સ્ટિંગ ઓપરેશન:સુરત સિટી બસમાં કંડક્ટરોની કટકીનો દિવ્યભાસ્કરમાં પર્દાફાશ, 1 વર્ષમાં 81 કરોડનું નુકસાન છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી

સુરત7 મહિનો પહેલા
પાલિકાની બસમાં ટિકિટના બદલે સીધું રોકડી કરાતી હોવાનું સામે આવ્યું છે. - Divya Bhaskar
પાલિકાની બસમાં ટિકિટના બદલે સીધું રોકડી કરાતી હોવાનું સામે આવ્યું છે.
  • મુસાફરોને ટિકિટ મેળવવા માટે પણ કંડક્ટર સામે દલીલો કરવી પડતી હોવાનું સામે આવ્યું
  • પાલિકાએ કહ્યું કે, અમે જ્યાં ફરિયાદ મળે ત્યાં વિજિલન્સની ટીમ દ્વારા તપાસ કરાવીએ છીએ

સુરત મહાનગરપાલિકાની BRTS અને સિટી બસમાં રોજના લાખોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોવા છતાં કોર્પોરેશનની આવક કેમ ઓછી થાય છે. તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક આશ્ચર્યજનક બાબતો જોવા મળી હતી. મુસાફરોની સંખ્યા તો વધી રહી છે. પરંતુ તેની આવક સીધા ડ્રાઇવર અને કંડક્ટરો પોતાના ગજવામાં રાખી લેતા હોય તેવું લાગી રહ્યું છે.બસનું ટિકિટ ભાડું હોય છે. તે મુસાફરો પાસેથી લઈ લેવામાં આવે છે. અને ટિકિટના બદલામાં રૂપિયા સીધા જ ખીસ્સામાં કંડક્ટર દ્વારા નાખવામાં આવતાં હોવાનું દિવ્યભાસ્કરના કેમેરામાં કેદ થયું છે.વર્ષમાં 81 કરોડથી વધુનું નુકસાન બસ સેવામાં થવા છતાં પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોવાનું સામે આવ્યું છે.

બસમાં મોટાભાગના પેસેન્જરને વગર ટિકિટે રૂપિયા લઈને મુસાફરી કરાવવામાં આવે છે.
બસમાં મોટાભાગના પેસેન્જરને વગર ટિકિટે રૂપિયા લઈને મુસાફરી કરાવવામાં આવે છે.

40ના બદલે 30ની રોકડી કરી લેવાય છે
સુરતના કાપોદ્રા- રેલવે સ્ટેશન-મજુરા ગેટ રૂટ પરની કેટલીક હકીકતો જાણવા મળી છે. તેમજ સરથાણા-હીરાબાગ સર્કલ-અશ્વિનીકુમાર રૂટ, સુરતથી સાયણ, સુરતથી કડોદરા આ તમામ રૂટ છે.જ્યાં સૌથી વધારે સિટી બસમાં મુસાફરોને ટિકિટ માગતા હોવા છતાં પણ ટિકિટ આપવામાં આવતી નથી. ટિકિટના રૂપિયા 40 થતા હોય તો કંડકટર તેની પાસેથી 30 રૂપિયા લઈને ગજવામાં નાખી દે છે. 30 રૂપિયા થતા હોય તો 20 રૂપિયા લઈને જે તે સ્થળ ઉપર તેને ઉતારી દેવામાં આવે છે. આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું દેખાઈ રહ્યું છે.

માગવામાં આવે તો જ ટિકિટ અપાઈ રહી હોવાનું સામે આવ્યું છે.
માગવામાં આવે તો જ ટિકિટ અપાઈ રહી હોવાનું સામે આવ્યું છે.

મહિલાએ દલીલ કરતાં ટિકિટ અપાઈ
સરથાણાથી હીરાબાગ સર્કલ તરફના રૂટ ઉપર જતી મહિલા દ્વારા સિટી બસના કંડક્ટરને કહેવામાં આવ્યું કે, તું ટિકિટ કેમ આપતો નથી. પહેલા તે ઓછા રૂપિયા માગે છે.ત્યાર બાદ મહિલાએ જ્યારે ટિકિટ લેવાનું જ આગ્રહ રાખ્યો ત્યારે તેની પાસેથી વધારે રૂપિયા જે ટિકિટનો દર હતો. તે પ્રમાણે લેવાની વાત કરી ત્યારે મહિલાએ તેને કહ્યું કે, પહેલા કેમ તે ઓછા રૂપિયામાં ને હવે કેમ વધારે માગે છે. જ્યાં સુધી અમે ટિકિટ માંગતા નથી. ત્યાં સુધી કેમ તું જાતે જઈને ટિકિટ આપતો નથી. બસની અંદર ઘણા એવા પેસેન્જરો છે કે, જેની પાસેથી રૂપિયા લીધા છે. પરંતુ એ લોકોને ટિકિટ આપી નથી. મહિલા અને કંડક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. કંડક્ટરની સામે જવાબ આપે છે. પરંતુ તે મહિલાની વધુ પડતી દલીલોને સાંભળ્યા બાદ આખરે તેને ટિકિટ આપી દે છે. ત્યારે મહિલાએ તેને કહ્યું કે, તમારા જેવાના કારણે કોર્પોરેશનને નુકસાન થઈ રહ્યું છે.

