વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપની આશીર્વાદ યાત્રા બાદ કોંગ્રેસે પણ ન્યાય યાત્રાનું આયોજન કર્યુ છે. જેમાં કોરોનાથી મૃત્યુ પામેલ પરિવારની મુલાકાત લઈને શાંત્વના આપવાની સાથે સાથે વિગતો એકઠી કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા ઘરે ઘરે પહોંચીને કોવિડ મૃતકોની એક ફોર્મ પર યાદી તૈયાર કરવામાં આવશે. સાથે જ એ વખતે હોસ્પિટલમાં પડેલી તકલીફની વિગતો એકઠી કરીને કાયદાકીય લડત ચલાવવામાં આવશે તેમ જણાવતાં સુરત કોંગ્રેસના પ્રમુખ નૈષધ દેસાઈએ ઉમેર્યું કે, એક મહિના સુધી આ યાત્રા દ્વારા જનસંપર્ક કરીને મૃતકના પરિવારને 4 લાખ રૂપિયા આપવા સાથેના મુખ્ય ચાર મુદ્દાઓ માટે સરકાર સામે લડત ચલાવીશું.
કોંગ્રેસ ફોર્મ તૈયાર કર્યું
કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, એક અંદાજ મુજબ 2 લાખ લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે. 3લાખ લોકો લાંબી સારવાર લઇ સાજા થયા છે. 5લાખ પરીવારોમાંથી પરીવારના સગા સંબંધી, મિત્રો, પરિચિતો જેમણે તેઓની હોસ્પિટલની સારવાર ખૂબ જ નજીકથી જોઈ હોય તેવા 10 પરીવારો ગણીએ તો 50લાખ પરીવાર સુધી આપણા આ અભિયાનની વાત પહોંચવાની છે. કોંગ્રેસ દ્વારા એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જે ફોર્મની અંદર તમામ પ્રકારની માહિતીઓ લેવામાં આવશે. મૃતકના પરિવારજનોએ તેમને કયા હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતાં. કયા કારણસર જણનું મોત થયું હતું. તેમને સુવિધાઓ મળી હતી કે, કેમ તે અંગેની માહિતી પણ એકત્રિત કરવામાં આવશે. તેમના પરિવારને વિગત તેમના સંપર્ક નંબર લેવામાં આવશે.
સરકારના અણઘડ વહીવટથી મોત થયાં
સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નૈષધ દેસાઇએ જણાવ્યું કે, કોરોના સંક્રમણ કાળ દરમિયાન સરકાર અને અનઘડ નીતિના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ઓક્સિજન ઇન્જેક્શન તેમજ અન્ય સુવિધાઓના અભાવે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોવિડ- 19 ન્યાય યાત્રા યોજના અમે તમામ એવા પરિવારનો સંપર્ક કરીશું, અને તેમને ન્યાય મળે તે માટેની લડત શરૂ કરીશું.
કોવિડ-19 ન્યાય યાત્રામાં મુખ્ય 4 માંગણીઓ
1. મૃતકના પરીવારને 4 લાખ વળતર.
2. સરકારી નોકરીમાં મૃત્યુ પામેલ હોય તો તેના ઘરમાંથી 1-સભ્યને
૩. ખાનગી હોસ્પિટલ સારવાર ખર્ચ પાછુ આપવું.
4. ગુનાહિત બેદરકારી - અણધડ વહીવટની ન્યાયિક તપાસ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.