ગુજરાતના જંગમાં પ્રથમવાર રાહુલ ગાંધી:રાજકોટમાં કહ્યું- મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કર્યા, પણ જવાબદારોનો ભાજપ સાથે સારો સંબંધ, એટલે કંઈ નહીં થાય

રાજકોટ7 દિવસ પહેલા
  • હિન્દી ભાષણનો અનુવાદ કરવા પહેલાં ભરતસિંહને ઊભા કર્યા, પછી બેસાડી દીધા

સુરત બાદ રાહુલ ગાંધી રાજકોટ સભા સંબોધવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ સભાસ્થળ શાસ્ત્રી મેદાન ખાતે આવતા લોકોનું અભિવાદન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે મૌન પાળીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાદમાં આપમાં આંટો મારી આવેલા અને રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરમાં રાહુલ ગાંધીની માફી માગી હતી. રાહુલ ગાંધીએ સભામાં જણાવ્યું હતું કે, અહીં મોરબીમાં દુર્ઘટના બની તે સમયે પત્રકારોએ મને કહ્યું કે તમે શું વિચારો છો. તો મેં કહ્યું 150 લોકોનાં મૃત્યુ થયા તેમાં રાજનીતિ નહીં કરું. મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા, પણ જવાબદારો સામે કાંઈ નહીં, પણ આજે સવાલ જરૂર થાય છે. ભાજપ સાથે સારો સંબંધ છે એટલે કંઈ નહીં થાય

ખેડૂતોનું દેણું માફ થતું નથી
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો કહે છે કે રાહુલજી વાત સમજમાં આવતી નથી. દેશના ત્રણ-ચાર અબજોપતિ બિઝનેસમેન લાખો રૂપિયાની લોન લે છે અને માફ થઈ જાય છે. અમે તો 50 હજાર કે 1 લાખ રૂપિયાની લોન લઈએ છીએ તો આપણી લોન કેમ માફ થતી નથી. ખેડૂતો ધિરાણ ન ભરે તો તેને ડિફોલ્ટર જાહેર કરાય છે. પ્રધાનમંત્રી વીમા યોજનામાં પૈસા નાખે છે. પાક નિષ્ફળ જાય છતાં એક રૂપિયો મળતો નથી. આ બધું સાંભળીને ઘણું દુઃખ થાય છે.

રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા.
રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા.

આજે બે ભારત બની રહ્યાં છે
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે બે ભારત બની રહ્યાં છે. એક ગરીબોનું અને એક અમીરોનું. અમારે એક ભારત બનાવવું છે માટે ભારત જોડો યાત્રા કરી રહ્યા છીએ. અમારે બે ભારત નથી જોઇતાં. ગુજરાતના મહાત્મા ગાંધી અને સરદાર પટેલે રસ્તો દેખાડ્યો છે. ભારતના બે-ત્રણ અરબપતિ ઉદ્યોગપતિ જે કરવા માગે તે કરી શકે છે. દરેક ક્ષેત્રે જવા માટે ભાજપ એને મદદ કરે છે. યુવાનોને રોજગારી મળતી નથી. 45 વર્ષમાં આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં જોવા મળી રહી છે. સરકારમાં લાખો જગ્યા ખાલી છે પણ ભરતી કરવામાં આવતી નથી. મોંઘવારી-બેરોજગારી બધું ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો સહન કરે છે.

રાહુલ ગાંધીની સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા.
રાહુલ ગાંધીની સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા.

આજે એન્જિનિયર-ડોક્ટરો પિઝા ડિલિવરી કરે છે
ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી શ્રીનગર સુધી જશે અને ત્યાં તિરંગો લહેરાવીશું. 120 દિવસ જેટલો સમય લાગશે. યાત્રામાં યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ, મજૂરો સાથે વાત થઈ રહી છે. આ લોકો અમને બહુ જ પ્રેમ આપી રહ્યા છે. બધી જગ્યાએ લાખો લોકો આવી રહ્યા છે. રોજ સવારે 5 વાગ્યે લોકો આવે છે અને 6 વાગ્યે યાત્રા શરૂ કરીએ છીએ અને રાત્રે 8 વાગ્યે યાત્રા પૂરી કરીએ છીએ. પરંતુ અમને થાક લાગતો નથી. દુઃખ એ વાતનું છે કે, યાત્રા ગુજરાતની નથી. હજારો યુવાનો સાથે મેં વાત કરી છે. પોતાનાં સપનાં વિશે બતાવે છે. કોઈ કહે છે ડોક્ટર-એન્જિનિયર બનવું હતું પણ આજે મજૂરી કરીએ છીએ. પિઝા ડિલિવરી કરવા પડે છે.

