વિરોધ પ્રદર્શન:સુરતમાં કોંગ્રેસ મોંઘવારી રૂપી રાવણના પૂતળાનું દહન કરતાં 15 જેટલા કાર્યકરોની અટકાયત

સુરત3 મહિનો પહેલા
કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારી,બેરોજગારી સહિતના રાવણના પૂતળાના દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
  • વિવેકાનંદ સર્કલ પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કાર્યક્રમ આપ્યો હતો

સુરત શહેર કોંગ્રેસ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે મોંઘવારી રૂપી રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિત કાર્યકર્તાઓ ત્યાં પહોંચીને પૂતળાદહનની શરૂઆત કરે તે પહેલાં જ અઠવા પોલીસે પૂતળું કોંગ્રેસ કાર્યકર્તાઓ પાસેથી ઝૂંટવીને 15 લોકોની અટકાયત કરી હતી. મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા પૂતળા દહન અગાઉ જ કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
પોલીસ દ્વારા પૂતળા દહન અગાઉ જ કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

સરકાર મોંઘવારીને કાબૂ કરવામાં નિષ્ફળ-કોંગ્રેસ
મોદી સરકારના શાસનમાં સતત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું જીવવું દુષ્કર થઈ ગયું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સો રૂપિયાને પાર થઈ ગયા છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેના કારણે ટ્રાન્સપોર્ટથી લઈને અન્ય તમામ ચીજવસ્તુઓ પર મોંઘવારીનો બોજ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આર્થિક રીતે મધ્યમ અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે. છતાં પણ સરકાર તેને નિયંત્રણમાં લાવી શકી નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકારની આર્થિક નિષ્ફળતાને પ્રતિકાત્મક રીતે મોંઘવારીનું પૂતળા દહન કરવાનો કાર્યક્રમ આપી વિરોધ નોંધાવ્યો હતો.

કોંગી કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી.
કોંગી કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી.

પોલીસની અટકાયત દુઃખદ-કોંગી નેતા
કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈએ જણાવ્યું કે, દશેરાના દિવસે સત્ય ઉપર સત્યનો વિજય થતો હોય છે. રાવણને રાક્ષસના પ્રતિક તરીકે રાખીને તેના દહનનો કાર્યક્રમ વિજયાદશમીના દિવસે કરવામાં આવતો હોય છે. આજે મનુષ્ય સામે રાક્ષસ તરીકે પ્રતિકાત્મક રીતે જોઈએ તો મોંઘવારી આજે રાક્ષસની જેમ લોકોનું જીવવું દુષ્કર કરી દીધું છે. ત્યારે અમે મોંઘવારીના પૂતળાદહનનો કાર્યક્રમ કર્યો હતો, ના કે કોઈ મુખ્યમંત્રી કે વડાપ્રધાનના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું હતું. છતાં પણ પોલીસે અમારી અટકાયત કરે છે જે દુઃખદ બાબત છે.