સુરત પૂર્વ બેઠકના હાઇવોલ્ટેજ ડ્રામામાં નવો વળાંક:કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાએ AAP પાસે ખુલ્લુ સમર્થન માંગ્યું, કહ્યું: 'ભાજપને ઈંટનો જવાબ પથ્થરથી આપીશું'

સુરત3 મહિનો પહેલા
સુરત પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલા

સુરતની પૂર્વ બેઠક પર એક પછી એક જબરજસ્ત ડ્રામા સામે આવી રહ્યા છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણ વચ્ચે રોમાંચક જંગ જામવા જઈ રહ્યો હતો. પરંતુ, તે પહેલા જ AAPના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવાતા આ બેઠક પર જબરજસ્ત ડ્રામા શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટી અને સુરત પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અસલમ સાયકલવાલા દ્વારા આ સમગ્ર ખેલ ભાજપ દ્વારા રચાયો હોવાનું આરોપ લગાવાઈ રહ્યા છે, ત્યારે હવે સુરત પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર મેદાને આવ્યા છે અને આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં નવો વળાંક લઈ નવી રજૂઆત લઈને સામે આવ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર અસલમ સાયકલવાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, આમ આદમી પાર્ટી પાસે સુરત પૂર્વમાંથી પોતાને સમર્થન કરવા રજૂઆત કરી છે.

ઇંટનો જવાબ પથ્થરથી આપવા આપનું સમર્થન માગ્યું
આમ આદમી પાર્ટીના સુરત પૂર્વના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પરત ખેંચી લેતા જ આ બેઠક પર જોવા મળી રહેલો ત્રિપાખીયો જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચેનો થઈ ગયો છે. કંચન જરીવાલાએ જે રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું અને જે પ્રકારના હાઈ વૉલ્ટેજ ડ્રામા આજે વહેલી સવારથી જોવા મળ્યો છે. તેને લઈ આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલ વાળાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા તેના મળતીયાઓ અને ગુંડા તત્વો દ્વારા AAPના ઉમેદવાર કંચન જરીવાલાને પ્રલોભનો અને ધાક ધમકી આપી દબાણ ઊભું કરીને તેની પાસેથી આ ફોર્મ પરત ખેચાવ્યું છે. આ સમગ્ર ખેલ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ઇશારા પર થયો છે. જેને લઈને આમ આદમી પાર્ટીને જો ઇંટનો જવાબ પથ્થરથી આપવો હોય તો કોંગ્રેસનો હું મજબૂત ઉમેદવાર છું અને તેઓ મને ખુલીને સમર્થન કરશે તો ચોક્કસથી ભાજપને તેનો વળતો જવાબ મળી જશે.

કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેચ્યું.
કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેચ્યું.

શા માટે કંચન જરીવાલા પાસે ફોર્મ પર ખેંચાવ્યું ?
સુરત પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા અને ભાજપના ઉમેદવાર અરવિંદ રાણા એક જ સમાજના છે. જેને લઈને તેમના સમાજમાંથી મળતા મતોનું વિભાજન થઈ જઈ શકે છે. તે ઉપરાંત અરવિંદ રાણાએ તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન એવા કોઈ કાર્યો કર્યા નથી, જેને લઈને તેના સમાજમાં તેને લોકો મત આપે. જેથી કંચન જરીવાલા પર દબાણ ઊભો કરાવીને ઉમેદવારી પરત ખેંચાવી છે.

ભાજપને વળતો જવાબ આપવાનો મોટો મોકો છે
સુરત પૂર્વ બેઠકના આપના ઉમેદવાર સામે રચાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ જે રીતે આપના ઉમેદવારે અચાનક ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે, જેને લઈને અસલમ સાયકલવાલા ખુલીને મેદાને આવ્યા છે. આમ આદમી પાર્ટી ભલે કોંગ્રેસની વિરોધી પાર્ટી છે, પરંતુ, તેમ છતાં તેના ઉમેદવાર સાથે જે પ્રકારે દબાણ ઊભું કરીને ફોર્મ પરત ખેંચાવી આમ આદમી પાર્ટી સાથે જે કૃત્ય ભાજપે કર્યું છે, તેનો વળતો જવાબ આપવા માટેનો એક જ મોટો મોકો એ પોતાને માની રહ્યા છે.

ફોર્મ પરચત ખેંચવા જતા સમયે ધક્કામુકી થઈ હતી.
ફોર્મ પરચત ખેંચવા જતા સમયે ધક્કામુકી થઈ હતી.

સાયકલવાળાએ AAPના નેતાઓ પાસે સમર્થન માંગ્યું
આપના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું ને તુરંત જ અસલમ સાયકલવાલાએ ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ, સંદીપ પાઠક, ગુલાબ યાદવ, ગોપાલ ઇટાલીયા, અને ઈશુદાન ગઢવીને ટ્વિટ મારફતે સુરત પૂર્વના આપના કાર્યકરો ખુલીને પોતાને સમર્થન કરે તેવી રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે લોકતંત્ર માં આપ ખરેખર આવા અસામાજિક દુષણોને ખતમ કરવા માંગતા હો તો આપ 159 સુરત પૂર્વ વિધાનસભા સીટ પર ખુલ્લેઆમ મને સમર્થન કરાવો.

આખા ગુજરાતનું નહીં મારા મત ક્ષેત્ર માટે જ માંગ્યું છે સમર્થન: અસલમ સાયકલવાલા
અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, મારા મત વિસ્તારમાં મતદારો પાસે મત માંગવા માટેની પાર્ટીના હાઈ કમાન્ડ પાસે મંજૂરી માંગવાની રહેતી નથી. મેં આખા ગુજરાતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સમર્થનની વાત નથી કરી રહ્યો. હું કોંગ્રેસનો ઉમેદવાર અને સઘન કાર્યકર છું. મારા આ કાર્યથી પાર્ટીને કોઈ જ વાંધો નહીં હોઈ શકે, એવું મને પૂર્વ ખાતરી છે. આ લડાઈ ભાજપની ગુંડાગર્દી અને આ સામાજિક તત્વો સામેની છે. જેને લઇ મેં આ પ્રકારે આમ આદમી પાર્ટી સાથે ખુલ્લું સમર્થન માંગ્યું છે.

અન્ય સમાચારો પણ છે...