જ્ઞાતિના ગણિતને સાચવવા પ્રયાસ:કોંગ્રેસે જાતિગત સમીકરણોને બેલેન્સ કરી ટિકિટો ફાળવી, પૂર્વ બેઠક પર લઘુમતી તો લિંબાયતમાં મરાઠી ઉમેદવારને મેદાને ઉતાર્યા

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબે અસલમ સાયકલવાલા અને જમણે અશોક અધેવાડાને કોંગ્રેસે ટિકિટ આપી છે. - Divya Bhaskar
ડાબે અસલમ સાયકલવાલા અને જમણે અશોક અધેવાડાને કોંગ્રેસે ટિકિટ આપી છે.

પ્રથમ તબક્કાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરીને કાર્યકરોની ઉત્તેજનાનો અંત લાવી રહ્યાં છે. ભાજપ બાદ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગત મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. મોટાભાગના સંજોગોમાં ચૂંટણી દરમિયાન ઉમેદવારોના નામની જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસની અંદર ભડકો થતો હોય છે. પરંતુ આ વખતે સુરત શહેરની અંદર સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. નાના-મોટા વિરોધને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે દરેક વિધાનસભા મત વિસ્તારમાં પોતાના ઉમેદવારને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્વીકારી લીધું હોય તેવું લાગી રહ્યું છે.કોંગ્રેસે જાતિગત સમીકરણોને સાચવી લઈને જે વિસ્તારમાં મતદારોનું પ્રભુત્વ છે તેમને ટિકિટો ફાળવી છે. જેમકે પૂર્વ બેઠક પર લઘુમતી તો લિંબાયતમાં મરાઠી ઉમેદવારને મેદાને ઉતારવામાં આવ્યાં છે.

નામ જાહેર થતાં જ ઉમેદવારોના સમર્થકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી
નામ જાહેર થતાં જ ઉમેદવારોના સમર્થકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી

તમામ મુદ્દા બેલેન્સ કરવા પ્રયાસ
સુરત શહેરમાં વિધાનસભા બેઠકો મુજબ જે પ્રકારનું જ્ઞાતિનું સમીકરણ બેસી રહ્યું છે. તે મુજબ જ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાટીદાર વિસ્તાર વાળી બેઠકો ઉપર પાટીદાર ઉમેદવાર અલ્પસંખ્યક મતદાર વધુ હોય તેવી બેઠક ઉપર મુસ્લિમ ઉમેદવાર, પરપ્રાંતિય મતદારવાળી બેઠકો ઉપર પ્રાંતની વસ્તુ પ્રમાણેના ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે.

પાટીદારોને છ ટિકિટ અપાઈ
સુરતની છ પાટીદાર મતદારોની પ્રભાવવાળી બેઠક ઉપર પાટીદાર ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. કામરેજ, ઓલપાડ ,વરાછા, કંરજ, કતારગામ બેઠક ઉપરથી પાટીદારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કરંજ બેઠક ઉપરથી મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ અને આમ આદમી પાર્ટીની ટક્કર વચ્ચે કોંગ્રેસ કેવી રીતે લાભ લઇ શકે તેની રણનીતિ ઘડવામાં આવી છે. સુરતમાં પહેલી વખત પાટીદાર મતદારોના પ્રભાવવાળી બેઠકો પર ત્રીજા પક્ષની પણ ટક્કર દેખાઈ રહી છે.

પૂર્વ બેઠક લઘુમતી ઉમેદવાર
સુરતની પૂર્વ બેઠક ઉપર છેલ્લા એક સપ્તાહથી ભારે ઘમાસણ મચ્યું હતું. ખાસ કરીને આ બેઠક ઉપર મુસ્લિમને ટિકિટ આપવી કે ન આપવી તેને લઈને આંતરિક જૂથવાદ ચરમસપાટી ઉપર આવી ગયો હતો. આ બેઠક ઉપર સૌથી વધુ 90,000 જેટલા મતદારો મુસ્લિમો છે. આ બેઠક પર સૌથી મહત્વના બે દાવેદારો માનવામાં આવી રહ્યા હતા. જેમાં અસ્લમ સાયકલવાલા અને કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા બાબુ રાયકા હતા. અસલમ સાયકલવાલાને લિંબાયતમાંથી લડાવવા માટેના કોંગ્રેસના કેટલાક મુસ્લિમ લીડરોએ ભરપૂર પ્રયાસ કર્યા હતા. પરંતુ આખરે સતત સક્રિય રહેવાને કારણે કોંગ્રેસના મુસ્લિમ જૂના જોગીઓને પછાડીને પોતાની ટિકિટ મેળવી લીધી છે. અસલમ સાયકલને ટિકિટ ન મળે તેના માટે કોંગ્રેસના જ અલ્પસંખ્યકોના મોટા ગજાના હોદ્દેદારો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આખરે અસલમ સાયકલવાલા સફળ થયા છે.

