ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ આંદોલન અને વિરોધ પ્રદર્શનની મોસમ જામી ગઈ છે. વરાછા વિસ્તારની કોલેજ સહિતની વિવિધ માંગણીઓને લઈને કોંગ્રેસ દ્વારા આગામી એક મહિના સુધી આંદોલન ચલાવવાની જાહેરાત કરી છે. ભાજપના ધારાસભ્યની ઓફિસે જઈને લોલીપોપ આપીને વિરોધ માટેનો શંખનાદ કરવામાં આવશે.
શંખનાદનો કાર્યક્રમ કરાશે
સુરતમાં પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સોમવારથી એક મહિના સુધી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ અને અસંખ્ય કબ્જા રસીદવાળી મિલ્કતોને કાયદેસર કરવાની સાથે માલિકી હક્ક આપવા સહિતની માંગણીઓ પુરી કરવાની માગ સાથે ધારાસભ્યોની ઓફિસો પર શંખનાદના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. આ વિસ્તારમાં ત્રણ વર્ષથી સરકારી કોલેજ, કબ્જા રસીદવાળી મિલ્કતો કાયદેસર કરવા અને રસ્તા પર બંધ પડેલ હાઈટેન્શન લાઈનો દૂર કરીને રસ્તા ખુલ્લા કરવા સાથે ખાડીઓમાં ગંદકી દૂર કરીને તેને પેક કરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત કરવામાં આવી છે. પરંતુ શાસકો દ્વારા કોઈ નક્કર કામગીરી કરી નથી. જેના કારણે સરકારને ઊંઘમાંથી કાઢવા માટે શંખનાદનો કાર્યક્રમ કરવામાં આવશે.
સ્થાનિક પ્રશ્નોને બુલંદ કરાશે
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ રાવલીયા જણાવ્યું કે, ભાજપના 6 ધારાસભ્યોને જગાડવા માટે અલગ-અલગ કાર્યક્રમમાં આપવાના છે. તેમજ તેમને લોલીપોપ પણ આપવા જવાના છીએ. અમારા વિસ્તારની અંદર ઘણા બધા એવા પ્રશ્નો છે કે, હજુ તેનો ઉકેલ આવ્યો નથી. છતાં પણ આ ધારાસભ્યો દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. જેને લઇને આગામી દિવસોમાં અમે એક મહિના સુધી વિરોધ પ્રદર્શનના અલગ-અલગ કાર્યક્રમ આપીશું. અમારા વિસ્તારના લોકો પણ આની સાથે જોડાઈ તેના માટે ખાટલા અને ઓટલા બેઠકો પણ કરવામાં આવશે. સ્થાનિક પ્રશ્નોને લઇને અલગ-અલગ સોસાયટીઓના અને સમાજના અગ્રણીઓ સાથે પણ અમે ચર્ચા કરીશું. આ મુદ્દાઓને લઈને અમે અમારા વિરોધ પક્ષના નેતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવા જવાના છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.