પાલનપુર જકાતનાકા વિદ્યાકુંજ સ્કૂલ પાછળ આવેલા ચારથી વધુ એપાર્ટમેન્ટમાં પીવાનું પાણી દુર્ગંધયુક્ત અને ગંદું આવતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત છે. છેલ્લા પાંચ દિવસથી પાલિકામાં ઓનલાઇન ફરિયાદ કરવા છતાં હજુ સુધી નિરાકરણ થયું નથી. જેથી અંદાજે 1 હજારથી વધુ લોકો હાલાકીમાં મુકાયા છે. દુર્ગંધયુક્ત પાણી આવતા ફરજિયાત બહારથી પાણી ખરીદીને લાવવાની નોબત આવી છે.
સ્થાનિક રહેવાસીનું જણાવવું છે કે, ગણેશ એપાર્ટમેન્ટ, સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટ, ધનેશ એપાર્ટમેન્ટ, સરીતા એપાર્ટમેન્ટમાં આ સમસ્યા ભોગવી રહ્યાં છે. અઠવાડિયા અગાઉ પાલિકામાં ઓનલાઇન ફરિયાદ કરવા સાથે સ્થાનિક નગર સેવક નિલેશ પટેલને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. નગરસેવકે તો શુક્રવારે પાણીના ટેન્કર મોકલવાની ટેલિફોનિક વાતો કરી હતી.
પરંતુ શુક્રવારે ટેન્કર મોકલ્યું ન હતું. અમે અત્યાર સુધી ભાજપને મત આપતા આવ્યા છીએ. પાંચ વર્ષમાં કોઇવાર નગરસેવકો પાસે કામ લઇને જતા નથી. પાણીની ફરિયાદ હોવાથી અમે સંપર્ક કર્યો હતો. પરંતુ રિસ્પોન્સ મળી રહ્યો નથી. આ મામલે રાંદેર ઝોનના જુનિયર ઇજનેર એમ.એન.સેલરે જણાવ્યું કે, કામગીરી સતત ચાલુ છે. ફોલ્ટ મળતો નથી. વિદ્યાકુંજ સ્કૂલ પાસે ગટરો ઉભરાઇ રહી છે. આવતીકાલે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.