• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Congress Rajya Sabha MP National General Secretary Mukul Wasanik Said, Modi Does Not Even Sleep At Night And If He Sleeps, He Would See Congress In His Dreams.

ભાજપ પર આકરા પ્રહાર:કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિકે કહ્યું, મોદીને રાત્રે ઊંઘ પણ નથી આવતી

સુરત10 દિવસ પહેલા
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનીક સુરતમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા

ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈ સુરતમાં ચૂંટણીનો માહોલ જબરદસ્ત ગરમાઇ રહ્યો છે. જેને લઇ તમામ રાજકીય પાર્ટીના દિગજ નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે સુરત આવી રહ્યા છે. આજે કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિક સુરત આવ્યા હતા જ્યાં પત્રકાર પરિષદ સંબોધતા તેમણે ભાજપને આડે હાથ લીધી હતી. ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદીને રાત્રે ઊંઘ પણ આવતી નથી. અને જો આવી જાય તો સપનામાં પણ માત્ર કોંગ્રેસ જ દેખાયા કરે છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિક સુરત પહોંચ્યા
સમગ્ર ગુજરાતમાં વિધાનસભા ઇલેક્શનનો ચૂંટણી પ્રચાર ધમધમાટ ચાલી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ અને રસપ્રદ જોવા મળી રહ્યું છે. વિધાનસભા ઇલેક્શનને લઈ સુરતમાં તમામ રાજકીય પાર્ટીઓ એડીચોટી નું જોર લગાવી રહી છે. જેને લઇ તમામ રાજકીય પાર્ટીના દિગજ નેતાઓ સુરત પણ આવી રહ્યા છે. આજે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનીક સુરત પહોંચ્યા છે. તેઓ કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે સુરતમાં 27 તારીખ સુધી રહેવાના છે. ત્યારે આજે મુકુલ વાંસનીક દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપ પર આકરા પ્રહાર
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનીક દ્વારા ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આજે આમ આદમી પરેશાન છે, ના માત્ર આમ આદમી પરંતુ શોષિત તથા વંચિત વર્ગ, દલિત, આદિવાસી, મહિલાઓ વગેરે તમામ ખૂબ જ પરેશાન છે. અને તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ બનતી જઈ રહી છે. દેશ અને ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના આંકડા ઓછા બતાવીને ભાજપ સુરક્ષિત રાજ્ય હોવાનો દાવો કરે છે પરંતુ તે ખરેખર ખોટું છે. એન સી આર બીની રિપોર્ટ મુજબ ગુજરાતમાં મહિલા સામે અપરાધના ટ્રાયલ કોર્ટમાં 97% કરતાં વધારે કેસ જોવા મળી રહ્યા છે. જેમાં સુરતની મહિલાઓ પણ સુરક્ષિત નથી.જે રીતના કેસો સામે આવ્યા છે અને તેનો આંકડો સામે આવ્યો છે તેમાં સૌથી વધુ કોર્ટમાં લંબાતા કેસોમાં સુરત શહેર સામેલ છે.

સુરતના સ્થાનિક મુદ્દાથી જનતા પારાવાર પરેશાન
સુરતના સ્થાનિક મુદ્દાથી લોકો પરેશાન હોવા પર કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનીકએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા અશાંતધારા કાયદાથી સ્થાનિક લોકો અને વેપારીઓ ખૂબ જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા 2017ના ઇલેક્શન સમયે ગારમેન્ટ હબ બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી. તેની પર કોઈ અમલીકરણ કરવામાં આવ્યું નથી. સુરત, અમદાવાદમાં ગારમેન્ટ હબ બનાવીને પાંચ વર્ષ સુધી ટેક્સ ફ્રીની યોજના લાગુ કરવામાં આવશે જેને લઇ રોજગાર મળવાની વાત માત્ર ચૂંટણી જાહેરાત પૂરતી જ રહી હતી. 2017માં મોદી સરકાર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે જીએસટીને સરલીકરણ બનાવવામાં આવશે પરંતુ આજ દિન સુધી જીએસટી સરાલીકરણ થયું નથી અને જીએસટીના જટિલ પ્રક્રિયાને કારણે વ્યાપારીનું નુકસાન વધી રહ્યું છે. સરકારે પાંચ કરોડના ટન ઓવર કરનાર વેપારીઓના ઇન્વોઇસ ફરજિયાત કરીને નાના વેપારીઓના વેપારને જટિલ બનાવી દીધું છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ના કર્મચારી ,સ્ટોક, કામદાર, મહિલાઓ માટે વીમા યોજના, શિક્ષા, સ્વાસ્થ્યનો લાભ આપવામાં ભાજપ સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ નીકળી છે. કેમિકલ, કોલસા વગેરે પર ભાવો અનિયંત્રિત થયા છે જેને લઇ મોંઘવારી વધી અને ટેક્સટાઇલ ઉદ્યોગને ચાલુ રાખવા વેપારીઓ જજુમી રહ્યા છે. તાપી શુદ્ધિકરણના નામ પર સુરતમાં ખાડીઓને એક કરવામાં આવી રહી છે.જેને લઇ દર વર્ષે અહીં પૂરની સ્થિતિ સર્જાય છે. જેને લઇ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડે છે.

મોદીને સપનામાં પણ કોંગ્રેસ દેખાય છે
​​​​​​​
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. અને કેન્દ્રમાં છેલ્લા આઠ વર્ષથી ભાજપ સરકાર બની છે. તેમ છતાં હજુ પણ કોંગ્રેસ ઉપર જ દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. દેશના પ્રધાનમંત્રી જાહેર સભાઓમાં હજુ પણ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના કારણે આપણે ભોગવવાનું આવી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં 27 વર્ષનું તમારું શાસન હોય અને કેન્દ્રમાં આઠ વર્ષથી તમારી સરકાર હોય તેમ છતાં જો તમે કાંઈ જ કરી શક્યા ન હોય તો એ ભાજપ માટે ખૂબ જ નિંદનીય ઘટના કહેવાય. જો કોંગ્રેસે જ યોગ્ય કર્યું ના હોય તો તમે 27 વર્ષથી ગુજરાતમાં છો તો શું કર્યું? આ સવાલ આજે જનતા પૂછી રહી છે. મને તો એવું લાગે છે કે મોદીને રાતે ઊંઘ પણ આવતી હશે નહીં. અને જો ઊંઘ આવતી હશે તો સપનામાં પણ માત્ર કોંગ્રેસ જ દેખાતી હશે. આ વખતે ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને ભાજપ ની 27 વર્ષની સરકાર આ વખતે પરાજયનો સામનો કરશે.

અન્ય સમાચારો પણ છે...