ગુજરાતના વિધાનસભાની ચૂંટણી પૂર્વે હવે રાજકીય ગરમાવો આવવાનો શરુ થઇ ગયો છે. વિશેષ કરીને સૌ કોઈની નજર છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ ભાજપ તરફેણમાં રહે છે કે કોંગ્રેસ તરફેણમાં રહે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે. કોંગ્રેસના નેતાઓએ આજે સુરત ખાતે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ઓફિસમાં બેઠક કરી હતી. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ભાજપ અમારી માગ પૂરી નહીં કરે તો ભાજપના વિરોધમાં મતદાન કેવી રીતે કરાવવું અને ચૂંટણીમાં કેવી રીતે હરાવવા તેની રણનીતિ નક્કી કરીશું. જોકે, હજી સુધી કોંગ્રેસમાં જોડાવાને લઈને પણ કોઈ નિર્ણય નથી લીધો અને ભારતીય જનતા પાર્ટીને પણ સમર્થન આપવા માટેનો નિર્ણય લીધો નથી.
પાસનું કોંગ્રેસને સમર્થન મળે તો ભાજપ માટે પડકાર
સુરત ખાતે આજે કોંગ્રેસના કેટલાક નેતાઓ પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા સાથે બેઠક કરી હતી. જેમાં લલિત વસોયા, લલિત કથાગરા, પ્રવિણ દુધાત સહિતના નેતાઓએ અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસો શરૂ કરાયા છે. કોંગ્રેસના નેતાઓએ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે તમારા જેવા યુવાનોની રાજકારણમાં જરૂરિયાત છે અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ અલ્પેશ કથેરિયા કોંગ્રેસમાં આવે તો તેમને મહત્વની જવાબદારી સોંપવા સુધીની ઓફર કરવામાં આવી છે. હાલ વિધાનસભાની ચૂંટણીમાં જો પાસનું સમર્થન કોંગ્રેસને મળી જાય તો સ્વાભાવિક રીતે જ ભાજપ માટે નવો પડકાર ઊભો થઈ શકે છે.
પાટીદારો સામેના કેસ પરત ન ખેંચાતા નારાજગી
પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર યુવાનો ઉપર અનેક કેસો નોંધાયા છે જે હજી સુધી પરત ખેંચાયા નથી. જ્યારે પણ પાસ દ્વારા આ તમામ કેસો પરત ખેંચવા માટે માગ કરવામાં આવે છે ત્યારે તેમને ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી દ્વારા આશ્વાસન આપી દેવામાં આવે છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કેટલાક કેસો ખેંચાયા હતાં પરંતુ તમામ કેસો ખેંચી લેવાની પાસની માગ છે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ્યારે મુખ્યમંત્રી દુબઈ જવાના હતા ત્યારે તેમણે કહ્યું હતું કે દુબઈથી પરત આવ્યા બાદ તેઓ તમામ કેસ પરત ખેંચી લેવા માટે મહત્વનો નિર્ણય લઈ શકે છે પરંતુ પાટીદાર યુવકો સામે થયેલા કેસ હજી સુધી પરત ખેંચાયા નથી. જેને કારણે હવે રાજકીય માહોલમાં પાસ પણ પોતાનું હિત સાધી લેવા માટે તત્પર થયું છે.
આમ આદમીના કોર્પોરેટર ચૂંટાવામાં પાસનું સમર્થન
સુરત પાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો છે તેની પાછળ પાસનું સમર્થન છે. કોર્પોરેશનની ચૂંટણીમાં વરાછા, કાપોદ્રા, કતારગામ સહિતના વિસ્તારોમાં જે કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા છે એ તમામ પાસના સમર્થનને કારણે ચૂંટાયા છે તેવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
કેસો પરત ખેંચવા સહિતની બે મુખ્ય માગ પૂરી કરવામાં આવી નથી
અલ્પેશ કથેરિયાએ દિવ્યભાસ્કર સાથે કરેલી મહત્વની વાતચીતમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર હોવા છતાં અમે વારંવાર રજૂઆત કરી છે અને માગ કરી છે છતાં પણ અમારી માગ પૂરી કરવામાં આવી રહી નથી. અમારી મહત્વની બે જ માગો છે પાટીદાર યુવકો સામે દાખલ કરવામાં આવેલા તમામ કેસ પરત ખેંચી લેવામાં આવે અને જેટલા પણ શહીદ થયા છે તેમના પરિવારોને સરકારી નોકરી આપવામાં આવે એ પ્રકારની અમારી માગ છે. દર વખતે ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રી દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. કોઈ નક્કર પગલા લેવાઈ રહ્યા નથી અને તેના કારણે હવે તેમને આપેલા આશ્વાસન ઉપર પણ અમને શંકા થઇ રહી છે. એક તરફ સતત સરકાર તમારી સાથે છે, અમે તમારા પ્રત્યે ખુબ જ લાગણી રાખે છે, તમારા તમામ કેસો પરત ખેંચી લેવા માટેનો અમે વિચારી રહ્યા છે આ પ્રકારની વાતો તેમના તરફથી કહેવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તેને અમલમાં મુકવામાં આવી નથી.