મોરબી દુર્ઘટનાને લઈ રાહુલ ગાંધીએ દિવંગતોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળ્યું.
મોરબી દુર્ઘટનાને લઈ રાહુલ ગાંધીએ દિવંગતોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળ્યું.

નોટબંધી કરતા MSME ઉદ્યોગો બંધ થયા
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રામાં ભારતના મજૂરો 2000 કિલોમીટર ભૂખ્યા ચાલ્યા હતા, હું ચાલ્યો કોઈ મોટી વાત નથી. કોરોના સમયે મજૂરોને જરૂર હતી ત્યારે સરકારે તેની મદદ કરી નહોતી. કોરોનામાં અરબપતિઓનાં દેવાં માફ કર્યાં છે. મજૂરો અને મધ્યમ વર્ગની મદદ કરી નથી. ગુજરાતના નાના ઉદ્યોગો અને MSME ઉદ્યોગો રોજગારી આપે છે. સરકારે નોટબંધી કરી કાળું ધન પકડીશું તેવું કહ્યું પણ કશું થયું નહીં અને MSME ઉદ્યોગો બંધ થયા.

હું ભટકી ગયો હતોઃ ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માગતાં જણાવ્યું હતું કે, રાહુલજી સ્ટેજ પરથી લોકો સમક્ષ હું માફી માગુ છું. હું તમારી માફી માગું છું, વર્ષોથી મારી પેઢી કોંગ્રેસ સાથે હતી, વચ્ચે હું આમ આદમી પાર્ટીમાં ચાલ્યો ગયો હતો. ત્યાં જઈ ખબર પડી કે તે કટ્ટર ઇમાનદાર નથી, તેઓ કટ્ટર ભ્રષ્ટાચારી છે. તેઓ કટ્ટર દેશભક્ત નથી પણ દેશવિરોધી છે. હું ભટકી ગયો હતો.

રાજકોટની સભામાં તડકામાં પણ જનમેદની ઊમટી.
રાજકોટની સભામાં તડકામાં પણ જનમેદની ઊમટી.

સુરતના મહુવામાં રાહુલ ગાંધીની સભા યોજાઇ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું ત્યારેથી કોંગ્રેસના એક્શનની રાહ જોવાઇ રહી હતી.જો કે કોંગ્રેસ સાઇલન્ટ મોડમાં કામ કરતી હોય તે પ્રકારની ચર્ચાઓ થતી હતી. કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતાઓ ચૂંટણીના જંગમાં ખાસ દેખાતા નહોતા. ત્યારે હવે ચૂંટણીને 10 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની જંગમાં પ્રથમ વાર દેખાયા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું હતું. સભામાં રાહુલનું અડધે સુધી ભાષણ ભરતસિંહે અનુવાદ કર્યું હતું.

રાજકોટની સભામાં તમામ ખુરશીઓ લોકોથી ભરાઇ ગઈ.
રાજકોટની સભામાં તમામ ખુરશીઓ લોકોથી ભરાઇ ગઈ.

ભાજપ આદિવાસી સાથે અન્યાય કરે છે
આ દેશ તમારી પાસે લેવામાં આવ્યો છે. બી.જે.પી ના લોકો તમને આદિવાસી નથી કહેતા તેઓ તમને વનવાસી કહે છે. મતલબ એ તમે જંગલમાં રહેવાવાળા છો એમ કહે છે. એ નથી ઈચ્છતા કે તમે પ્રગતિ કરો. તમારાં બાળકો શહેરોમાં રહે. ભણે અને આગળ વધે. તમે માત્ર જંગલમાં રહો તેવો વિચાર ભાજપ વિચારે છે. જંગલ ભાજપ ઉદ્યોગપતિઓને આપી દેશે. ત્યાર પછી તમારા માટે જંગલમાં પણ જગ્યા નહિ રહેશે. માત્ર 2 કે 3 ઉદ્યોગપતિઓ જ આખું જંગલ લઈ લેશે. તમારા હકો ભાજપ છીનવવા માંગે છે. તમે વનવાસી નથી તમે આદિવાસી છો. આ દેશ તમારો છે. તમારી જમીન અને જંગલ પાછાં આપવા માટે બીજેપીની સરકારે કાનૂન લાગુ ન કર્યો. આ ફરક છે તેઓમાં અને અમારામાં.અમે શિક્ષા આપી એમણે નહીં.

