ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા છે. તેમ વિદ્યાર્થીઓમાં તણાવ વધી રહ્યો છે. પરીક્ષામાં પેપર કેવા પુછાશે, મારૂ શું થશે તેવા પ્રશ્નો વિદ્યાર્થીઓના મગજમાં ગુંજતા રહે છે. જેના કારણે તે ક્યારે ખોટુ પગલું ભરી લેતા હોય છે. આ માટે હાલમાં શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇનમાં મુંઝવણમાં મૂકાયેલા વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થી અપેક્ષિત પરિણામ નહીં આવે તો વાલી બોલશે કે ગુસ્સે થશે તો શુ કરીશું એવા સવાલો કરવામાં આવી રહ્યા છે.
હેલ્પલાઇન પર વિદ્યાર્થીઓને મુંઝવતા સવાલોનો મારો ચાલ્યો
કેસ 1 : ટકા નહીં આવે તો શું જવાબ આપીશુ જેવા પ્રશ્નો
કોલમાં વાલીઓથી વિદ્યાર્થીઓ ગભરાતા હોવાનું માલૂમ પડે છે. વાલીઓએ ટ્યુશન રખાવ્યું છે. પણ જો અપેક્ષા પ્રમાણે પરિણામ ન આવે તો શુ જવાબ આપશે, ઘરે જઇને શું મોઢું બતાવશે એવા પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે.
કેસ 2 : દિવસે કે રાત્રે વાંચવા બેસે એટલે ઉંઘ વધુ આવે છે
કેટલાક વિદ્યાર્થીઓએ એવી સમસ્યા અનુભવી રહ્યા છેકે, પરીક્ષા નજીક આવે રહી છે તેમ તેમ ઉંઘ વધુ આવવા લાગે છે. દિવસ હોય કે રાત વાંચવા બેસે એટલે થોડી વારમાં જ ઉંઘ આવી જાય છે.
કેસ 3 : પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી
સાયન્સના વિદ્યાર્થીઓ ગણિત, બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં સારા માર્કસ માટે કેવી તૈયારીઓ કરવી કે જેના કારણે પરીક્ષા સમયે સહેલાઇથી યાદ રહી શકે. વિદ્યાર્થીઓને ગણિતના વિષયમાં ખાસ મૂંઝવણ રહે છે.
કેસ 4 : પરીક્ષા વખતે વાંચેલુ ભુલી જઇએ તો શું કરવું..યાદ કેમ કરવું
પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં ગભરામણ વધી રહી છે. વિદ્યાર્થીઓ એવા સવાલ કરી રહ્યા છેકે, રોજ 8થી 9 કલાક અભ્યાસ કરીએ છીએ. ધ્યાન આપીએ છીએ પણ બીક લાગી રહી છેકે, પરીક્ષા સમયે વાંચેેલુ ભુલી જવાય તો શું કરવું. યાદ કેવી રીતે કરવું અને મનમાં ડર કેમ દુર કરવો.
પરીક્ષાઓ આવે છે ત્યારે વિદ્યાર્થી પર પ્રેસર ન કરવું
એમટીબી કોલેજના સાયકોલોજી વિભાગના વડા ડો. રૂદ્રેશ વ્યાસે જણાવ્યું હતું કે, કોઇ પણ પરીક્ષા સમયે વાલીએ વિદ્યાર્થી પર દબાણ ન કરવું જોઇએ. જેના કારણે વિદ્યાર્થીઓ તણાવમાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓએ આઠ કલાકની પૂરતી ઉંઘ લેવી જોઇએ, વિદ્યાર્થીને જે પરિણામ આવશે તે સ્વીકારી લઇશું એમ કહીને હળવા કરવા જોઇએ. જેથી વિદ્યાર્થી શાંતિથી પરીક્ષા આપી શકે અને સારૂ પરફોર્મન્સ આપી શકે. પરીક્ષાઓ આવે છે ત્યારે પ્રેસર ન કરવું જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.