શહેરમાં વ્યાજખોરો સામે ચાલતી ડ્રાઇવ હેઠળ સિંગણપોર અને કતારગામ પોલીસે 2 વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે. કતારગામમાં વ્યાજખોરે એલઆઇસી એજન્ટની મોપેડ પડાવી લીધી હતી, જ્યારે સિંગણપોરમાં જમીન દલાલને મકાનનો દસ્તાવેજ કરવા ધમકાવ્યો હતો.
કતારગામ કિલ્લોલ ફ્લેટમાં રહેતા કિશોર ચતુર પટેલ એલઆઇસી એજન્ટ છે. તેમના પુત્ર નિરવે 4 વર્ષ પૂર્વ વેડરોડ એલીફન્ટા હાઇટ્સમાં રહેતા દિનેશ લાલજી મોરડીયા પાસેથી 1.50 લાખ વ્યાજે લીધા હતા. જેની સામે નિરવે 4 લાખનો ચેક દિનેશને આપ્યો હતો. આ ચેક ઉપરાંત બીજા રોકડા 4 લાખ સહિત 8 લાખ ચૂકવી દીધા હતા. બાદમાં ફરી દિનેશે નિરવને 1 લાખ આપ્યા હતા અને તેની સામે મોપેડની આરસી લઇ લીધી હતી. 1 લાખની સામે વધારે રૂપિયાની માંગણી કરીને યુવકને ધમકાવતા દિનેશ મોરડીયાની સામે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
જ્યારે બીજા બનાવમાં પાલના એલપી સવાણી રોડ ઉપર શુભમ રેસીડેન્સીમાં રહેતા પૃથ્વીરાજ મહેન્દ્રસિંહ સોલંકીએ વેડરોડના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા હિતેન્દ્ર જમનાદાસ મોતાવાલાને રૂા. 1.65 લાખ વ્યાજે આપ્યા હતા. જેની સામે હિતેન્દ્રભાઇએ રૂા. 4.60 આપી દીધા હતા. તેમ છતાં પણ પૃથ્વીરાજે હિતેન્દ્રભાઇને ધમકાવીને વધુ 4.45 લાખની માંગણી કરતો હતો. આ બાબતે સિંગણપોર પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.