ટિકિટના રૂપિયા પાલિકામાં ન પહોંચતાં નુકસાન વધી રહ્યું છે.
ટિકિટના રૂપિયા પાલિકામાં ન પહોંચતાં નુકસાન વધી રહ્યું છે.

બસ સેવા ટિકિટ ન અપાતા ખર્ચાળ સાબિત થઈ
કાપોદ્રાથી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ મજુરાગેટ તરફ આવતા હોય છે. ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. બસના કંડક્ટરે મોટાભાગના પેસેન્જરો પાસેથી પૈસા લીધા અને ટિકિટ આપી ન હતી. ત્યાં બેસેલા એક વિદ્યાર્થી પાસે પણ તેણે સીધા રૂપિયા લઈને ગજવામાં મૂકી દીધા. પરંતુ ટિકિટ આપી ન હતી. આ પ્રકારે રોજના લાખોની સંખ્યામાં મુસાફરો પાસેથી રૂપિયા લઇ લેવામાં આવે છે. પરંતુ તેમને ટિકિટ આપવામાં આવતી નથી.તેને કારણે આખરે સમગ્ર નુકસાન સુરત કોર્પોરેશનના માથે પડે છે. આવી સ્થિતિમાં લોકોની સુવિધા માટે શરૂ કરેલી બસ સેવા માત્ર ખર્ચાળ પૂરવાર થાય છે. પરંતુ ખરેખર કોર્પોરેશનના અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેતા ન હોય અથવા તો તેઓની આ પ્રવૃત્તિ સાથે સાંઠગાંઠ હોવાનું માની શકાય એમ છે.

આવક સામે જાવક વધી
મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2013-14માં મનપા દ્વારા બસ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તબક્કાવાર હાલ શહેરના 13 જેટલા રૂટ પર 250થી વધુ બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે. તે જ પ્રમાણે 45 જેટલા રૂટો પર 550થી વધુ સિટી બસ ચલાવવામાં આવી રહી છે. નુકશાનીના આંકડા પર નજર કરી કરીએ તો વર્ષ 2020-21માં 26.31 કરોડની આવક સામે 107.90 કરોડનો ખર્ચ કોર્પોરેશનને બસ સેવા પાછળ કરવો પડી રહ્યો છે. આવક કરતાં ચાર ગણા જેટલું નુકસાન થતું હોવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. અધિકારીઓ કડકાઇથી કામ ન કરતા હોવાને કારણે આ પ્રકારનું નુકસાન સુરત કોર્પોરેશનને પડી રહ્યું છે.

પાલિકા દ્વારા કાર્યવાહીનો પણ ડર કંડક્ટરને રહ્યો નથી.
પાલિકા દ્વારા કાર્યવાહીનો પણ ડર કંડક્ટરને રહ્યો નથી.

વિજિલન્સની ટીમ કામ કરે છે-પાલિકા
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકને આ બાબતે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમારી વિજિલન્સની ટીમ સક્રિય રીતે કામ કરી રહી છે. જે જે વિસ્તારમાં ફરિયાદો મળી રહી છે, તે વિસ્તારની અંદર જઈને વિજિલન્સની ટીમ બસના કંડકટરોને ઝડપી પાડીને તેમની સામે કાર્યવાહી કરી રહી છે. ત્યારે અમે એમને પૂછ્યું કે, અત્યાર સુધીમાં છેલ્લા બે મહિનામાં કેટલા કેસ ઝડપાયા છે. તેમણે કહ્યું કે, મારી પાસે અત્યારે વિગત નથી. પરંતુ એ તમને મેળવીને આપીશ. પરંતુ આ માત્ર અધિકારીએ પોતાનો લૂલો બચાવ કર્યો છે. વિજિલન્સની ટીમ કાર્યરત છે. એવી વાત કરીને હકીકત દબાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સમગ્ર શહેરની અંદર સતત આક્ષેપો થતાં રહે છે કે, બસમાં મુસાફરો પાસેથી કંડકટરો સીધા રૂપિયા ખંખેરી લે છે.