લિંબાયતમાં મરાઠી ઉમેદવાર
લિંબાયત બેઠક ઉપરથી ગોપાલ પાટીલને ટિકિટ આપવામાં આવી છે. ગોપાલ પાટીલ કોંગ્રેસના ખૂબ જૂના સક્રિય કાર્યકર્તા છે. પરંતુ આ બેઠક ઉપર ગોપાલ પાટીલનું વધુ ઉપજે તેવું દેખાતું નથી. પરંતુ જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખતા આ બેઠકો પર મરાઠી અને વિશેષ કરીને પાટીલ મતદારો વધારે હોવાને કારણે કોંગ્રેસ દ્વારા ગોપાલ પાટીલની પસંદગી કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના લોકસભા મત વિસ્તારમાં આવતી લિંબાયત વિધાનસભામાં પાટીલ મતદારોનો દબદબો છે. પરંતુ આ બેઠક કોંગ્રેસ હાસિલ કરી શકી નથી. મોટાભાગના મતદારો ભાજપ તરફેણમાં જતા હોય છે. આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પણ અહીં નબળો દેખાઈ રહ્યો છે.

મજૂરામાં મારવાડી જૈન
સુરતની મજૂરા બેઠક ઉપર બળવંત જૈનને પસંદ કરવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી છે. એમની લોકપ્રિયતાની સામે આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ ડૂલ થાય તો નવાઈ નહીં. બળવંત જૈન રાજસ્થાની મારવાડી પરિવારમાંથી આવે છે. આ વિસ્તારમાં જૈન અને મારવાડીઓના મતોની સંખ્યા ખૂબ સારી છે. પરંતુ આ સુરતના પોશ વિસ્તારમાં ગણાતી વિધાનસભા છે. મોટા માર્જિનથી ગત વખતે વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયો છે. બળવંત જૈન જે કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની પાસે સંગઠનના નામે કશું જ નથી. માત્ર જે પણ મતો મળશે તે કોંગ્રેસના સિમ્બોલ જોઈને તેમના વર્ષોથી કમિટેડ રહેલા જે વોટર છે. એમના વોટ મળી શકે છે.

ઉધનામાં ઉત્તર ભારતીય
સુરતની ઉધના બેઠક ઉપરથી અને ટિકિટ આપવાની ફરજ પડે તેવી સ્થિતિમાં સુરતના ઉત્તર ભારતીય નેતા તરીકે ઓળખાતા કોંગ્રેસના ધનસુખ રાજપુતની ટિકિટ આપવામાં આવી છે. ધનસુખ રાજપુત છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કોર્પોરેટર તરીકે હતા. નવસારી લોકસભા પણ તેઓ લડી ચૂક્યા છે. પરપ્રાંતીય નેતાઓમાં કોંગ્રેસ તરફથી એક મોટું નામ કહી શકાય. ધનસુખ રાજપુત કોઈપણ પ્રકારના વિવાદમાં આવતા નથી અને સ્વચ્છ છબી ધરાવે છે. તેનો થોડીઘણે અંશે લાભ કોંગ્રેસ પાર્ટી ને મળતો હોય છે.

નબળુ સંગઠન ધરાવતી કોંગ્રેસ માટે આપ પણ પડકારરૂપ સાબિત થઈ શકે છે.
નબળુ સંગઠન ધરાવતી કોંગ્રેસ માટે આપ પણ પડકારરૂપ સાબિત થઈ શકે છે.

સંગઠનની ચિંતા
સુરત શહેરમાં કોંગ્રેસના નબળા સંગઠનને કારણે કોર્પોરેશનની એક પણ બેઠક મેળવી શકવામાં કોંગ્રેસ સફળ રહી નથી. તે ખરેખર ખૂબ જ પક્ષ માટે ચિંતાજનક બાબત છે. આટલી જૂની પાર્ટી હોવા છતાં પણ કોર્પોરેશનમાં એક પણ કોર્પોરેટર કોંગ્રેસનો ન હોય તો શહેરમાં કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અંગે સમજી શકાય છે. બારે બાર બેઠકો પર જે રીતે કોંગ્રેસને પોતાનો ઉમેદવારોની પસંદગી કરી છે. તે પૈકી બે એવી બેઠકો છે કે, જેના ઉપર કોંગ્રેસ ધારે તો પરિણામ લાવી શકે છે. આમ આદમી પાર્ટીને કારણે સુરતની ઓલપાડ બેઠક ઉપર અને સુરતની પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસ લાભ લઈ શકે છે. પરંતુ, અહીં પણ સૌથી મોટી સમસ્યા કોંગ્રેસ માટે એ છે કે, ભાજપના નેતાઓ કરતા કોંગ્રેસના જે નેતાઓ પોતાના ઉમેદવારના ટાંટિયા ખેંચમાં આ સીટ પણ ગુમાવી બેસે તો નવાય નહીં.

અન્ય સમાચારો પણ છે...