ક્રાઇમ:સિંગણપોરમાં ખોટા દસ્તાવેજથી જમીન પચાવનારા સામે ફરિયાદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ કબજો કરી મકાનો, ભેંસનો તબેલો ઊભો કરી દીધો
  • કબજો છોડાવવા​​​​​​​ મૂળ જમીન માલિક પાસેથી 2 કરોડ માંગ્યા હતા

સિંગણપોરમાં એક બદમાશે જમીનના બોગસ ડોક્યુમેન્ટ બનાવીને જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને ત્યાં મકાનો અને ભેંસનો તબેલો બનાવી દીધો છે. આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. સિંગણપોર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, વેડરોડ પર સ્વામીનારાયણ ગુરૂકુળ બાજુમાં નારાયણમુનિ સોસાયટીમાં રહેતા લાલજી દયાળભાઈ પટેલ હાલ નિવૃત્ત છે. સિંગણપોરમાં કિંમતી જમીન છે.1993માં મૂળ માલિક હરીસિંગ રામસિંગ પરમાર પાસેથી લાલજીના જમાઈએ જમીન ખરીદી હતી.

જુલાઈ 2019માં હરજી અરજણ રબારીએ તે જમીનની કમ્પાઉન્ડ વોલને ગેરકાયદેસર રીતે તોડી પાડીને જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હતો. તે જમીનની માલિકાના આરોપી હરજીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. હરજીએ અન્ય વેચનાર પાસેથી તે જમીન પર પોતાના અને તેના મળતીયાઓના નામે 30 પ્લોટની બોગસ કબજા રસીદ બનાવી દીધી હતી. તે રસીદો 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરવામાં આવેલ હતી.તમામ રસીદોમાં એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના રૂબરૂ કરવામાં આવ્યા હતા. તેમાં મેજીસ્ટ્રેટના સિક્કાઓ પણ બોગસ બનાવ્યા હતા.

વેચનાર વ્યકિત તરીકે પણ બોગસ સહી કરાઈ હતી. ત્યાર બાદ હરજીએ તે જમીન પર મકાનો બનાવી લીધા હતા. ઉપરાંત ભેંસનો તબેલો પણ શરૂ કર્યો હતો. હરજીએ તે જમીન છોડવા માટે લાલજી અને તેમના જમાઈ પાસેથી 2 કરોડ રૂપિયા માંગ્યા હતા. લાલજી પટેલે આરોપી હરજી રબારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ, છેતરપિંડી કાવતરું અને ખંડણીની ફરિયાદ આપતા સિંગણપોર પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...