ભાજપ સરકાર જો તમારી માગ પૂરી નહીં કરે તો શું કરશો?
અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારી પાસે માત્રને માત્ર એક જ વિકલ્પ રહેશે અને તે છે ભારતીય જનતા પાર્ટીને સત્તા પરથી દૂર કરવાનો. અમારી માગ નહીં પૂરી થાય તો ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં કેવી રીતે મતદાન કરવું તેમને રાજકીય રીતે કેટલું નુકસાન પહોંચાડવું તે બાબતની અમે વ્યૂહરચના તૈયાર કરીશું. જે રીતે કોર્પોરેશનના ઇલેક્શનની અંદર અમે તેમને નુકસાન પહોંચાડ્યું છે એવી જ રીતે વિધાનસભાના ઇલેક્શનમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રહીને પણ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે અમે તમામ પ્રયાસો કરીશું.
કોંગ્રેસના નેતાઓ સાથે થયેલી બેઠકમાં કયા પ્રકારની વાતચીત થઈ?
આજે કોંગ્રેસના કેટલાક નેતાઓ અને ધારાસભ્યો સાથે અમારી બેઠક થઈ છે તેઓ મને મળવા માટે આવ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું છે. આમ તો આજની આ બેઠક કોઈ રાજકીય ન હતી પરંતુ કોંગ્રેસના નેતાઓ દ્વારા અને ધારાસભ્યો દ્વારા અમારા રાજકીય વિષયો ઉપર ખૂબ વિસ્તૃત વાતચીત થઇ છે. મને કહેતા આનંદ થાય છે કે તેમણે મને અને અમારા પાસના હોદ્દેદારોને કોંગ્રેસ તરફ આવવા માટેનું ખુલ્લું આમંત્રણ પણ આપ્યું છે. અમારા જ સમાજના કોંગ્રેસના ધારાસભ્યો પણ ઈચ્છી રહ્યા છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ કોંગ્રેસને સમર્થન આપે.
તમે શું વિચારી રહ્યા છો, કોંગ્રેસ તરફ તમે જવાનું પસંદ કરશો?
અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે હું પોતે વ્યક્તિગત રીતે કોઈ રાજકીય પક્ષમાં જોડાવાનો છું એવું કહેવા માટે આ સમય યોગ્ય નથી. પરંતુ સ્વાભાવિક છે કે અમારી વર્ષોથી જે માગ છે તે સત્તાપક્ષ છે તે સ્વીકારી રહ્યું નથી. અમારા આંદોલનથી લઈને આજદિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે અને સ્પષ્ટપણે કહી શકો છો કે આ સરકાર અમારી માગણી સ્વીકારવા માટે રસ દાખવી રહી હોય તેવું લાગતું નથી. ત્યારે બીજી પાર્ટી જ શાસન ઉપર આવશે તે અમારી વાત સ્વીકારશે કે કેમ તે અમને ખબર નથી પરંતુ હાલમાં જે પાર્ટી સત્તા પર છે તે જો ન સ્વીકારે તો અન્ય કોઈની પાસે અપેક્ષા રાખવી પડે એ ખૂબ સહજ વાત છે.
આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોઈ મોટી જાહેરાત કરી શકો છો ખરા?
અલ્પેશ કથેરિયા કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં સ્વભાવિક રીતે દરેક પક્ષ યુવાનોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયાસો કરશે. સ્વાભાવિક રીતે જ કોંગ્રેસમાં પણ અમારા સમાજના ઘણા બધા ધારાસભ્યો અને સંગઠનમાં નેતાઓ પણ છે કે જેવો ઈચ્છે છે કે પોતાના સમાજના યુવકો પોતાના તરફ આવે. અમે તેમની લાગણી અને માગણીને માન આપી રહ્યા છે પરંતુ હજી સુધી અમે કોંગ્રેસમાં જોડાવાને લઈને પણ કોઈ નિર્ણય નથી લીધો અને ભારતીય જનતા પાર્ટીને પણ સમર્થન આપવા માટેનો નિર્ણય લીધો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.