રાજકોટમાં સભામાં આવેલા લોકોનાં ટોળાં મેદાન બહાર પણ જોવા મળ્યાં.
રાજકોટમાં સભામાં આવેલા લોકોનાં ટોળાં મેદાન બહાર પણ જોવા મળ્યાં.

બીજેપી એટલે વનવાસી
તમારી પાસે ઓપ્શન છે કોંગ્રેસ આદિવાસી અને ભાજપ વનવાસી. એક તરફ સુખ છે. બીજી તરફ દુઃખ છે. અમે તમારાં સપનાં પૂર્ણ કરીશું. શિક્ષણ, રોજગારી, સ્વાસ્થ્ય આપીશું. અમે તમારો ઈતિહાસ, જીવવાના હકની રક્ષા કરીશું. આજે મોટી મોટી કોન્ફરન્સ થાય છે. એન્વાયરમેન્ટની વાત થાય છે. આ નેતાઓ કરતાં મારા આદિવાસી ભાઈઓ તમને બધું શીખવી શકે છે. અમે પગમાં ફોલ્લા પડે તો પણ તમારી વાત સાંભળવા પદયાત્રા યોજીએ છીએ. પરંતુ એ લોકો તો હવામાં ઊડી રહ્યા છે.

કોરોનામાં કોઈ મદદ ન મળી
રાહુલે કહ્યું કે, ગઈકાલે યાત્રામાં રામ નામનો યુવાન મળ્યો, જે યુવાન મને મળીને રડી પડ્યો હતો. તેણે કહ્યું, કોરોનામાં મારું આખું કુટુંબ ચાલ્યું ગયું. આ દુનિયામાં મારું કોઈ નથી. હોસ્પિટલમાં ડોક્ટરો સામે હાથ જોડ્યા. પરંતુ તેઓએ મારા પરિવારને બચાવ્યું નથી. હું બેરોજગાર છું. મને કોઈ રસ્તો નથી દેખાતો. આજે મને કોઈ રસ્તો નથી દેખાતો. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવે છે. અમને પૂછ્યા વગર જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે.અમારી જમીનના પૈસા આપ્યા વિના અમારી મા એવી જમીનને મફતમાં આપી દેવામાં આવે છે.

રાજકોટની સભામાં લોકોનો મેળાવડો.
રાજકોટની સભામાં લોકોનો મેળાવડો.

આદિવાસી સાથે અમારો જૂનો સંબંધ
આદિવાસીઓની સાથે મારો અને મારા પરિવારનો જૂનો સબંધ છે. હું નાનો હતો ત્યારે મારા દાદી ઈન્દિરાએ એક ચોપડી આપી હતી. જે મને સૌથી વધુ પ્રિય હતી. જેમાં ફોટો હતો. મને આદિવાસી વિષે વધુ ખબર નહોતી. એક આદિવાસી બાળકના પુસ્તકમાં બધા ફોટા જંગલ વિષે અને એ બાળકના જીવવા વિષે હતું. હું દાદી સાથે આ પુસ્તક વાંચતો. દાદી મને સમજાવતી હતી. એક દિવસ મેં પૂછ્યું દાદી, આ પુસ્તક બહુ ગમે છે. તેણીએ કહ્યું આ પુસ્તક આપણા આદિવાસી વિષે છે. આ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે. પછી કહ્યું હિન્દુસ્તાનને સમજવું હોય તો આદિવાસીઓનાં જીવન, તેમનો સંબંધ જળ, જંગલ અને જમીનને સમજો..તેણીએ આદિવાસી શબ્દપ્રયોગ કર્યો મતલબ સૌથી પહેલાં અહિં રહેતા હતા.

