તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Congress In Surat Also In 1995 Muni. The Account Could Not Be Opened In The Election, This Time Too The Account Was Ruined

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ 26 વર્ષ પાછી ધકેલાઈ:સુરતમાં કોંગ્રેસ 1995માં પણ મ્યુનિ. ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નહોતી, આ વખતે પણ નામું નંખાઈ ગયું

સુરત4 દિવસ પહેલાલેખક: મયંક વ્યાસ
  • કૉપી લિંક
કોંગ્રેસનો કરુણ રકાસ થઈ જતાં બાબુ રાયકાએ શહેર પ્રમુખપદેથી રાજીનામું ધરી દઈ હારની જવાબદારી સ્વીકારી હતી. - Divya Bhaskar
કોંગ્રેસનો કરુણ રકાસ થઈ જતાં બાબુ રાયકાએ શહેર પ્રમુખપદેથી રાજીનામું ધરી દઈ હારની જવાબદારી સ્વીકારી હતી.
  • બાબરી વિધ્વંસના જવરને લીધે 1995ની ચૂંટણીમાં સુરત મ્યુનિ.માં ભાજપ 99માંથી 98 બેઠક જીત્યો હતો, 1 અપક્ષને મળી હતી
  • 2000ની મ્યુનિ. ચૂંટણીમાં ભાજપ સામે અસંતોષ હોવા છતાં કોંગ્રેસ નિષ્ફળ રહી, 23 ઉમેદવારોનાં તો ફોર્મ રદ થયાં હતાં

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ફરી ભાજપ 93 બેઠક જીતીને સત્તા પર આવ્યો છે, પરંતુ આ ચૂંટણીનાં પરિણામોમાં સૌથી ચોંકાવનારું પરિબળ કોંગ્રેસનો કરુણ રકાસ અને આમ આદમી પાર્ટીને મળેલી 27 બેઠકો છે. આ ચૂંટણીએ સુરતમાં કોંગ્રેસનું રીતસર નામું નાંખી દીધું છે અને કોંગ્રેસને 26 વર્ષ પાછળ ધકેલી દીધી છે. અગાઉ સુરતમાં કોંગ્રેસની આટલી કારમી સ્થિતિ 1995ની મ્યુનિ. ચૂંટણીમાં થઈ હતી, જ્યારે બાબરી મસ્જિદના જવરને પગલે કોંગ્રેસને 99માંથી એકેય બેઠક મળી નહોતી. એ ચૂંટણીમાં ભાજપનો 98 બેઠક પર વિજય થયો હતો અને બાકીની એક બેઠક પણ અપક્ષના ફાળે ગઈ હતી.

ભાજપી નેતાઓએ જીતનો જશ્ન મનાવ્યો હતો.
ભાજપી નેતાઓએ જીતનો જશ્ન મનાવ્યો હતો.

બાબરી વિધ્વંસના જવરને પગલે કોંગ્રેસનું 1995માં ખાતું ખૂલ્યું નહોતું
કોંગ્રેસની સુરતમાં કરમ-કઠણાઈની વાત કરીએ તો 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ થયો એનાં ત્રણ વર્ષ બાદ 1995માં શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના બધા ઉમેદવારો હારી ગયા હતા અને 50થી વધુ ઉમેદવારોની તો ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હતી. બસ તે વખતથી સુરતમાં કોંગ્રેસનો સત્તામાંથી વનવાસ શરૂ થઈ ગયો અને આજે 26 વર્ષે ફરી એવી પરિસ્થિતિ થઈ છે કે સુરતમાં કોંગ્રેસનું સાવ નામું જ નંખાઈ ગયું છે.

ભાજપના કાર્યકરોએ મતગણતરી કેન્દ્ર પર વિજયોત્સવ મનાવ્યો હતો.
ભાજપના કાર્યકરોએ મતગણતરી કેન્દ્ર પર વિજયોત્સવ મનાવ્યો હતો.

લાગલગાટ 4 ચૂંટણીમાં તકો મળી, પણ કોંગ્રેસે મહેનત જ ન કરી
કહેવાય છે કે રાજકારણમાં કશું કાયમી નથી હોતું, પરંતુ આ કથન સુરતમાં કોંગ્રેસ માટે કદી સાર્થક થઈ શક્યું નથી. 1995ની ચૂંટણીમાં કરુણ રકાસ થયો એ પછી વર્ષ 2000, 2005, 2010 અને છેલ્લે 2015ની 4 મ્યુનિ. ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસને દેખાવ સુધારવાની તક હતી. એમાં પણ 2000ની ચૂંટણીમાં તો ભાજપ પ્રત્યે ભારોભાર નારાજગી હતી. આમ છતાં એ ચૂંટણીમાં ભાજપને 59, કોંગ્રેસને 25 તથા અપક્ષો-અન્યોને 15 સીટ મળી હતી. એ ચૂંટણીમાં કોંગ્રેસના 23 ઉમેદવારનાં ફોર્મ રદ થવાનો મોટો વિવાદ થયો હતો.

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની હારનો લાભ પોતાના પક્ષે કર્યો હતો.
આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની હારનો લાભ પોતાના પક્ષે કર્યો હતો.

મોદી મુખ્યમંત્રી બન્યા એ પછી તો સુરતમાં કોંગ્રેસનો સૂરજ જ આથમી ગયો
નરેન્દ્ર મોદી રાજકીય સોગઠાબાજીમાં ગજબની કુનેહ ધરાવે છે અને તેમણે 2005ની ચૂંટણીમાં સુરતમાં આ બાબત પુરવાર કરી દેખાડી હતી. સુરતમાં ભાજપના કોર્પોરેટરો પ્રત્યે નારાજગીનો માહોલ જોતાં મોદીએ 2005માં નો-રિપીટ થિયરી અપનાવી હતી અને એને કારણે સુરતમાં નવી નેતાગીરીનો ઉદય થયો હતો. સુરતની જનતાને પણ આ થિયરી એટલી પસંદ આવી કે ભાજપે ફરી 90 સીટ કબજે કરી હતી.

ભાજપે પોતાના દબદબો પાલિકા પર જાળવી રાખ્યો છે.
ભાજપે પોતાના દબદબો પાલિકા પર જાળવી રાખ્યો છે.

આ વખતે પાટીદારોમાં ભારોભારનો આક્રોશ હાર્દિક પારખી ન શક્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરીને સુરતમાં પાટીદારોમાં ભાજપ પ્રત્યેના આક્રોશને એન્કેશ કરવાનો વ્યૂહ સદંતર નિષ્ફળ રહ્યો હતો. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીનું સુરતમાં કોઈ માનતું નથી અને પાટીદાર આંદોલન સમિતિના (પાસ) નેતાઓને ટિકિટ આપવાની આખી ફોર્મ્યુલાને હાર્દિકે ડિરેલ કરી દીધી. પરિણામ એ આવ્યું કે આમ આદમી પાર્ટીએ (આપ) આ તકનો લાભ લઈને પાટીદારોને ટિકિટ આપી અને આપે બરાબરનું ઝાડું ફેરવી દીધું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો