સજા આપીએ વિશ્વમાં પહેલો ચુકાદો છે. 38ને દેહાંત દંડ અને 11ને આજીવન સજા ફટકારવામાં આવી છે. હાલના વડાપ્રધાન મોદી ત્યારે મુખ્યમંત્રી મોદીએ તમામ મદદ પોલીસને કરી હતી. જરૂર પડ્યે ચાર્ટડ ફ્લાઈટની વ્યવસ્થા કરી આપી હતી. બ્લાસ્ટના સાક્ષીઓએ હિંમત સાથે કોર્ટમાં સાક્ષી આપી હતી. કોર્ટે દેશ અને દુનિયાના ઇતિહાસમાં પ્રથમ વખત ચુકાદો આપી 38ને ફાંસી અને 11ને આજીવન સજા સંભળાવી છે.

દાખલો બેસાડતો ચુકાદોઃ નયન સુખડવાલા
નયન સુખડવાળા (મુખ્ય સરકારી વકીલ સુરત) એ જણાવ્યું હતું કે, આવકાર દાયક અને ઐતિહાસિક ચુકાદો કહી શકાય, આ એક માત્ર ચુકાદો છે જેમાં 38ને ફાંસી અને બીજા 11ને અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવવામાં આવી હોય. જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એમને આશ્વાસન મળશે અને ન્યાય તંત્ર પરનો વિશ્વાસ વધશે. ગુનેગારોમાં બીજીવાર આવા ગુના કરવા માટે ડર ઉભો થશે એવો દાખલો બેસાડતો ચુકાદો કહી શકાય છે. આવકારદાયક ચુકાદો છે, હા કેસ ચાલવામાં સમય લાગ્યો પણ કેસની ગંભીરતા જોતા તેમજ સુરત અને અમદાવાદ બન્ને કેસ મર્જ થયા, હજારો પાનાની ચાર્જશીટ હતી. 1100થી વધુની જુબાની લેવી, એ પહેલાં તોહમતનામું ગઢવું, પ્રપોઝ ચાર્જ વકીલ આપવો પડે, જયાંથી લઈ ચુકાદા સુધીની વકીલોની મહેનતને આવકારું છું. સાથે સાથે પોલીસે અધિકારીઓએ જે ડિટેક્શન કર્યું એ પણ આવકારદાયક છે. તાર ક્યાંથી ક્યાં સુધી જોડાયેલા હતા એ ભેગા કરવા અને સાચા આરોપીને પકડી કોર્ટમાં રજૂ કરવા એ એક ટીમ વર્કનું કામ છે. સુરતમાં 29 બોમ્બ પ્લાન્ટ કરાયા હતા સુરતનું સદનસીબ હતું કે બોમ્બ બ્લાસ્ટ ન થયા અને પોલીસે બોમ્બ શોધી તમામને ડિફ્યુઝ કરવામાં સફળ થયા, આરોપીઓએ તમામ બોમ્બ જાહેર જગ્યા પર મુક્યાં હતા મોટી જાનહાનિનું આયોજન હતું જે નિષ્ફળ બનાવાયું હતું.

ચુકાદાને મહેસુલ અને કાયદા મંત્રીએ વધાવ્યો
આણંદ મહેસુલ મેળામાં આવેલ મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ હાઇકોર્ટે આપેલ ચુકાદાને વધાવી પોલીસ અને કાયદા વિભાગની પ્રશંસા કરી હતી.
આ તબક્કે તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે ઘટનાના માત્ર 18 માં લાખો કોલ ચકાસી 19 માં દિવસે આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી.3 લાખ પાનની ચાર્જશીટ રજૂ કરાઈ હતી વળી આ તમામ પાના વાંચી હાઈકોર્ટે ભારતીય લોકશાહી અને કાયદાતંત્રની વિશ્વસનીયતા પુરવાર કરતો ચુકાદો આપ્યો છે.જે નિર્દોષ લાગતા હતા તે નિર્દોષ રહ્યા જે ગુનેગાર હતા તેને સજા થઈ છે.

રેકી કરાયેલી ભીડવાળી જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.
રેકી કરાયેલી ભીડવાળી જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

સુરતમાં પહેલો બોમ્બ સિટીલાઇટમાં સર્કલમાંથી મળ્યો હતો
સૌથી પહેલો બોમ્બ સિટીલાઇટમાં સર્કલમાંથી 27 જુલાઈ-08એ સવારે બેલદાર લલ્લુ ઠાકોર પટેલને સફાઇ કરતા મળ્યો હતો. લલ્લુભાઇએ ટ્રાન્જીસ્ટ્રર સમજી બોમ્બને પાલિકાની ગાડીમાં મુકી દીધું હતું. 20 મિનીટ પછી બેલદાર નુપુર સર્કલ પાસે જતા ત્યાં તેમણે આ ટ્રાન્જીસ્ટર ટેક્નિકલ આસિટન્ટ કમલેશ ક્રિષ્નાકાંત મોદીને બતાવ્યું હતું. પોલીસે બોમ્બ સ્કવોડની મદદથી તપાસ કરતાં આ ટ્રાન્ઝિસ્ટર નહીં પરંતુ બોમ્બ હોવાનું સામે આવ્યું હતું.