યાત્રામાં દેશવાસીઓનું દુઃખ સામે આવ્યું
લોકોના પગમાં છાલા પડી ગયા અને 2 લોકો સ્વર્ગધામ ગયા છતાં આ યાત્રા ચાલુ છે. હું આજે ગુજરાત આવ્યો અને રસ્તો ગુજરાતના ગાંધીજીએ દિશા આપી હતી. ભારત જોડોનું કામ ગુજરાતના ગાંધીજીએ આપ્યું હતું. આ છે ગુજરાતના સંસ્કાર. યાત્રામાં આનંદ છે. પરંતુ દુઃખ પણ છે. દુઃખ શા માટે? ભારત જોડાય છે. હિંસા નથી તો શેનું દુઃખ. યાત્રામાં સૌ સહકારથી ચાલે છે. ખેડૂતો સાથે, આદિવાસી અને યુવાનોને મળીને દુઃખ થાય છે. ખેડૂતોને વીમો,પોષણક્ષમ ભાવ,દેવું માફ નથી થતું. યુવાનો બેરોજગાર છે. ભણેલો યુવાન આજે મજૂરી કરે છે.

ભારત જોડા યાત્રા પર નીકળ્યા છીએ
કાશમીરથી કન્યાકુમારીની યાત્રા પર નીકળ્યા છે. બે હજાર કિલોમીટર ચાલી લીધું છે. હવે 1500 કિમી ચાલવાનું બાકી છે. જેમાં લાખો બેરોજગાર, માતા, બહેનો, દલિતો, અલ્પસંખ્યક સહિતના ખેડૂતો સહિતના લોકો ચાલી રહ્યાં છે. સવારે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવેલી યાત્રા સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહે છે. તમારો ધર્મ શું છે. તમારી જાતિ શું છે કે ભાષા અમે પૂછ્યું નથી. આખો સમુદાય મારી સાથે છે. કોઈ પડી જાય અને વાગ્યું હોઈ તો તરત અમે ભેગા થઈને લઈ જઈએ છે. આ લાગણી અને કરુણાની યાત્રા છે.

આદિવાસી મતદારો અને કોંગ્રેસના કાર્યકરો સભામાં હાજર રહ્યા હતા.
આદિવાસી મતદારો અને કોંગ્રેસના કાર્યકરો સભામાં હાજર રહ્યા હતા.

મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આજે પ્રચારમાં જોડાયા છે ત્યારે રાહુલ ગાંધી આજે પાંચ કાકડા ગામે જાહેરસભામાં પહોંચી રહ્યા છે. ત્યારે આ સભામાં સુરત જિલ્લાના, નવસારી જિલ્લાના અને ડાંગના ઉમેદવારો માટે તેઓ મત માગી રહ્યા છે. રાહુલ ગાંધીને સાંભળવા માટે મોટી સંખ્યામાં જંગી મેદની ઊમટી પડી છે. તેઓ કોંગ્રેસના ખેસ, ટોપી તથા ઝંડાઓ સાથે જોવા મળી રહ્યા છે.

રાહુલ ગાંધી પગપાળા ચાલીને સ્ટેજ પર પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી પગપાળા ચાલીને સ્ટેજ પર પહોંચ્યા હતા.

આદિવાસી નૃત્ય સાથે સ્વાગત
દક્ષિણ ગુજરાતના પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના મહુવાના અનવલના પાંચ કાકડા ગામે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી જાહેસભાને સંબોધન કરવા પહોંચ્યા છે. ત્યારે આદિવાસી યુવકો દ્વારા અલગ અલગ નૃત્ય કરવામાં આવ્યાં છે.

મતદારો ખરા તડકામાં રાહુલ ગાંધીને સાંભળવા માટે આવ્યા હતા.
મતદારો ખરા તડકામાં રાહુલ ગાંધીને સાંભળવા માટે આવ્યા હતા.

પદયાત્રામાંથી આવ્યા
રાહુલ ગાંધી દ્વારા હાલ ભારત જોડા પદયાત્રા યોજવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ગુજરાતની ચૂંટણી હોવાથી રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત પર પોતાનું વિશેષ ધ્યાન હોવાથી આજે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને તેઓ ગુજરાતમાં મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીના સ્વાગતમાં આદિવાસી પરંપરાગત નૃત્ય કરવામાં આવ્યાં હતાં.
રાહુલ ગાંધીના સ્વાગતમાં આદિવાસી પરંપરાગત નૃત્ય કરવામાં આવ્યાં હતાં.

આદિવાસી પટ્ટામાં વિશેષ ધ્યાન
ગુજરાતમાં આદિવાસી મતદારો કોંગ્રેસના પરંપરાગત મતદારો રહ્યા છે. ત્યારે આદિવાસી મતદારોને રીઝવવા માટે રાહુલ ગાંધીની સભા સુરતના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી અને મહુવા તથા આસપાસના વિસ્તારોને જોડીને યોજવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...