કાર્યવાહી:વેલંજામાં પાસ-બીટીપીનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પાસનાં અલ્પેશ કથીરિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

નવાગામ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

21મીના ફેબ્રુઆરીના રોજ સુરત મહાપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં પાસનાં આગેવાન અલ્પેશ કથીરીયાની આગેવાનીમાં 50થી60 બાઇક અને કારમાં આવેલા 150થી 200માણસોનું બીટીપીનાં કાર્યકરે વીડિયો ઉતારતા પાસનાં કાર્યકરોએ મારૂતિવાનમાં બેઠેલા બીટીપીનાં કાર્યકરોને જાતિ વિષયક ગાળો આપી લાકડાનાં ફટકા અને પથ્થરથી માર માર્યો હતો. એ સાથે જ 3000 રૂપિયાની લૂંટ કરી મારૂતિવાનના કાચ તોડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મામલો કામરેજ પોલીસ મથકે પહોંચતાં અલ્પેશ કથીરીયા અને અન્યો સામેે એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

150થી વધુ કાર્યકરો આવ્યાં હતા
વોર્ડ નં 2ની ચૂંટણીમાં BTPનાં ઉમેદવાર વિજય વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી. 21મીએ વેલંજા પ્રાથમિક શાળામાં મતદાનની પક્રિયા ચાલતી હતી. BTPના જેકિશન વસાવા તેમની મારૂતિવાનમાં તેમના બે દિકરા જેનીશકુમાર, જશપ્રિત, બીજા કાર્યકર અંકિત રઘુવીર ગામીત, સાગર હરીશ રાઠોડ અને કિરણ દિલીપ ગામીત વગેરે વેલંજા ગામનાં ચાર રસ્તા પાસે સ્કૂલ તરફ જતા-જતા તેમનાં મહોલ્લાનાં માણસોને સ્લીપ વહેંચણી કરતા હતા. દરમિયાન સાંજનાં 4.00 વાગ્યે રંગોલી ચોકડી તરફથી 50થી 60 બાઇક અને કારમાં જય સરદાર લખેલી પીળી ટોપી પહેરેલા અલ્પેશ કથીરીયા સહિત 150થી 200 પાસનાં કાર્યકરો આવ્યા હતાં.

ગાળાગાળી થઈ અને પથ્થરમારો થયો
વાનમાં બેઠેલા સાગર રાઠોડ એમનાં મોબાઇલમાં વીડિયો ઉતારતા હતા. તે જોઇ પાસનાં ટોળાએ મારૂતિવાનને ઘેરી વિડિયો કેમ ઉતારો છો તેમ કહી ગાળો આપી. કોણ છો એમ પુંછતા ? અમે છોટુભાઇ વસાવાનાં માણસો છે તેમ જણાવ્યું હતું. તેમ કહેતા તમે નહીં સુધરો તમોને અહીં કોણે બોલાવ્યા છે ? તમોને જીવતા સળગાવી દઇશું, તથા જાનથી મારી નાંખીશું. તેમ કહી લાકડાનાં ફટકા અને પથ્થરોથી માર મારવા લાગ્યા હતા.

તમામ ઇજાગ્રસ્તોને સિવિલમાં દાખલ કર્યા
આશરે 10થી15 મિનિટ સુધી ટોળાએ ગાળો આપી પથ્થર તથા લાકડીનાં સપાટાથી જેકિશનભાઇ તથા તેનાં બંને દિકરા જેનીશકુમાર, જશપ્રિત, અંકિત ગામીત, સાગર રાઠોડ કિરણ ગામીત વગેરેને મારમારી વાનનાં કાચ તોડી નાંખી આતંક મચાવી ભાગી છુટ્યાં હતા. જેનો BTPનાં માણસોએ વિડિયો ઉતારી લીધો હતો. તેમજ કેટલાક વાહનોનાં નંબર નોંધી લીધા હતા જેમાં એક સફેદ કલરની સ્વીફટ ગાડી નં (GJ 05 JR 0568) પણ સામેલ હતી. ઉપરોકત તમામ ઇજાગસ્તોને સુરત સિવિલમાં દાખલ કરાયા હતા. મોડી રાત્રે પાસનાં અલ્પેશ કથીરીયા તથા અજાણ્યા સામે એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

રોકડા અને સોનાની ચેન કાઢી લેવાઈ હતી
જેમાં જેકિશનભાઇને ફટકાથી માથામાં તથા જમણી આંખે તથાં ડાબા કાન ઉપર, અંકિતને હાથ પકડી બહાર ફેંકી દઇ પેન્ટનાં ખીસ્સામાથી 2000 રૂ. કાઢી લીધા હતાં. તથા અંકિતને છોડાવવા જતાં જેકિશનભાઇની સોનાની ચેન આંચકી લીધી હતી અને ચશ્મા તોડી નાંખ્યા હતા. કિરણ ગામીતને માથામાં પથ્થર મારતા લોહી લુહાણ થઈ ગયા હતાં અને ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ વિડિયો ઉતારનાર સાગરને તું કોણ છે, તેમ પૂંછતા હું રાઠોડ છું તેમ કહેતા તેનો મોબાઇલ આંચકી લઇ જાતિ વિષયક ગાળો દઇ ઢીકકા મુકકીનો તથા લાકડાના ફટકાથી મારમાર્યો હતો. પથ્થર તથા લાકડીનાં સપાટા મારી મારૂતિવાનનો પાછળનો કાચ તોડી નાંખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...