તનવીરની મદદથી 30 જેટલી જગ્યાઓ નક્કી કરી બોમ્બ પ્લાન્ટ કરાયા હતા
26મી જુલાઇ 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયો હતો. જેને લઇને સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. બોમ્બ મળવાનું શરૂ થતાં જ ક્રાઇમ બ્રાંચ સહિતનાં પીઆઈ, PSI મળી કુલ્લે 45 કર્મી પણ તપાસમાં જોડાયા હતા. તપાસ દરમિયાન સ્થાનિક તનવીર પઠાણની આ ઘટનામાં સુત્રધાર તરીકેની ઓળખ થઈ અને તેને પકડ્યો હતો. તનવીરની મદદથી 30 જેટલી જગ્યાઓ નક્કી કરી બોમ્બ પ્લાન્ટ કરાયા હતા. તેમાંથી 29 મળી આવ્યા હતા.

છેલ્લો બોમ્બ અમરોલી ખાતેથી મળ્યો હતો.
છેલ્લો બોમ્બ અમરોલી ખાતેથી મળ્યો હતો.

ભટકલ બંધુઓ અને ઇન્ડીયન મુજાહીદ્દીન સાથે કનેક્શન મળ્યું હતું
પૂછપરછ દરમિયાન ઝહીર પટેલ સહિત બંનેના ભટકલ બંધુઓ અને ઇન્ડીયન મુજાહીદ્દીન સાથે કનેક્શન મળતા તેનું જ આખુ કાવતરુ હોવાનું સાબિત થતા આ કેસ અમદાવાદ સાથે જોડી અમદાવાદની કોર્ટમાં બંને કેસની પ્રક્રિયા એક સાથે શરુ કરાઇ હતી. તનવીર પઠાણના રિમાન્ડ લઈ તપાસ કરાઇ હતી ત્યારે લોકો પુણા- ભરુચ થઈ આવતા હોવાનું માલુમ પડ્યુ હતું. રેકી કરાયેલી ભીડવાળી જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 5 અને 10 મિનિટનાં ટાઈમર સેટ કરાયા હતા, જેમાં વિસ્ફોટ થાય અને વધુથી વધુ સંખ્યામાં લોકોના મૃત્યુ થાય.

13 દિવસમાં 23 જગ્યા પરથી બોમ્બ મળ્યા હતા
સૌથી પહેલો જીવતો બોમ્બ સિટીલાઇટ નુપુર હોસ્પિટલની સામે મળ્યો હતો. 27મી તારીખે કાપોદ્રામાં સીતાનગર ચોકડી અને વરાછા હીરાબાગ ડોક્ટર હાઉસની નીચેથી મોટરકાર અને જીવતા બોમ્બ બનાવવાના સાધનો મળી આવ્યો હતો. 28મી તારીખે વરાછામાં એલએચરોડ શક્તિ વિજય સોસાયટીના ટ્રાન્સ્ફૉર્મર નીચેથી મળી આવ્યો હતો. જયારે 29મી તારીખે વરાછામાં બરોડા પ્રિસ્તેજ સમર્પણ કાપડ કેન્દ્ર પાસે, રમઝાનઅલી બિલ્ડિંગ અને માતાવાડી બંસરીખાન સામે ઝાડ પરથી, મહિધરપુરા હિરાબજાર મંયક મેટલરના શટલના ભાગેથી, કતારગામ ગજેરા સર્કલની અંદરથી, વરાછા ઓવરબ્રીજના પોલ પાસેથી, મોહનની ચાલના વડના ઝાડ પરથી, મોહનની ચાલમાં ઝાડની સામે પતરા ઉપરથી, ભાવના ફોર્ડની ઉતરે, ગીતાંજલી ત્રણ રસ્તા અલ્પા રેસ્ટોરન્ટ, હીરાબાગ સર્કલની ઉપર બ્રીજની એંગલમાં, એ.કે.રોડ ભવાની જેમ્સ અને સરદાર પોલીસ ચોકીની પાછળ ક્રાંતિ મેદાનમાં ઘાસમાંથી બોમ્બ મળી આવ્યો હતો. 30મી તારીખે બરોડા પ્રિસ્ટેજ પ્રેમગલીની શ્રી કિશન કોમ્પલેક્ષના પહેલા માળે, નાના વરાછામાં તરણકુંડની પાસે ઝાડ પરથી, જદાખાડી જીનીયસ ઈન્સ્ટ્રુમેન્ટના બોર્ડની પાછળથી, ચોપાટી ગાર્ડન આગળ બસ સ્ટોપમાંથી તેમજ કતારગામમાં અમરોલી બ્રીજ મંદિરની બાજુમાંથી જીવતો બોમ્બ મળ્યો હતો.